Oct 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1280

વસિષ્ઠ કહે છે કે-જો તમે (તેમને જુઓ છો) એવી ધારણાના અભ્યાસ વડે જોશો તો,દરેક સમયે,તમે દરેકને જોશો,
પણ (તેમને જોતા નથી) એવી ધારણાના અભ્યાસ વડે તેમને નહિ જુઓ તો તે તમારા જોવામાં આવશે નહિ.
સર્વ લોકો એ સર્વત્ર ગતિ કરનારા સિદ્ધોના જ સત્ય-સંકલ્પના બળથી ખડા થાય છે અને તે સર્વત્ર છે.
એટલે આ સર્વ દેખવામાં ધારણાનો અભ્યાસ જ મુખ્ય છે અને તે તમે કર્યો નથી,પણ જો તમે પોતે પણ
યોગ-ધારણાના અભ્યાસથી ધ્યાનને અતિ-સ્થિર કરશો અને પોતાના સંકલ્પથી ખડા થઇ જતાં 'લોકો'ને
સ્થિર કરવા ધારશો તો તેઓ તમારી ઈચ્છા અનુસાર જ વિસ્તાર અને સંપત્તિને ધારણ કરશે.

એવી જ રીતે બીજો પણ કોઈ યોગ્ય અધિકારી,અતિ-દૃઢ સંકલ્પ વડે જ યુક્ત હોય,તો સિદ્ધની જેમ જ
પોતાના લોકને સ્થિર દેખે છે.એ બંનેમાં માત્ર તફાવત એટલો જ હોય છે કે-સિદ્ધ પુરુષોએ પોતાના 'સિદ્ધ-લોકો'ને
ખડા કરી દેનારી ધર્મ-સંપત્તિ વડે પોતાના 'સિદ્ધ-લોકો'ને સ્થિર કરી દીધા હોય છે,તેથી તેમને તે અનાયાસે સિદ્ધ છે.
પણ જે બીજા પુરુષો,અનિત્ય એવા હમણાંના ધારણાના અભ્યાસથી ધ્યાનની વિશ્રાંતિનો પ્રયત્ન કરે છે,
તેમના એ ધ્યાન-બળથી ખડા થતા 'લોકો' ઘણા શ્રમ (દુઃખ) થી સ્થિર કરી શકાય છે.

દૃઢ સંકલ્પ વડે જેનો જેવો નિશ્ચય કરવામાં આવે છે તે તેવું જ ભાસે છે,બીજા કોઈ પ્રકારે નહિ.
અને સંકલ્પના અભાવે જો કોઈ પ્રકારનો નિશ્ચય કરવામાં આવ્યો જ ન હોય તો તેનું કશું ભાન થતું નથી.
વળી તેમાં 'આ કશું છે કે નહિ?' એવો તર્ક પણ ઉઠવો સંભવતો નથી.
'કાર્ય-કારણ ભાવને લીધે-કારણ-રૂપ બ્રહ્મની સત્તાથી કાર્ય-રૂપ જગતની સત્તા છે' એમ માનવામાં આવતું હોય,
તો તે અસંગત છે કેમ કે ચિદાકાશમાંથી બીજું શું અને કેવા પ્રકારનું ઉત્પન્ન થાય?

જે કંઈ આ ઉત્પન્ન થયા જેવું ભાસે છે તે ચિદાકાશની અંદર ચિદાકાશ પોતે જ રહેલું છે.
એ નિર્વિકાર તત્વની અંદર વળી દ્વિત્વ-એકત્વ-આદિની કલ્પના કેવી રીતે હોઈ શકે?
મહા-બુદ્ધિમાન વિવેકી જીવનમુક્ત પુરુષો,ભાષણ (ઉપદેશ) આદિ કરવા છતાં,
પોતાની દૃષ્ટિમાં,કાષ્ઠની જેમ મૌનનો આશ્રય કરી,કાષ્ઠનાં પૂતળાંની જેમ અહીં વ્યવહાર કરતા રહે છે.
જેમ પવનની અંદર નિરાકાર એવી ચપળતા,કોઈ અનન્ય સત્તાથી રહી છે,તેમ બ્રહ્મની અંદર આ સૃષ્ટિઓ,
નિરવયવ-રૂપે અનન્ય સત્તાથી રહી છે.બ્રહ્મની અંદર કલ્પાયેલું આ જગત,દેખાતાં છતાં,નિરાકાર છે.
અને એવી જ રીતે અન્ય 'લોકો' નું પણ છે.(તે સર્વ 'લોકો' (ત્રૈલોક્ય) પણ  સંકલ્પમય કે કલ્પનામય છે )

હે રામચંદ્રજી,આ પ્રમાણે સિદ્ધ-લોક તથા તેનું ભોગ-આદિ ફળ પણ મારા વર્ણવ્યા મુજબ હો,ભલે સાવ જ ના હો,
કે બીજા મુનિઓના કહેવા પ્રમાણે બીજા પ્રકારે હો,પણ જીવનમુક્ત એવા તમારે તેનો શો આદર કરવાનો હોય?
તમે સિદ્ધિ-આદિમાં પુરુષાર્થ-પણાની બુદ્ધિને છોડી દો,કેમ કે તમે બ્રહ્મ-તત્વને બરાબર રીતે જાણ્યું છે.
હવે આ માયા-માત્ર એવા સિદ્ધ લોકોના જ વૈભવ સંબંધી જ્ઞાનના શ્રમ વડે તમને શું પ્રયોજન છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE