આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,
પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,
તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?
અનિલ-ઓગસ્ટ-1-2021
એક દુઃખી જનને
વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,
વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?
વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,
હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?
દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,
ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?
સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ સુખી બની,
દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?
અનિલ
ઑગસ્ટ-1-2021
હરી જતો જે સર્વનાં મન,તે જ મનહરનું મન,
હરી ગઈ,રાધાજી ને ગોકુળની નટખટ ગોપીઓ.
કોણ કહી શકે કે જગદીશ્વરને કોઈ ખોટ નથી?
મનની જ ખોટ પડી ગઈ,લાગે,જશોદાના લાલને.
હે હરિ,દઈ દઉ છું,મન, મારુ,પ્રેમથી સ્વીકારજો.
ચરણકમળમાં રહું સદા,ભક્તિ અચળ આપજો.
અનિલ
7-29-2021
અમૃત અને યાદ
અટકચાળો બાંકે આ માનવી,કામ કરે નહિ કોઈ સીધું,
તો પણ ઓ મા,એ માનવી કાજે તમે શું શું નથી કીધું?
કર્યા અનેક અપરાધ અમે,છતાં,હે મા,કેટકેટલું દઈ દીધુ?
તરસ્યાને મળી ગયું છે અમૃત,તો પ્રેમ હૈયે ભરપૂર પીધું.
અનિલ
જુલાઈ,9-2021
-------
વસી ગયો 'એ' જ્યાં,દિલમાં મારા,તો હું ય વસ્યો 'તે'ના દિલમાં,
પતો થયો બંનેનો એક,હવે મુશ્કેલ નથી,યાદ રાખવો તેને મનમાં
અનિલ -જુલાઈ-6-2021
એકલા
નથી રહેવું જેઓને એકલા,જુઓ,એકલા એકલા જ બનાવી દીધા તેને,
પગ જેનો ટકતો નહોતો ઘરમાં,ઘરમાં ને ઘરમાં જ ફસાવી દીધા છે તેને,
ઓ કોરોના,વાત શું કરવી તારી? બધું અજબ અજબ જ સાંભળવા મળે,
કેમ છો? એમ જો ખાલી જ પૂછો- તો આખી જ કહાણીઓ સાંભળવા મળે.
જાવા દો ને,આની એ વાત તો શું કરવા કરું છું ? તમારી આગળ તમને?
નથી કશું પૂછ્યું ને કશું વાંચવું એ નહોતું,તમારે તોયે આ વંચાવી દીધું તમને.
અનિલ
જૂન-8-2021
પ્રેમની સગાઇ
પીતાંબર પહેરી,કર્યાં ટપકાં-ટીલાં,લીધી હાથમાં માળા ને વગાડી ઘંટડી,
ધૂપ-દીવો ને આરતી કરી ગયા મંદિરમાં,આવી ભક્તિથી,પ્રભુ મળે નહિ,
ભક્તિ તીવ્ર બને જો પ્રેમથી,ને આંખથી વહેવા લાગે જો ધારાઓ અશ્રુની,
રોકી શકશે નહી પ્રભુ,આ પ્રેમની સગાઇ,પાગલ થયા વિના પ્રભુ મળે નહિ.
અનિલ જૂન-5-2021
લખાવ્યું
લખાવ્યું 'એ'ને જે,લખી દીધું છે,પ્રેમસભર હૈયે,
હવે આંગળીઓ વશમાં નથી અને થોડી કંપે.
મૌન-રૂપે આવી ગઈ છે,વાણીની સરહદ,નજદીક,
ધીમી ગતિના પડતા પગલે,પગ પણ થોડા લથડે.
લાગે છે કે કાળની દોસ્તી બહુ ચાલશે નહિ અનિલ,
ગણતરીના શ્વાસ પુરા થઇ,મારી લોચા,થોડા લથડે.
જાતને જોઈ છે,મેં નાડાછડીથી બંધાયેલી સફેદ કપડે,
બંધાયેલ પણ મુક્ત થયેલ મને જોઈ,હૈયું ન હવે ફફડે.
અનિલ-મે-26-2021
ભોગવી લો,જોઈ લો આ માયાવી જગતને ત્યાં સુધી,પણ,
જ્યાં એ જગત,ગગનમાં સમાયું,તો પછી એ દેખાશે નહિ.
સંભળાય છે એ નાદ?સાંભળીને ભલે બની જાઓ ઉન્મત્ત,
શૂન્યતા બ્રહ્મની જ્યાં પ્રસરી કે પછી તે સંભળાશે નહિ.
સુગંધ અનિલની સુંઘી લો કે સુરાવલી તેની સાંભળી લો,
જ્યાં સ્થિર થયો અનિલ,એ ગગનમાં,તો પછી દેખાશે નહિ.
અનિલ -મેં-25,2021
તરંગ
પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?
બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?
ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?
તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.
--અનિલ મે,21,2021
કેવળ હરિ નામ
વલોવો ભલે વેદ ને શાસ્ત્રો,ને મથો ઘણું,અંતે તો છે હરિ-નામ,
જીવન ટૂંકું,કલિમાં,ન થઇ શકે તપ-સાધન,હરિ-કીર્તન જ ઉપાય.
મુશ્કેલ છે ઘણો,તરી જવો,આ સંસાર-રૂપી સાગરને,આ કલિમાં,
હરિનામની હોડી બનાવી,હરિ-કીર્તનથી તરી જવું,એ જ ઉપાય.
મુક્તિ કે ભુક્તિની આશા રહેવા દે જીવ,ઘોર છે આ કલિયુગ,
કેવળ હરિ નામ,કેવળ હરિ-કીર્તન કરી,યાચું માત્ર તને ભગવાન.
અનિલ
એપ્રિલ-7-2021
મનહર
મનને હરનાર મનહર,હરિએ હરી જ લીધું છે જ્યાં મનને,
ના ચિતા,ના ચાહના,મન જ નથી તો નાથવું કયા મનને?
ન રહ્યું કોઈ ભાન દેશ-કાળ કે શરીરનું,હરિમાં જ્યાં સમાણાં,
અનંગ ઉન્માદ,પ્રેમ-મસ્ત આનંદમાં,નયનમાં નીર ના સમાણાં.
વ્હાલાને કર્યું વ્હાલ,ચિત્તચોરે ચોર્યું ચિત્તને,પ્રેમ-વહાણાં વાયાં,
સમાઈ હરિમાં ગયા,બેસી ગોદમાં તેની,બન્યા હરિના જાયા.
અનિલ-એપ્રિલ-3-2021
'ઠાઠડી'નો 'ઠાઠ'
આવવું હોય તો આવજો તમે,
ગુલાબજળથી નવડાવી,ચંદનનો લેપ કરશું,
કંકુનો ચાંદલો કરી,રેશમી વસ્ત્રમાં લપેટશું,
ગંગાજળ મુખે મૂકી,સોનાની પતરી મુક્શું,
ને ઘણા જ 'ઠાઠથી' મારી 'ઠાઠડી' બાંધશું,
'ઠાઠડી'નો 'ઠાઠ' જોવો હોય,તો આવજો તમે.
અનિલ-માર્ચ-4-2021
શરણાગત
યાદોને કરી વિદાય,'યાદ' શબ્દ પણ નથી રહ્યો,
શ્વાસ હવે તો તારા શ્વાસથી અલગ નથી રહ્યો.
ભૂસકો માર્યો તારા પ્રવાહમાં,પ્રવાહ સંગ વહું,
ભલે અસંગ તું,પણ તુજ સંગે જ હું નાચી રહ્યો.
નથી નામ કોઈ એવા એના રંગમાં રંગાઈ ગયો,
નથી કોઈ વળાંક રહ્યા,રસ્તે સીધા ચાલી રહ્યો
ધડકનનું બંધન ધડકનને,નાદ અનહત ગાજી રહ્યો,
શરણાગત થયો,બન્યો એક,તો કાનમાં ગુંજી રહ્યો.
અનિલ
23,જાન્યુઆરી-2021
સસ્તી સલાહ
નર કપડાની ચિંતા કરે નરક પડવાની નહિ
દુઃખ આવી મળવાની ચિંતા કરે મરવાની નહિ.
કોઈ મરે તો ચિંતા કરે- પોતાના મરવાની નહિ
સ્મસાનમાં વૈરાગ્યની વાતો,પણ સંસારમાં નહિ
ટીલાં-ટપકાં કરી,ભક્તિની વાતો કરે આ સંસારમાં,
ભક્તિ શું વધી ગઈ છે કે શું ? એની ખબર પડે નહિ.
માગ્યા વગર દીધી છે,તો મને ય મન થાય છે,આપું,
સસ્તી એ સલાહને કોઈ માંગે ત્યાં સુધી દેશો નહિ.
અનિલ
૧૯,ઓક્ટોબર-૨૦૨૦
નાદ-બ્રહ્મ
ઝણકી ઉઠ્યા તાર વીણાના,ને સૂર-તાન પણ સૂરમય થયા,
દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.
વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,
નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !
દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,
તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.
અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૨૦
જો આ સૂરજ તો ઉગ્યો ય ને આથમી પણ ગયો,
કોઈ દોડે અહી-કોઈ તહી,સૂરજ સાંજ પાડી ગયો.
પ્રીતિ પ્રભુની રાખવાની,જગતમાં કોને છે પડી ?
જુઓ,ભીતિ ય છે કોઈને? ઝંઝાવાત વહી રહ્યો
અનિલ
7-27-2020
રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
નથી રહી ઈચ્છા,પૂર્ણ બની પૂર્ણમય થઇ ગઈ.
ધ્યાતા,ધ્યાનના રસ્તે વહ્યો હતો ધ્યેય પ્રતિ,
ત્રિપુટી તૂટી અને માત્ર ધ્યેય સર્વત્ર વહી રહ્યો.
વસ્ત્ર-સન્યાસ નહિ,પણ કર્મ-સન્યાસ થઈ ગયો,
વહેતો અનિલ,સ્થિર થઇ આકાશમાં વસી રહ્યો..
અનિલ
એપ્રિલ,૨૩.૨૦૨૦
જે રાખતો જગની ખબર,કોણ જાણે બન્યો છે કેમ એ બેખબર?
ખબર રાખી નહિ,કે ભૂલ્યા તને,કે બીજું કારણ? ઓ બેખબર?
થયું હતું બેહોશ ને હોશમાં આવે તે પહેલાં બેહોશ કર્યું જગતને,
હોશમાં હોય કોઈ,તો ખબર જગની બેહાલીના દેશો એ બેખબરને?
અનિલ
એપ્રિલ,૧૮,૨૦૨૦-Corona Virus Pandemic
હૃદયમાં બંધ થઇ,સુકાઈ ગયા હતા શું આંસુ?
થયું શું આજ એવું કે?આંખ ભીની થઇ ગઈ !
દુર તો ક્યાં હતા તમે? પણ નજરનો જ હતો દોષ,
તન્મયતા થઇ જ્યાં -તો આંખ ભીની થઇ ગઈ.
આવ્યાં જ છો જો તમે હૃદયથી નજર સુધી,
સ્વાગત છે તમારું દિલથી,આમ જ વહેતાં રહો.
ભલે,સમજે નહિ કોઈ,કે હું કેમ -શું લખી રહ્યો !
વહ્યો અનિલ,તુજ સંગ તો સુગંધ વહેતી રહી !
અનિલ
માર્ચ-૨૫-૨૦૨૦
સળગી રહી ધૂણી,રાખના ઢગલે ઢગલા થયા,
તન પર થયા થર ભભૂતિના,વરસો વીતી ગયા.
વૈરાગી થયો મનવો,ને ભજનમાં જ લાગી ગયો,
સંસારમાં લોકને મળ્યે.જાણે,વરસો વીતી ગયા.
ગમે નહિ કશું કરવું,નાદ અનંતનો લાગી ગયો,
વહેવાનું બંધ થયે અનિલને,વરસો વીતી ગયા.
છંછેડો નહિ,રહેમ કરો,હલાવો કાં અનિલને?
સ્થિર થયે તેને તો જાણે,વરસો જ વીતી ગયા.
અનિલ
માર્ચ-૨૨-૨૦૨૦
વળગી રહ્યો પ્રેમથી તને,ને ધારાઓ પ્રેમની વહી રહી,
ત્યારે સતાવો કેમ? બહુ સારું નથી !જુલ્મી ન બનો પ્રભુ !!
તમારે તો ઠીક,પણ અઘરું ઘણું છે,સંસારમાં રહેવાનું,
ત્યજી સંસારને આવ્યો,તો પાછો ફેંકી,જુલ્મી ન બનો પ્રભુ !!
સળગી રહી દુનિયા,તેમાં બળી હરવું-ફરવું મુશ્કેલ છે,
થોડાક તો પાસે રહેવા દો,ઠંડક છે,જુલ્મી ન બનો પ્રભુ !!
આપ્યું,તન,આપ્યું મન ને ધન પણ આપ્યું,ઉપકાર ઘણો,
શુદ્ધ કરી સર્વ,પાસ આવ્યો તો છટકી જુલ્મી ન બનો પ્રભુ !!
ડાળીએ ડાળીએ ઝુલતા અનિલને સ્થિરતા બક્ષી દીધી,
પરમાનંદમાં આંગળી ઘોંચી,બહુ જુલ્મી ન બનશો પ્રભુ!!
અડગ-ખડકની જેમ ઉભો છું,તો ઘોંચ-પરોણા કેમ?
થાય તે કરી લેજો,પણ રહેમ તો રાખજો,જુલ્મી ન બનો પ્રભુ!!
અનિલ
માર્ચ-૨૧,૨૦૨૦
ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
માખણ નહિ,પણ વાટકો છાસ આપીને,લાલાને થૈ-થૈ નચાવે.
નસીબ તો જુઓ,આ ભરવાડનાં,કાન્હાને કેવાં ટાંપાં કરાવે,
કદી,વજનદાર પાટલો ઉપાડતાં,કાન્હાનું પીતાંબર છૂટી જાયે.
ધન્ય છે,ગોપી તને,જ્ઞાનીઓ જે બ્રહ્મના દર્શન માટે મથે જાયે,
તે અનાવરણ-નિર્ગુણ-શૂન્ય બ્રહ્મનાં,તું અદભૂત દર્શન પાયે!!
અનિલ
ફેબ્રુઆરી-૧૪-૨૦૨૦
(રસખાનના કાવ્ય પરથી પ્રેરિત)
સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
જ્યાં થઇ ગતિ પવનની બંધ,ને ગતિ તેનામાં શું મળી ગઈ?
બંધન છૂટ્યું જ્યાં શ્વાસનું,તો શૂન્યતા જ સર્વ પ્રસરી રહી,
શૂન્ય મળ્યું જ્યાં શૂન્યમાં તો કોઈ અજબ સ્થિતિ બની રહી.
નથી આવતું કશું એ યાદ,બસ જાણે આનંદની મસ્તી રહી,
યાદ રાખવા જ આ સ્થિતિને, થોડીક પંક્તિઓ લખાઈ ગઈ.
અનિલ
ફેબ્રુઆરી-૧૨-૨૦૨૦
શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
ખરું કર્યું ! માયા-સંગ રમી,ચપટીમાં બનાવી દીધી સૃષ્ટિને.
પતિ થયા માયાના,ત્યાં સુધી તો જાણે વાંધો નહોતો કોઈ,
પણ થયા જ્યાં માયાને વશ તમે,તો પ્રભુ દેહમાં ગયા પુરાઈ.
અખંડ એવા તમે,વિભાજીત થયા,અનેક ખંડમાં,કેવી નવાઈ!
તમે દૃષ્ટા,તમે દૃશ્ય,તમે જ દર્શન,વાહ,કેવી થઇ ગઈ ભવાઈ !
અનિલ
ફેબ્રુઆરી-૬-૨૦૨૦
હર્ષના અશ્રુ વરસે છે અનરાધાર,ગમે તેટલી મોટી,છત્રી અહીં શું કરે?
અહંકારની ગર્જના સામે અડગ ઉભેલાને,સામે સિંહની ગર્જના શું કરે?
વાત કોઈ પણ,મનમાં જેના ન ખટકે,તેને પગનો કાંટો ક્યાંથી ખટકે?
વેદનાઓથી પર થઈ ગયો છે જે,તેને વેદનાની ગોળી તે શું અસર કરે?
ચોતરફ,સર્વ રસ્તે ઉભો છે તું હરિ,તો હરિ,તું કયે રસ્તે તે મને ન મળે?
અનિલ
ફેબ્રુઆરી-4-૨૦૨૦
અચાનક જ આવી,નજરમાં વસી ગયા,તમે જ્યારથી,
ને ચૂપચાપ હૃદયમાં પણ પૂરાઈ ગયા, તમે,પ્યારથી.
કોઈ અજબ નશો કહું તો ચાલશે? ના,કહી જ નાખું,
અજબ-ગજબ,નશીલી મસ્તી જ છાયી રહી ત્યારથી.
પૂછ્યું તો નથી જગતે કે કેમ છો? છતાં કહી દઉં છું,
મસ્તીના સમંદરો જ ઉછળી રહે છે,પ્રભુના પ્યારથી !
અનિલ
જાન્યુઆરી,૩૧,૨૦૨૦
ધરતીમાએ,આજ બરફની શ્વેત ચાદર ઓઢી,
ને જાણે,જ્ઞાનની ચાદર આજ,ભક્તિએ ઓઢી.
નથી કમાવું પુણ્ય કે નથી કરવું કોઈ પાપ પણ હવે,
ને નથી માગવી ભુક્તિ કે નથી માગવી કોઈ મુક્તિ,
ઓઢી લીધી છે,ચાદર જયારે ભક્તિની,તો હવે,
માગું,હરપળ તને ને તને જ,બીજું કંઈ નહિ ખપે.
અનિલ
ડીસેમ્બર-૧૧-૨૦૧૯
રામ-રામ કરી આરામમાં રહું છું,ને થોડુક કંઈ લખી કામમાં રહું છું!
ચેન તો દિલને છે જ,ને નથી પણ,પ્રારબ્ધને જ જાણે ભોગવતો ફરું છું.
ચારેય વેદ ખંખોળી,આખર તો રામનું નામ-તુલસી એમ કહે છે,
રામના નામનું કામ કરું,તો કદીક,શાસ્ત્રો પણ ફંગોળતો રહું છું !!
ભલે તેને બેચેની કહો તમે,પણ બેચેનીનો જ કોઈ અજબ આનંદ છે,
સતત નામમાં કે તેના કામમાં ડુબાવી,પરમાનંદ દેતો રહ્યો છે તે મને!!
અનિલ
ડીસેમ્બર-૧૩-૨૦૧૯
કોણ જાણે કેમ 'એ' લાગી રહ્યો છે દૂર દૂર દુનિયાને?
ને જાણે અભિમાની પણ શું લાગી રહ્યો તે દુનિયાને?
