Oct 15, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-2-Adhyaya-2

આકાશમાં આવેલ છૂટાં છૂટાં વાદળો જયારે ભેગાં થાય છે
ત્યારે તેનામાં “શક્તિ” આવે છે.અને વરસાદ બને છે.
કોઈ એકલા-અટુલા  વાદળમાં વરસાદ બનાવવાની શક્તિ નથી.
પણ જો આ ભેગાં થયેલ વાદળ ફરીથી જો વધારે શક્તિશાળી પવનથી વિખરાઈ જાય 
તો વાદળની શક્તિ ઓછી થઇ જાય છે.વરસાદ બનાવી શકતાં નથી.

આજે આવું જ કંઈક અર્જુન જોડે બન્યું છે.
અર્જુન મહા-શક્તિશાળી છે.અત્યંત ધૈર્ય વાળો છે.અનેક વિજયો કર્યા છે.અનેકને માર્યા પણ છે.
પણ આજે યુદ્ધમાં જયારે સામે પોતાના જ સગાં-સંબધી,ગુરુજન ઉભા છે,ત્યારે તેની
અત્યંત ધીરજવાળી-વિવેકવાળી બુદ્ધિ મમતા-“મોહ” થી ભ્રમિત થઇ છે.
અત્યત શક્તિશાળી મમતા-મોહના “પવન” થી બુદ્ધિનાં “વાદળ” વિખરાઈ ગયાં છે.

“બુદ્ધિ” ઉપર “મન” નો (વિચારોનો) કબજો થઇ ગયો છે. બુદ્ધિની શક્તિ ઓછી થઇ ગઈ છે.
વિવેકથી વિચાર કરવાનું ભૂલી -બુદ્ધિ માત્ર કોઈ એક ખોટા એકતરફી રસ્તે જ ચાલવા માંડી છે.
અને હવે તે (બુદ્ધિ) માત્ર સ્વજનો વિષે જ (મોહ વિષે જ) વિચારે છે-અને
તે પોતાનો ક્ષત્રિય ધર્મને ભૂલી ગઈ છે.
બુદ્ધિ માં “દયા” નું આગમન થયું છે અને તેને નિર્ણય લઇ લીધો છે-કે-“હું યુદ્ધ કરીશ નહિ.”

સફેદ રંગથી ભરપૂર હંસ ખુબ જ સુંદર દેખાય છે.પણ જો આ જ હંસ કાદવ માં પડે તો તે ગંદો થઇ જાય 
અને તેની સુંદરતા –જ્યાં સુધી કાદવ તેના શરીર પર છે –ત્યાં સુધી જતી રહે છે. તે જુદો દેખાય છે.
આવી જ રીતે અત્યંત શક્તિશાળી-બુદ્ધિશાળી અર્જુન કે જે મૂળભૂત રીતે એક સફેદ હંસ જેવો છે.
પણ અત્યારે “મોહ” (મમતા-દયા) નો કાદવ લાગ્યો છે. તે જુદો જ દેખાય છે. દુઃખી દુઃખી દેખાય છે.

બીજી રીતે કહીએ તો-
અત્યંત સુખી અર્જુન આજે - માત્ર એક “મોહ” ના કારણે દુઃખી બન્યો છે-આંખમાં આંસુ છે.
આવા દુઃખી અને રડતા અર્જુનને જોઈ શ્રીકૃષ્ણ કહે છે-(૧)

શ્રીકૃષ્ણ અહીં ગીતામાં પહેલી વાર બોલે છે.
એટલે આમ જોઈએ તો ગીતાના જ્ઞાનની શરૂઆત આ બીજા અધ્યાયથી જ થાય છે.

ગીતાના આ બીજા અધ્યાયના અગિયારમા શ્લોક-ને ગીતાનું “બીજ” પણ કહે છે.
“જેનો શોક કરવો (વિચાર કરવો ) યોગ્ય નથી તેનો તું શોક કરે છે (વિચાર કરે છે)
અને વાતો પંડિતો (બુદ્ધિમાન) જેવી કરે છે “

શ્રીકૃષ્ણ એક મહાન મનોવૈજ્ઞાનિક (Psychologist)  છે.
કોઈ મનુષ્યની બુદ્ધિ –જયારે જે વિચારવું જોઈએ તે ન વિચારે (બુદ્ધિનો “વિવેક” છોડી દે)
ત્યારે મન (વિચારો) બુદ્ધિને કબ્જે કરે છે-અને જે નથી વિચારવાનું તે વિચારીને-
પછી કોઈ જડ જેવો નિર્ણય લઇ-પોતાની જાતે જ દુઃખી થઇ જાય.

તો સામાન્ય ભાષામાં એમ પણ કહી શકાય-કે તે માનસિક રીતે ઢીલો પડ્યો છે.
અને આવા કોઈ માનસિક રીતે ઢીલા પડેલા મનુષ્યને કોઈ બુદ્ધિશાળી મનોવૈજ્ઞાનિક (Psychologist) 
સમજાવે –તે જ રીતે શ્રીકૃષ્ણ અર્જુન ને સમજાવવાનું ચાલુ કરે છે.
સમજાવટ વખાણથી ચાલુ થાય છે.
અને ધીરે ધીરે અર્જુનને (અને આપણને પણ) આખું ગીતાનું જ્ઞાન સમજાવી દે છે.

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE