May 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1160

બીજા મુનિ કહે છે કે-હે વ્યાધના મહાગુરૂ મુનિ,જાગ્રત અવસ્થામાં જોયેલા પદાર્થોના 'સંસ્કારો' બુદ્ધિમાં ચોંટી જાય છે
અને તે સંસ્કારો સ્વપ્નમાં તેના શબ્દ અને અર્થથી પ્રતીતિ થતા ઘણી વખત જોવામાં આવે છે,આથી
તે જાણે સત્ય હોય તેમ પ્રતીતિમાં આવે છે,પણ સૃષ્ટિના આદિકાળમાં,તે સમયે -કે-તે સમય પહેલાં,બીજું કશું ના હોવાથી,
તથા,પૂર્વ-સૃષ્ટિના સંસ્કારો (વચ્ચે પ્રલય-કાળનો અંતરાય આવી જવાથી) નાશ પામ્યા હોવા છતાં,
આ સૃષ્ટિ-રૂપી સ્વપ્ન,તો ચિદાકાશની અંદર પ્રથમથી જ દૃશ્ય(જગત)-રૂપે પ્રતીતિમાં આવે છે.

તમે વ્યાધના ગુરૂ થશો ત્યાં સુધી હું અહીં જ છું,તમે ધાર્મિક છો અને અત્યંત લાંબા કાળથી તપ કર્યા કરો છો,
મારું સત્ય વચન સાંભળીને તમે અહીં જ રહેશો.એવો દૈવનો નિશ્ચય છે.
કેટલાંક વર્ષો વીતી ગયા બાદ,તમારા સર્વ બંધુઓ અને કુટુંબીજનો,દુકાળથી નાશ પામશે.અને આ આખું ગામ પોતાના
ઘરો છોડીને ભાગી જશે ત્યારે આપણે બંને (સર્વ સમાન દૃષ્ટિવાળા,નિસ્પૃહ અને વિદિતવેદ્ય હોવાથી)
પરસ્પર આશ્વાસન આપી,સમાન આચરણ ધારણ કરીને અહીં સાથે જ રહીશું.
પછી કાળે કરીને અહીં ઉત્તમ વન થઇ રહેશે.અને અહીંની જગ્યા નંદનવન સમાન થઇ રહેશે.

(૧૫૩) મુનિની સર્વમાં એકાત્મબુદ્ધિ

બીજા મુનિ કહે છે કે-આપણે બંને એ વનની અંદર લાંબા ગાળા સુધી તપ કરશું.તેવામાં આપણી પાસે મૃગોની પાછળ
દોડીને થાકી ગયેલો એક વ્યાધ (પારધી) આવશે.તેને તમે પવિત્ર કથાઓ વડે બોધ કરશો પછી તે વૈરાગ્યને પ્રાપ્ત થઈને
આ વનની અંદર જ તપ કરશે.તપસ્વીના (શમ-દમ-આદિ) ધર્મોનો અભ્યાસ થવાથી એ વ્યાધ આત્મજ્ઞાન મેળવવાની
ઈચ્છાથી વચમાં જિજ્ઞાસુ બની સ્વપ્નની કથા પૂછશે.ત્યારે સ્વપ્નના પ્રસંગ (ઉદાહરણ)થી તમે તેને અખંડિત આત્મજ્ઞાનનો
બોધ કરશો એટલે તેનામાં યોગ્યતા આવશે.આ પ્રમાણે તમે વ્યાધના ગુરુ થશો.એટલે મેં તમને વ્યાધ-ગુરૂ કહ્યા છે.
આમ,આ જેવો સંસારનો ભ્રમ છે,જેવો હું છું,જેવા તમે છો અને જે કંઈ હવે પછી થવાનું છે,તે સર્વ મેં તમને કહી બતાવ્યું છે.

(પહેલા) મુનિ વ્યાધને કહે છે કે-ઉપર પ્રમાણે જયારે તે (બીજા) મુનિએ મને કહ્યું,એટલે (વિસ્મય વડે)
વ્યાકુળ બની ગયેલી બુદ્ધિ વડે મેં તેમની સાથે વિચાર કર્યો અને પરમ વિસ્મયને પ્રાપ્ત થયો.
પછી તે રાત્રિ વીત્યા બાદ પ્રાતઃકાળમાં એ મુનિની મેં એવી સેવા કરી કે તે પ્રીતિ રાખી તે વનની અંદર રહ્યા.
ત્યારથી ઋતુ-સંવત્સર-આદિરૂપ સમય આમ જ વ્યતીત થતો રહે છે.
હું પર્વતની જેમ અચળપણે રહીને પ્રાપ્ત થતાં ઇષ્ટ-અનિષ્ટ ભાવોને સ્વીકારું છું અને ત્યજું છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE