અધ્યાય-૭૧-પાંચમો દિવસ-સંકુલ યુદ્ધ (ચાલુ)
॥ संजय उवाच ॥ द्रष्ट्वा भीष्मेण संसक्तान्भ्रात्रुनन्यश्च पार्थिवान I समभ्यधावदांगेययुद्यतास्त्रो धनंजयः ॥१॥
સંજયે કહ્યું-ભીષ્મ પિતામહ સામે ધસી ગયેલા પોતાના ભાઈઓને તથા અન્ય રાજાઓને જોઈને અર્જુન પણ ભીષ્મ સામે ધસ્યો.ગાંડીવના ટંકાર ને શંખના નાદને સાંભળીને કૌરવ યોદ્ધાઓમાં ભય ઉતપન્ન થયો.જેમ,પ્રચંડ વાયુવાળો મેઘ વીજળીના ચમકારા અને ગર્જનાઓની સાથે ચારે બાજુ વરસી પડે,તેમ તે અર્જુન પણ બાણોનો વરસાદ વરસાવી સર્વ દિશાઓને છાઈ દેવા લાગ્યો.થાકી ગયેલાં વાહનોવાળા,હણાયેલા ઘોડાઓવાળા,અને ભયભીત થઈને બેભાન થયેલા તમારા યોદ્ધાઓ બધા સાથે મળીને ભીષ્મ પાસે જ ભરાઈ ગયા,કારણકે આ સંગ્રામમાં તેઓને ભીષ્મનું જ શરણ હતું.