વસિષ્ઠ કહે છે કે-ચિદાકાશ પોતે જ પ્રથમ,પોતાની ચિદસત્તાના બળ(શક્તિ)થી (કલ્પનાથી કે સંકલ્પથી)
જાણે પોતાનામાં 'અહંકાર'નો અધ્યાસ કલ્પી લેતું હોય તેવું બને છે.તે જ 'હિરણ્યગર્ભ' (બ્રહ્મા) છે,
કે જેની અંદર સર્વ જગત રહેલું છે.આ પ્રમાણે વિચાર કરવાથી વસ્તુતઃ બ્રહ્મા પણ નથી,જગત પણ ઉત્પન્ન થયું
નથી અને આ જગત વિદ્યમાન પણ નથી-પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત (નિર્વિકાર) પરબ્રહ્મ (ચિદાકાશ)
જ પૂર્વની જેમ યથાસ્થિતપણે રહેલ છે.જો કે અનુભવમાં તો જગત દેખાય છે,પણ તે અવાસ્તવ છે,
માટે છેક પ્રથમથી જ આ સર્વ-શૂન્ય એવી નવી ભ્રાંતિનો ઉદય થયો છે.પણ વસ્તુતઃ તો આ ભ્રાંતિ ક્યાંથી
અને કેવી રીતે હોઈ શકે? સર્વ જો નિરાકાર બ્રહ્મ-રૂપ જ છે તેઓ તમાં એકત્વ કે દ્વિત્વ કેવું હોય?
આમ,પોતાના પ્રકાશક સ્વભાવને લીધે તે બ્રહ્મ,(કલ્પના કે સંકલ્પથી) 'સમષ્ટિ અહંકાર'ના રૂપને પ્રાપ્ત થાય છે.
જેમ વિસ્તારવાળું આકાશ પોતાની અંદર રહેલા શૂન્ય-પણાને ફેલાવી દે છે તેમ,તે દૃશ્યને પ્રસારી દે છે.
જેમ પવન ચપળતાને ધારણ કરે છે કે અગ્નિ ઉષ્ણતાને ધારણ કરે છે,તેમ તે બ્રહ્મ પોતાના સ્વરૂપથી જ,
કેમ જાણે પદાર્થ-રૂપ (જગત રૂપ કે સૃષ્ટિ-રૂપ) થઇ રહેલું ભાસે છે.
રામ કહે છે કે-હે મહારાજ,નિરાવરણ,અનાદિ તથા અનંત એવું જે બ્રહ્મ સદાકાળ રહેનારું છે,તે જ અહંકાર આદિ-રૂપે
ઉદય પામેલું છે તો તે હમણાં સૃષ્ટિકાળમાં જ અહંકાર આદિ-રૂપે કેમ ઉદય પામતું દેખાય છે?
ઉદય પામેલું છે તો તે હમણાં સૃષ્ટિકાળમાં જ અહંકાર આદિ-રૂપે કેમ ઉદય પામતું દેખાય છે?
વસિષ્ઠ કહે છે કે-હા,બરાબર તેમ જ છે,સદૈવ તે બ્રહ્મ સમષ્ટિ-અહંકાર આદિ-રૂપે પણ થઇ રહે છે.
અનાદિ અને જન્મ-આદિ વિકારથી રહિત એ પરબ્રહ્મને પોતાના સ્વરૂપ-ચૈતન્ય વડે બીજા કશાની
અપેક્ષા રહેતી નથી.બ્રહ્મ જ સર્વત્ર સર્વદા સૃષ્ટિ અને પ્રલય-એ બંને રૂપ છે,ને તે જ ચિદાકાશ-રૂપ છે.
અવિદ્યા-દૃષ્ટિથી જોતાં-તો કોઈ દિવસ આ દૃશ્યનું વાસ્તવિક સ્વરૂપ સિદ્ધ થતું નથી,
પણ જો વિદ્યા(જ્ઞાન) દૃષ્ટિથી જોવામાં આવે તો,આ દૃશ્ય કોઈ કાળે છે જ નહિ.
જો મિશ્ર-દૃષ્ટિથી જોવામાં આવે તો જેમ પવનમાં ચલન-શક્તિ રહેલી છે ને આકાશમાં જેમ શૂન્યતા રહેલી છે,
તેમ બ્રહ્મ-હું-તમે અને સર્વ એક (અનન્ય સ્વરૂપવાળા) જ છીએ.
સર્વદા બ્રહ્મની આવી દૃશ્ય-આદિ-રૂપ સત્તા છે જ.જગતના અનાદિ પ્રવાહને લીધે,તે બ્રહ્મની સત્તાથી જુદા
પ્રકારની કોઈ સત્તા નથી,તેથી આ જગત અનાદિ-અનંત-નિર્વિકાર એવા બ્રહ્મ-રૂપ જ છે.