નથી 'એ' મતલબી,પણ સમજી સર્વને કરે સહુની કદર,
ન સમજે દુનિયા 'તે'ને,નથી કરતી તેની જ કોઈ કદર !
દરેક વાતનો જવાબ,શબ્દથી શું નથી રહ્યો 'તે'ની પાસે?
કિંમત રહે શું શબ્દની,રાખે નહિ કોઈ સંબંધ તેની સાથે !
અનિલ શુક્લ
નવેંબર,10,૨૦૧૯
સહુની એ સરખી સવાર પાડતો નથી શું એ પ્રભુ?
પણ પોતપોતાની રીતે સાંજ પાડી દેતા જ લોકો.
દોષ એનો તો ક્યાંથી હોઈ શકે,એ પ્રભુનો પછી?
પણ,સુખ-દુઃખનો દોષ 'એ'ની પર ઢાળી દેતા લોકો.
સમાઈ રહ્યો છે એ કણકણમાં 'આકાશ'ની પેઠે,
પણ શું મૂર્તિઓમાં કેદ 'એ'ને નથી કરી દેતા લોકો?
'જય શ્રી કૃષ્ણ' એમ બોલી,લખવાની ફુરસદ નથી,
તો,'જે.એસ.કે.' લખીને 'એ'ને પટાવી દેતા લોકો !
અનિલ
સપ્ટેબર-૧૧-૧૯૧૯
નથી પ્રયત્નથી મેળવી,કે નથી કદી ભેગી કરી,
એ તો એમ ને એમ જ ક્યાંથી આવી ગઈ મસ્તી.
રોકી શકે નહિ કોઈ ફૂલની સુગંધને,સુગંધથી,
સુગંધી બન્યું છે ફૂલ,તો હવામાં સુગંધની મસ્તી.
વાંસળી બન્યું શરીર,ને ફૂંક બન્યો છે પવન,
તો સૂરમયી સુરાવલીની છાઈ રહી મસ્તી.
હવે તો ના હાલે કે ચાલે બન્યો છે સ્થિર અનિલ,
તો,સ્થિર મૌનની છવાઈ રહી અજબ મસ્તી.
અનિલ
જુલાઈ,૨૨.૨૦૧૯
એ જ હૃદય ને એ જ લાગણીઓના પૂર છે,
કલમ ઉપડતી નથી,કવિતા જાણે દૂર દૂર છે.
અસ્તિત્વ મસ્ત સુગંધનું હતું તે હવામાં અહીં,
વહી ગઈ હવા તો તે સુગંધ જાણે દૂર દૂર છે.
ચિંતા મૂકી ચેનથી ચિતા પર સૂતો રહ્યો છું,
આગને બુઝાવો નહિ હવા,જાવું દૂર દૂર છે.
આ પણ કેમ લખાઈ ગયું તે ખબર પડતી નથી,
ધીમેથી પાસ આવીને કોઈ અટકચાળો કરી ગયું.
અનિલ
એપ્રિલ ૫,૨૦૧૯
તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.
શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.
પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.
અનિલ
ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯
ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.
કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.
શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.
અનિલ
ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯
ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?
રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.
ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.
અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯
ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?
ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?
જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?
સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું?
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું?
સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું,
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું?
અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮
'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.
પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.
સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?
બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.
અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮
જનમ્યું હજી જે નથી તેને દેખું છું,
હજુ ખીલ્યું નથી ફુલ તેને દેખું છું.
ઉત્કંઠિત થયેલા કાનનું શું કહેવું?
સ્વરો હજી જે સાજમાં છે,સાંભળું છું.
વિના માગ્યે મળી ગયું જ બધું,
જે ગીત ગવાયું નથી,તે સાંભળું છું.
મૂંગો છું પણ જે સ્વાદને સમજુ છું,
વાણી નથી પાસ તો લખીને કહું છું.
અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮
સમાઈ ગઈ છે જે બુંદ સાગરમાં,તે બીજી બુંદને શું સમજાવે?
આકાશમાં મુક્ત ફરતું પંખી.પિંજરાના પંખીને શું સમજાવે?
મૌન માફક આવી ગયું,હવે વાણીનો વિલાસ બાકી ના રહ્યો,
વર્ણવી ન શકાય તેને વર્ણવવાની ચેષ્ઠા કરી પણ શકાય કેમ?
મદહોશી કહો,મદમસ્ત કહો,દીવાનગી કહો,કે કહો પાગલતા,
ઉન્મતતા જ કામ આવી ગઈ,ના વતાવું કોઈને,કોઈ ના વતાવે !
અનિલ
ડીસેમ્બર-૬-૨૦૧૮
રણમાં ઘર બનાવવાની ઈચ્છા નથી રહી હવે,
જે ઘરમાં રહું છું તે ઘર જ રણ-સમ બની ગયું.
જે આંખોથી ખોળતો રહ્યો હતો 'તે'ને,પણ,
મળ્યો 'તે' તો આંખમાં જ સમાયો બેઠો હતો.
રગરગમાં 'તે' ફેલાઈને તે વહી રહ્યો છે,તો
તેનું સરનામું કઈ રીતે આપું ?તે તમે જ કહો.
પથ 'તે'નો કોણે બતાવ્યો? તે ના પૂછશો તમે,
પ્રેમથી હૃદય થયું વ્યાકુળ,ને રાહ મળી ગઈ !
અનિલ
નવેમ્બર,૨૯,૨૦૧૮
હોશ આવી ગયો અંદર,પણ બહાર જાણે છે બેહોશી,લાગે છે દિવાનગીની,
ભૂલ્યો ખુદને,ભળ્યો 'તે'માં,તો સમજાય છે તે બેહોશી,હોશમાં આવ્યા પછી.
વાગી રહી છે વીણા ગજબ અંદર ને અજબ સુગંધમય આ શ્વાસ લાગે છે,
ફુલો ખીલી ઉઠયાં છે અંદર,પણ બહારથી જગતને કાંટા જ કેમ દેખાય છે?
આપી દીધો સર્વ ભાર જ્યાં 'તે'ને,તો ભારહીન આ શરીર થઇ ગયું લાગે,
માથે રાખી ભારને ફરતા સંસારને,આ અજબ ભારહીનતા ક્યાં દેખાય છે?
દિલ દીધું,પ્રેમાનંદ દીધો,દર્દ પણ દીધું ને દર્દની મસ્ત નજાકત બેહોશી દીધી,
મારા પ્રભુની કૃપા તો જુઓ,પાત્રતાથી વધુ દઈ દીધું હોય એવું જ જણાય છે.
અનિલ
નવેમ્બર,૨૭,૨૦૧૮
લઈને સુગંધ,હવે હવાને વહેવું શું? કે તે વિશે વધુ કહેવું શું?
અંતર્ધાન થઇ ગયું જ્યાં દૃશ્ય છે,તો તે વિશે વધુ કહેવું શું?
મુઠ્ઠીમાં ભરી ના શકો આકાશને તો બંધન વિશે કહેવું શું?
નથી નાદ કે નથી ગંધ,તો આકાશ-પવન વિશે વધુ કહેવું શું?
આકાશને ભરી રહ્યો પવન,તો તેના વતન વિશે વધુ કહેવું શું?
સ્થિરતા પવનની થઇ કે ના થઇ મશહૂર,તે વિશે વધુ કહેવું શું?
આનંદ છે,પરમાનંદ છે,તો ચાહ-ચિંતા વિશે વધુ હવે કહેવું શું?
થયું સર્વ જ્યાં ચિદાકાશ તો દેહ કે ભભૂતિનું હવે રહ્યું કામ શું?
અનિલ
સપ્ટેબર,૨૭,૨૦૧૮
હવા વિના જ સુગંધ વહી રહી છે હવે,
જ્યાં દેહ માટીનો કમળ થઇ ગયો.
સુક્કી નદી પૂરથી ભરાઈ ગઈ છે હવે,
ને તપ્ત થઇ પૂર્ણ મહાસાગર થઇ ગયો.
કંઇક એવો ચમત્કાર થઇ ગયો કે શું?
કે અનામ કાચનો ટુકડો હીરો બની ગયો.
પ્રાણને પીવડાવી દીધો આસવ એવો તમે,
ચુર થઇ દેહ અજબ સુગંધમય થઇ ગયો.
નિર્ધન નજર અચાનક જ અમીર થઇ ગઈ,
ને પ્રેમ તમારો કણકણમાં મશહૂર થઇ ગયો.
અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૧૮
છબછબિયાં પાણીમાં કરી,મળે એ ક્ષણિક આનંદનું હવે શું કામ છે?
કૂદકો લગાવ્યો જ્યાં અનંતનો ને પામ્યા,જ્યાં નિર્વિક્ષેપ પરમાનંદને.
મુખમાં રાખી વિષ-રૂપી ચોખાનો દાણો,ફરવાનું કીડીને શું કામ છે?
પામી ગઈ છે તે જયારે સાકરના ગાંગડાના પહાડ-રૂપી રસ-અમૃતને.
વ્યર્થ આ સંસારમાં ભટકવું શું ? ને તેમાં ભળવાનું ય શું કામ છે?
ખુદના જ ઘર બેસી,ખુદમાં ભળ્યા ને પામી ગયા જ્યાં એ અનંતને.
ખુદ હલવું કે હલાવવું ,એવી ચપળતા રાખવાનું અનિલને શું કામ છે?
ભળી ગયો,પામી ગયો જ્યાં તે સુગંધમય-અદભુત એવી સ્થિરતાને.
અનિલ
ઓગસ્ટ-૨૨-૨૦૧૮
જુદા-જુદા છે તન-રૂપી-રથ સર્વના,બેસાડી આત્માને કરી રહ્યા સર્વ યાત્રા અનંતની,
જુદા-જુદા છે પથ,અનંતના,કોઈ કરે ભક્તિ,કોઈ કરે કર્મ,તો કોઈ કરે જ્ઞાનથી મુક્તિ.
અનિલ-
માર્ચ-૧૯-૨૦૧૮
સમ થયા શ્વાસોશ્વાસ,તો અચાનક સુગંધમયતા થઇ ક્યાંથી?
બંધ-વજનહીન થઇ આંખો,તો પ્રકાશમય જ્યોતિ થઇ ક્યાંથી?
ચોંટી જઈને તાળવે, જીભ કોઈ ગજબ અમૃતપાન કરતી લાગે,
સૂર અંદરના સાંભળવા કાન પણ ઉત્સુક થયા હોય એમ લાગે.
પ્રણવના અ-ઉ-મ- અક્ષરોને,નિહાળું,સાંભળું,અનુભવું શ્વાસથી,
સુગંધમય,અમૃતમય,પ્રકાશતો,અનહત-નાદ વાગી ગયો ક્યાંથી?
અનિલ
નવેમ્બર,૨૨-૨૦૧૭
નથી રહી મંઝીલ,ખુદથી ખુદ જ બની ગઈ મંઝીલ,
"હું" ગયું તો ગયું જગત,કોણ કોને ઓળખી શકે ?
નથી રહ્યો આયનો સામે,ખુદ આયનો બની ગયો,
પ્રતિબિંબ તેનું પડ્યું,તો તે જ ખુદને ઓળખી ગયો.
બાળીને "હું"ને,લગાવી ભભૂતિ તો જોગી બની ગયો,
ના રહ્યા સંશયો,ઝલક થઇ,ને ખુદ બ્રહ્મ બની ગયો.
અનિલ શુક્લ
૨૫ ઓક્ટોબર-૨૦૧૭
નહોતું રહ્યું વહેવાનું,ને ન હાલે કે ચાલે,
સ્થિરતાનો બન્યો હતો સ્વભાવ પવનનો,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
કે સુગંધમયતા પવનની થઇ ગઈ,ક્યાંથી?
જ્યોતિ પ્રકાશની હતી લલાટે સ્થિર ,ને,
સમ બની શ્વાસ બની જતો હતો સ્થિર,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
પ્રકાશનો એ પૂંજ પથરાઈ ગયો ક્યાંથી?
દૂર થઇ હતી તરંગમયતા આકાશની જાણે,
અદ્ભૂત રીતે અનુભવાતું હતું શૂન્ય એ કાને,
થઇ કૃપા હશે શું અનંતની? વિચારું હવે,
એ,નાદ અનહતનો સંભળાઈ ગયો ક્યાંથી?
અનિલ
ખુદ તો છે 'એ' આકાશ-સમ,પણ આકાશનેય બનાવી દીધું તેણે,
ને અમૂર્ત આકાશમાં સ્પર્શ,ઘર્ષણ,અથડામણની ક્રિયા કરી ગયો.
સર્જન મૂર્ત બ્રહ્માંડનું કેમે થઇ ગયું,આશ્લેષમાં લીધી હવા-શક્તિને,
પોતે કારણ નથી,પણ સૂરજને તેજ-શક્તિ દઈ,કારણ બની ગયો.
બનાવી દીધી પૃથ્વી,ને જળ પૂરી,દીધી ઠંડક,દાહ્ય એ પૃથ્વીને,
ને કશ્યપ અવતાર બની,જળમાં ડૂબેલી પૃથ્વીને ઉંચી કરી ગયો.
અનિલ
ઓગસ્ટ-૧૭-૨૦૧૭
વખ બન્યાં છે કામ સંસારનાં,વૈરાગી બની ગયું છે મન,
લય લાગી અનંતની,કૃષ્ણ આકાશ તો હું બન્યો પવન.
મસ્તી અનંતની,કદી સ્થિર,તો કદી પ્રારબ્ધથી અસ્થિર,
રૂપ અનિલનું ધરી વહુ છું,અનિલ સંગ,બનીને હું ધીર.
"હું" નથી રહ્યો "હું" તો શું કહી શકું? મારા વિષે હું?
અનુભવી લો,બાકી હાથમાં આવી શકીશ નહિ હું.
અનિલ
૨૩,જુલાઈ-૨૦૧૭
ભીની મોસમ છે,વરસું વરસું,કરતો,તે વરસતો નથી,
મન મૂકી વરસી જા,ઓ,મેઘ,પછી હેતનું હાલરડું ગાઉં.
ચડવું છે ભીંતની ટોચ પર તો અટકી જવું કેમ પાલવે?
ભલે પડે,ફરી ચડ,ઓ કીડી,પછી તારા ફતેહના ગુણ ગાઉં.
આમ કરીશ,તેમ કરીશ,કે પછી સમય આવ્યે કરીશ,કહી એમ,
છટકી જાતો માનવ,તો ચાલી ગયેલ ક્ષણોને ક્યાંથી પાછી લાઉં?
અનિલ શુક્લ
માર્ચ-૨૬-૨૦૧૭
મોંઘી પડી ગઈ,ચાલી ગયેલી એ તક,જે વિના-મુલ્યે મળી હતી,
ના દેખી કે વિચારી,મળેલી,અમુલ્ય એ તક ને,તો વાંક કોનો છે?
સામે ચાલી આંગણે આવી,બારણે પગલાં દઈ જતો રહ્યો છે "એ",
ના રાખી દરકાર,આરામથી સૂતા રહ્યા,તો એમાં વાંક કોનો છે?
નો'તી કરી તૈયાર ધરતીને,કે નહોતા તૈયાર કર્યા હતા બીજોને,
મૂશળધાર વરસી :એ" ચાલ્યો ગયો,તો એમાં વાંક કોનો છે?
ગંદકી જગતની,ના લાગે ગંદી,ને મોહથી મજા માણી રહ્યા,
સુંગધી હવા,આવીને ચાલી ગઈ,તો એમાં વાંક કોનો છે?
અનિલ શુક્લ
માર્ચ-૨૧-૨૦૧૭
માઈ માઈ,કર્યા કર્યું,ને મીંચી આંખ,અહીં તહીં ઘૂમ્યા કર્યું,
ખબરે ય રહી નહિ,માઇનું નામ ક્યારે રાધા-માઈ થઇ ગયું.
નાદ રાધાનો,ને રાસ પણ રાધાનો,બંધ આંખે જોયા કર્યો,
ત્યારે આવી ગયો પવન તાલમાં,નાદ અનહત થઇ ગયો.
અમી દૃષ્ટિ,રાધા માઈની,કે કાન્હા સંગ રાસ રચાઈ ગયો,
મસ્તી આવી,આવી ક્યાંથી? મસ્ત પવન,મસ્ત થઇ ગયો.
અનિલ શુક્લ
માર્ચ-20-2017
વ્યાપી રહ્યો સર્વ સ્થાને,તો એ પવનને કરવો પ્રવાસ શું?
ક્યાં પહોંચવું રહ્યું તેને? કે કરવો રહ્યો પાંગળો પ્રયાસ શું?
ક્યાંથી આવે ને ક્યાં જાય છે,તેનો વિચાર માત્ર શું કરવો?
છોડાવી સ્થિરતા,કદી,આંખનો પલકારો કરી જાતો એ શું?
ઘડી અંદર તો ઘડી બહાર,આવ જ કરે છે,એ શ્વાસ બની,
તો ઘડી નાદ અનહતનો બની,રાસ-રચૈયો તો નથી એ શું?
અટકી ગયો જો પૂર્ણતાથી,તો મરણ કહેશે એને જગત,
થનગનાટ કે નાદને છોડી,બને સ્થિર તો ધ્યાન નથી શું?
અનિલ શુક્લ
માર્ચ-૧૯-૨૦૧૭
છે પવન તો સુગંધ છે,ને પવન આકાશ મહીં સમાણો,
લથડ્યો પવન જો શ્વાસનો,પૂછશે નહિ કેટલું કમાણો?
પાંગળો પ્રવાસ છે,જીવન-જીવને સમજાતું નથી કેમ?
સરહદ છે મૌનની,પણ કરી વ્યાપાર વાણીનો,ફસાણો.
કહો ભલે,કે ફૂલ છે તો સુગંધ છે,કાં કરો વાત પવનની?
ડૂબ્યાં ફૂલ જો,ભળી સુગંધ પવનમાં,પવન સુગંધ કમાણો.
અનિલ શુક્લ,
જરા સુગંધ જ લઇ ગયો,પવન,તો અકળાઈ કેમ જાઓ? તમે ફૂલો?
અસ્તિત્વ તમારું તો એનાથી જ છે,તેનાથી જ તો તમે ફૂલો ફાલો !
ના થશે ઓછું વજન,તમારું,જો સુગંધ ને લઇ ગયો પવન, ઓ ફૂલો,
પણ જુઓ ,અસ્તિત્વ તમારું એ સર્વ જગતમાં જાહેર કરી રહ્યો ફૂલો.
આસાન નથી મળવી આવી વફાદારી,જગતમાં વિચાર કરો,ફૂલો,
બાકી,તો ત્યજી દો છો,તમારા સ્થાન ને જ્યાં તમે ફાલ્યાં હતાં ફૂલો.
મૌન બની ફરી રહ્યો,સંગાથમાં રહી સર્વની,સુગંધ પ્રસરાવી તે રહ્યો,
પ્રાણ બનીને પવન,જગતના જીવનને,મહેકાવી, પ્રસારી રહ્યો,ફૂલો.
