Mar 21, 2013

ગામઠી ગીતા (સારાંશ રૂપે)



ધરુતડો કે સ ...... (ધરુતડો=ધ્રુતરાષ્ટ્ર)
ધરમ સેતરમાં ને કુરુ સેતરમાં, (ધરમ સેતર=ધર્મક્ષેત્ર- કુરુ સેતર=કુરુક્ષેત્ર)
મારાં છૈયાં-અન -મારા ભઈનાં સોકરાં,હટ લઈ ન બાઝી મર.
તે-સંજયડા(સંજય) એ ભેળાં થી ને હું કરે? સંજયડા ..એ ભેળાં થી ને હું કરે ?

અરજણીયો કે સે..... (અરજણીયો =અર્જુન)
નાનાંએ મારવાં ન મોટાં એ મારવાં,મારવાનો નાં મર આરો,
કરહણીયા મારવાનો નાં મર આરો,  (કરહણીયા=કૃષ્ણ)
એવું તો રાજ કે’દી ના રે કરું,ભઈ.ચીયો તે ગીગો રહી જયો કુંવારો ?
કરહણીયા...હું તો હવ નઈ લડવાનો. હું તો હવ નઈ લડવાનો

કરહણીયો  કે સ ક....
અજરામર સ અલ્યા,મનખાં નો આતમીયો, તે માર્યો નાં કો થી મરાય,
અરજણીયા, તે માર્યો નાં કો થી મરાય,
એવું હમજી ને અલ્યા,દીધે તું રાછ્ય ને, તારા તે બાપ નું હું જાય ?

મલક બધો તારી કરશે ઠેકડી,ઈમ કહી કહી ને ત-ન થાચ્યો,
અરજણીયા, હું તો ઈમ કહી કહી ને ટ-ન થાચ્યો,
ખતરી ના કુર માં ચ્યોંથી તું આવો ઉંધા તે પાંનિયાનો પાચ્યો ?

અરજણીયા, મેલ ન મુરખવેડા, અલ્યા,
જુધ માં જીત્યો તો રાજ કરેશ ને મરેશ તો જાશ ઓલા હરગે,
અરજણીયા, મરેશ તો જાશ ઓલા હરગે,

મોટા મોટા મ્હાત્મ્યા ને –મોટા પુરુષ, જીને વાસના માં મેલ્યો સ પૂળો,
અરજણીયા, જીને વાસના માં મેલ્યો સ પૂળો,
અલ્યા,એવા ય જગ હાટુ કરમ ઢઈડે,પસ તું તો કઈ વાડી નો મૂળો ?

કરમ ની વાત બધી આપડા હાથ માં ,ન,ફળ ની નહિ એક કણી,
અરજણીયા, ફળ ની નહિ એક કણી
ઈમ જો ના હોય તો બધાય થઇ બેહે ઓલા દલ્લી તે શેર ના ધણી.

માટ,ઉંધુ ઘાલી ને ઢહૈડ્યે જા કરમ-અ - ન ફળ ની તે કર્ય માં ફકર,
અરજણીયા, ફળ ની તે કર્ય માં ફકર.
ફળ નો દેનારો ઓલ્યો બેઠો પરભુડિયો,તે નથ તારા બાપ નો નોકર.

અરજણીયા, મેલ ન મુરખવેડા, અલ્યા, અરજણીયા, મેલ ન મુરખવેડા,

અરજણીયો કે સે-
ભરમ ભાજ્યો,ને મારો સાંસ્યો ટર્યો,ન, ગન્યાંન લાધ્યું મ-ન હાચું,
કરહણીયા, ગન્યાંન લાધ્યું મ-ન હાચું,
તું મદારી,ન, હું તારો માંકડો,તું નચાવ,તમ હું નાચું.
કરહણીયા, હવ તો હું લડવાનો- કરહણીયા, હવ તો હું લડવાનો-

હંજયડો કે સે-
જોગી કરહણીયો ન ભડ અરજણીયો-ઈ બે જ્યાં થાય ભેળા,
ધરુતડા, ઈ બે જ્યાં થાય ભેળા,
મારું તે દલડું ઈમ શાખ પુર ક-ત્યાં તો થાય ભાઈ –ઝી-ચેળાં
અનિલ શુક્લ –માર્ચ-૨૦૧૩ –સસ્તું સાહિત્ય ની જ્ઞાનેશ્વરી ગીતા ની ૧૯૩૪ ની આવૃત્તિમાં થી....