Oct 1, 2013

Sat-Sloki-Gujarati-22

શત-શ્લોકી-22-(આદિ) શંકરાચાર્ય રચિત



આવો આત્મા કે જે પવિત્ર અને કેવળ પ્રકાશ-રૂપ હોઈ જીવાત્મા અને  બ્રહ્મ ના ભેદ નો એકદમ નાશ
કરે છે,અને (આ ભેદ ના નાશ નું) જે અતુલ વિજ્ઞાન તેના હૃદયમાં પ્રગટ્યું હોય છે,કે જે –
સંસાર નું કારણ “માયા” નો પણ નાશ કરે છે.
અને આ રીતે નાશ પામેલી માયા ફરીથી કદી પોતાનું કાર્ય (સંસાર બનાવવાનું) કરનારી થતી જ નથી.
એટલે કે એ વિજ્ઞાન ને કારણે જ એ પુરુષમાં માયા ફરી ઉદ્ભવતી જ નથી, (૯૭)

“જગત એ કોઈ વસ્તુ જ નથી.” આ વેદ વચન-રૂપ પ્રમાણ થી જગત-રૂપ આકાર નું જેનું જ્ઞાન નાશ પામ્યું હોય છે,તેવો એ જીવનમુક્ત પુરુષ કેવળ સચ્ચિદાનંદ પરમાત્મા ના સુખ નો અનુભવ કરી,પૂર્ણ થયો હોય છે,
અને આત્મ-પ્રકાશ પામી ને તેનું હૃદય શાંત થયું હોય છે.
તેથી જેમ,કોઈ મનુષ્ય ફળ નો રસ પી ને તેની છાલ સુગંધીદાર હોવાં છતાં તેને ફેંકી દે છે,
તેમ,આ જગતને હૃદય થી નિઃસાર સમજી ત્યજી દે છે. (૯૮)

માત્ર --સર્વ ચૈતન્ય રૂપ,--સત્વ –વગેરે ગુણ રૂપી મેલ વિનાના,--”તત્વમસિ” આદિ વાક્યો ના લક્ષ્યાર્થ રૂપ.
--સર્વકાળે એકસ્વરૂપ રહેનારા,--દરેકમાં આત્મા-રૂપે રહેલા,--સર્વ ક્રિયાઓ તથા મન ના અવિષય બ્રહ્મ,
--અને સર્વ ના નિયંતા એ પરમેશ્વર નો માત્ર સાક્ષાત્કાર થતા જ
એ જ્ઞાની નાં કર્મો નાશ પામે છે,હૃદય ની અજ્ઞાન રૂપી ગાંઠ છૂટી જાય છે,અને
જન્મ-મરણ રૂપ ફળો આપનારા સંશયો કપાઈ જાય છે. (૯૯)

આ સંસાર-રૂપી વૃક્ષ મિથ્યા છે,છતાં,આદિ,મધ્ય અને અંત માં જન્મ-મરણ રૂપ ફળ ને આપનાર છે.
કર્મો જ તેનું –મૂળ- છે,ભ્રમ,મદ,હર્ષ,અને શોક વગેરે તેનાં-પાંદડાં- છે,
કામ,ક્રોધ વગેરે તેની ડાળીઓ છે,અને પુત્ર,સ્ત્રી,પશુઓ વગેરે એ ઝાડ પર રહેનારાં પક્ષીઓ નો સમુદાય છે,
કુશળ બુદ્ધિવાળા પુરુષે,આ સંસાર રૂપ વૃક્ષ ના “સ્વ-રૂપ” ને જાણી લઇ,
વૈરાગ્ય-રૂપી તલવારથી ચારે બાજુ તી તેને કાપી નાંખી,પરમાત્મા નું ચિંતન કરવું. (૧૦૦)

ગ્રંથ સમાપ્તિ માં પ્રભુ ને પ્રણામ કરતાં કહે છે કે-
“સમગ્ર જગત મારામાં જ જન્મ્યું છે,મારા માં જ સારી રીતે સ્થિતિ કરી રહ્યું છે,અને છેવટે મારામાં જ લય પામે છે,માટે હું જ બ્રહ્મ છું”
આમ યજ્ઞાદિ સર્વ કર્મો માં જેનું સ્મરણ કરવાથી તે કર્મ સારી રીતે પૂર્ણ થાય છે,અને
જે કાંઇક  પણ ન્યૂનતા હોય તે પૂર્ણતા ને પામે છે,
તે અચ્યુત-પરમાત્મા ને અતિ આનંદ-પૂર્વક હું પ્રણામ કરું છું. 

શત-શ્લોકી સમાપ્ત.

PREVIOUS PAGE             INDEX  PAGE              END