અનિલ શુક્લ
૨૨.નવેમ્બર,૨૦૧૬
નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
કે પામી અસ્થિરતાને,તે શું પવન નામે થયો હતો?
પણ,શું બન્યું,આજ,કે સ્થિરતા થઇ ગઈ પ્રચંડ,પવનને.
બની ફરી વાયુ,ચૂપચાપ આકાશમાં સમાઈ ગયો લાગે.
થઇ હતી ઘોષણા અનંતની,કે બની રહી કૃપા અનંતની?
પવન,નથી રહ્યો પવન હવે,અનંતમાં સમાઈ ગયો લાગે.
અનિલ શુક્લ
નવેમ્બર-૧૮,૨૦૧૬
અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.
શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?
નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !
અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬
નથી પડતી ખબર એની,કે યાદ હું કરું છું કે તમે?
સંદેશ કોઈ ગજબથી અહીં તહીં કેમ અથડાય છે?
બાદબાકી કેમ થતી નથી હોતી-એ ગજબ યાદની,
જયારે જૂઓ,તેનો તો સરવાળો જ થતો દેખાય છે.
વિસારું હું નહિ પ્રભુ,તમને,તમે પણ ના વિસારશો,
શ્વાસની સુગંધ બન્યો પવન,સતત તમારો સાથ છે.
અનિલ
૧૪ ઓક્ટોબર-૨૦૧૫
અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા ને રંગ પણ જામ્યા 'તા અનેક.
હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.
ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.
પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.
શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?
અનિલ
૨૩ જુલાઈ,૨૦૧૬
ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી તે કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.
પણ,ચુપકીથી પાસે આવી 'એ' કાનમાં કંઈ કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું હતું.
હવે ઝાલીને હાથ 'તે' લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે 'એ'ને કહેલું,અહીં,અક્ષરોથી શણગારી લખું.
અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬
ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,
ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.
સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.
દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને તે હૃદયને ગદગદિત કરી જાતો.
અનિલ
૧૫ જુલાઈ,૨૦૧૬
હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
હળવા એ તરંગ નો ઉમંગ,અવર્ણનીય જ હતો.
સમયના તે-આપું તો આપી શકું શું ખુલાસો?
ખુશ્બુ લઇ 'તે'ની,અનિલ મંદમંદ મલકતો હતો.
કોણ ખૂંપી ગયું,આવીને દૃષ્ટિની મધ્યમાં?
થંભી ગયો અનિલ,આદતથી જે,વહેતો હતો.
નથી ચિંતા,ના કોઇ દહેશત,ભય કે સંશય.
ખુદ ગયો વિસરાઈ,"હું" ને ભરી જે ફરતો હતો.
અનિલ શુક્લ
એપ્રિલ-૧૮-૨૦૧૬
દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
પ્રભુજી,આપને જયારે અમે હતા છોડ્યા
આમ તો ચીતર્યા કર્યું હતું એ ભીંત પર ધોળી,
ધોળીને જ ચોખ્ખી કરું હું એ ભીંત ને ધોળી
અવનવી દુર્ગંધ થી દુષિત કર્યો પવનને દુનિયાએ,
મહેકતો કરી એને,આપે દુઃખોના ડુંગરો છે તોડ્યા.
અનિલ શુક્લ
એપ્રિલ 2016
ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?
ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?
મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?
વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?
લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?
કાગળ પર નહિ,પણ લખો છો રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?
નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં અનિલનો દોષ શું ?
અનિલ શુક્લ
માર્ચ-૨૦૧૬
આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
ભીનાં ભીનાં ચરણ ની છાપ છોડીને સંતાયા ક્યાં તમે?
ખટખટાવીને કમાડ,ચાલી ગયો,લાગે છે,એ તોફાની પવન,
ગમે સંગ તેનો તમને તો,સંગ તેની શું ચાલ્યા ગયા તમે?
સુકાઈ રહ્યાં,ધીરે ધીરે ભીના ચરણોનો નિશાનો પવનથી,
ફૂટે છે કૂંપળો વ્હાલની કેટલી? આવીને તપાસી જજો તમે.
મુલાકાત,થવી અઘરી તમારી,રાહ જોવી એ તકદીર અમારી,
ફોરમ બની આવો અનિલ સંગ તો દિલમાં સમાઈ જશો તમે?
પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.
જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.
અનિલ શુક્લ
માર્ચ-2016
બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
મળું કદીક એને તો કદી-એ મને મળી જાય છે.
બની,ફૂંક,બાંસુરીની,એ લાલ ની,વહેતો રહે પવન,
સુગંધિત બની,તે,અહીં-તહીં,પણ વહેતો જાય છે.
નિત્ય નવા ચમકારા છે,વીજળીના હવે,કહું વધુ શું?
ઘડી-ઘડી આવે ને એ લાલ ઘડીકમાં ચાલ્યો જાય છે.
લગાવેલી ભભૂતિ,ફળી હોય,એવું અનુભવાતું લાગે,
પરમાનંદની મસ્તીમાં જ બધો સમય વહ્યો જાય છે.
અનિલ શુક્લ
માર્ચ-2016
ખોળ્યો હતો તને,કદીક આયનામાં કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?
બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?
વચ્ચે ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું
ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંક્યો છે અનિલ,સંગ થી તારા,તો સર્વ જગ થઇ ગયું ખારું !
અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016
કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.
લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.
પ્રવાસ તો હતો નહિ બહુ લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.
છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.
અનિલ શુક્લ
જુલાઈ-૨૦૧૫
નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.
રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.
વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.
દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.
અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫
અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?
અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ છે,પણ તે સત્યને ખોળવાની દરકાર કરે છે કોણ?
ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?
જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો
અનિલ
30 એપ્રિલ,2015
ના સમજાય હરિ,કે વળગી હતી માયા તને કે પછી વળગ્યો તું માયાને?
કે એકલો ગયો હતો અકળાઈ? બનાવી દીધી ન સમજાય તેવી કાયાને
ક્યાંથી લગાવું હું ભભૂતિ,તું તો પુરાઈ ગયો લગાવી ભભૂત એ કાયામાં,
મૂંઝાય છે તું?તે તો ખબર નથી,મૂંઝાઇ ગયા છે બધા તારી એ માયામાં
પતિ છે તું તો માયાનો,વશ હશે તને એ,અમારે વશ તો કેમે થાય માયા?
અખંડ એવા તેં બનાવ્યા ખંડો-બ્રહ્માંડો,ખોળું તને અદ્ભુત એવી કાયામાં
કહે છે,સમાયો છે, તું ઘટઘટ માં,ખોળું તને,ઘડી ત્યાં તો કદી આ કાયામાં,
દયા,હોય થોડી તો,લગાવી દે ને ભભૂત થોડી,ના જાઉં લપટાઈ હું માયામાં
અનિલ
માર્ચ-30-2015
વાયરો દખણ નો એવો તો વાઈ ગયો,
કે સ્થિર આકાશમાં અનહત જગાવી ગયો,
ઝૂમ્યું ચમન ને ઝૂમી ઉઠ્યા છે એ ફૂલો,
ચો તરફ,અનંત ની ફોરમ પ્રસરાવી ગયો.
હશે કૃપા "એ"ની કે તોફાન છે એ પવનનું?
જે હોય તે ભલે,મસ્ત ને મસ્તી કરાવી ગયો.
કહે કોને અનિલ,મસ્તી ની દશા નો પ્રસંગ?
આમતેમ શબ્દો ભેગા કરી,કૈંક લખાવી ગયો.
અનિલ
એપ્રિલ 16-2015
લાગ્યું હતું,કે શાલ ભભૂતિની ઓઢીને,શાંત બન્યો હતો પવન,પણ,
ખંખેરાઈ,રાખ,ને નાદ અનંતનો જગાવી ગયો,બની વસંતી વાયરો
અચાનક,શાંત આકાશમાં,ક્યાંથી સંભળાય છે,પંખીઓનો કલશોર?
લાગે,કે,કોઈ સૂરમય સંગીત ને નિપજાવી ગયો,એ વસંતી વાયરો
લહેરાઈ ને,મંદ મંદ વહેતો અનિલ બની ગયો છે "માઈ" નો વાયરો,
ફૂટું ફૂટું થતી એ કળીને સ્પર્શ અજબનો કરાવી ગયો વસંતી વાયરો
અનિલ
માર્ચ 19-2015
કહેવાનું બધું શું કહેવાઈ નથી ગયું? તો હવે શું કહેવું?
ખુદે જ ઉપજાવેલા દુઃખને સહેવું તો કેમ કરીને સહેવું?
પુરાણો છે એ હરિ મંદિરોમાં ને ઓળખાય છે એ ટીલાંથી,
જાણે નહિ માનવ, ક્યાં છે હરિ તે-તો તેને શું કહેવું?
પૂજાય હરિ,પૂજાય ગુરુઓ,વિલાસિતા શું ધન ની નથી?
ઝાંપે મંદિરના હરિનો જ માનવી ભૂખે મરે,તે કોને કહેવું?
જોઈ મંદિરો લાગે છે પવન વધી ગયો છે ભક્તિનો,
સૂરાવલી દયાની જો છેડી ના શકે તો એને શું કહેવું?
અનિલ
માર્ચ-18-2015
નહોતું હાલતું કે નહોતું ચાલતું,એ આકાશ,તો પછી,
અચાનક જ આકાશમાં વીંઝણો કોણ નાખી ગયું?
શું ભરાયેલો એ વાયુ આકાશમાં બની ગયો પવન?
સ્તબ્ધ આ આકાશમાં સુરાવલી કોણ છેડી ગયું?
સમજીને ખુદ ને તાકતવર,ફુલાઈ,ફરે,ભલે અનિલ,
પણ,તાકાત -માત્ર "બ્રહ્મ"ની,આજ એ સમજાઈ ગયું
અનિલ
માર્ચ-17-2015
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખનો લાગી ગયો.
છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.
સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!
પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો
અનિલ
માર્ચ-12-2015
મલાજો શબ નો રાખી,રડે છે રાગ તાણી ને,આ દુનિયા,
એકના છૂટી ગયા તો,ભર્યા છે શ્વાસ,રડવાને,એ દુનિયાએ.
હતો શ્વાસ નો જ એ સંબંધ,જો,પાછી વળી ગઈ છે -એ દુનિયા,
પરોવાઈ દુનિયાઈ વ્યવહારોમાં,ભૂલી ગઈ છે એ શ્વાસ પોતાના
સમજાઈ તો ત્યારેજ ગઈ હતી,દુનિયા,લથડતા હતા,જયારે શ્વાસો,
છોડી દીધા 'તા,સાથ,અને પાંગળા બની ગયા હતા જ્યાં પ્રવાસો
આરામ છે,આનંદ છે,હવે,જ્યાં,રહ્યો નથી "હું" જ અહી દુનિયામાં,
મટકું જ હતું માર્યું,તો સમજાઈ ગયા,સંબંધો સ્વાર્થના દુનિયાના
અનિલ
માર્ચ-3-2015
હવા છું,સંગ છું,ભૂલી ગયા કે શું? સુગંધ હવાની ,ભૂલી ગયા કે શું?
ફોરમ ના મળે તો ભલે તેમ,પણ વાંસળી ની ફૂંક ને ભૂલી ગયા શું?
હરદમ સાથ છે-તે પવન ,ભલે સ્થિર બને કે વહી જાય એ પાસથી,
ક્યાંથી કે કોનાથી એ છુપાઈ શકે? છૂપાવ્યો તમે એને અપને આપથી.
અનિલ
ફેબ્રુઆરી-2015
ચૂપચાપ આવી કાનમાં,મધુરી તાનને મીઠાશથી છેડી ગયું છે કોણ?
ઉઠ્યા તાર ઝણઝણી દિલના,ને સૂરાવલી સંગીત ની વહેતી લાગે !!
વ્હાણું તો હજી થયું નથી,ને વાંસળી ની ધૂન રેલાવી ગયું છે કોણ ?
નથી ફૂંક,નથી પવન, તો ક્યાંથી સૂરાવલી સંગીત ની વહેતી લાગે ?
આંખ તો હજી ખોલી નથી ને,આવીને ભભૂતિ લગાવી ગયું છે કોણ?
લેપાઈ ગયેલો એ પવન,આશ્ચર્યમાં કે સ્તબ્ધ બની ગયો લાગે !!
રહી નથી શિકાયત કોઈ,તકરાર પણ કેવી? આવી જ ગયા તો જશો નહિ,
ના છોડજો,રહી જાજો,જૂઓ,ને,આ અનિલ ઝૂમતો ને મગન થયેલો લાગે!!
અનિલ શુક્લ
18 નવેમ્બર 2014