Mar 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1110

જીવનમુક્ત પુરુષોનો દેહ પણ,'દેહના ધર્મો' વડે વ્યાપ્ત જ હોય છે,પરંતુ તેમના દેહની અંદર રહેલું ચિત્ત તો
સદાકાળ અચળ જ રહે છે.ધારણા-આદિના પ્રયોગની જેમ મોક્ષ,પોતાના સિવાય બીજાથી જાણી શકાતો નથી.
એટલે કે મોક્ષ એ સ્વસંવેદ્ય (પોતાના જ જાણવામાં આવે તેવો) છે.આ આત્મા 'મનના ધર્મો' (સુખ-દુઃખ-આદિ)
વડે યુક્ત થાય છે,ત્યારે તે (દેહના) જીવ-ભાવને લીધે,પોતે જ પોતાના બંધનો અનુભવ કરે છે.
પણ તે જ આત્મા મનના ધર્મોથી મુક્ત થાય છે (જીવ-ભાવથી આત્મ-ભાવ થાય) ત્યારે શાસ્ત્રકારો તેને
મુક્ત (મોક્ષ) કહે છે.આ વાત અનુભવ વડે જ,પોતાની મેળે જણાઈ જાય તેવી છે.

જેનું ચિત્ત અંદર શીતળ હોય છે,તે જ મુક્ત કહેવાય છે.ચિત્તની અંદર સંતાપ હોવો તે બંધ છે.
એટલે બંધ ને મોક્ષ એ બંને દેહના ધર્મ નથી,પણ મનના ધર્મ છે- એમ દેખાય છે.
શરીરના કોઈ ટુકડે-ટુકડા કરી નાખે,તો પણ જીવનમુક્ત પુરુષને દેહના સંબંધથી થનારા સુખ-દુઃખ અંદર જરા પણ સ્પર્શ
કરતાં નથી.જો કે દેહ-આદિમાં તે સુખ-દુઃખને અનુભવે છે,
પરંતુ 'હું સુખી છું કે હું દુઃખી છું' એવો અનુભવ દેહમાં થવાથી તેના અધ્યાસની કલ્પના પણ
એ (પોતાના) દેહમાં થાય છે.બાકી બીજા (પોતાના સિવાયના) દેહમાં તે (સુખ-દુઃખની) કલ્પના થતી નથી.

જીવનમુક્ત પુરુષોની દૃષ્ટિમાં પોતાના આત્મ-સ્વરૂપ સિવાય બીજું (દેહ-આદિ) કશું છે નહિ.અને આત્માનંદમાં
તે મગ્ન હોય છે.તે મરતાં છતાં મરતો નથી ,રોતાં છતાં રોતો નથી અને હસતાં છતાં હસતો નથી.
આવા તત્વદર્શી પુરુષો રાગ-મુક્ત,કોપ-મુક્ત,મોહ-મુક્ત છતાં,રાગ-યુક્ત,કોપ-યુક્ત કે મોહ-યુક્ત જેવા જોવામાં આવે છે.
અમુક સુખ છે કે અમુક દુઃખ છે તેવી કલ્પના તેમનાથી ઘણે દૂર રહેલી છે.
સર્વત્ર જય મેળવનારા જીવનમુકત પુરુષો અંદર શોક રહિત છે,છતાં કોઈ પ્રસંગે શોક કરતા દેખાય છે.
છતાં તે આત્મામાં જ સ્થિર થઈને રહેલા હોય છે.

મહાદેવજી કામદેવ પર કૃપા કરીને પોતાના અડધા અંગમાં પાર્વતીને ધારણ કરે છે,વળી તે કામદેવનો નિગ્રહ કરતાં,
સમાધિમાં નિર્વિઘ્ન રીતે પ્રવૃત્તિ થવાથી તે હર્ષ-અશ્રુને પણ ધારણ કરે છે.મહાદેવજી પોતે સમર્થ છે,છતાં રાગી-પણાનો
ત્યાગ કરતા નથી.ને કામદેવને બાળી દેવાના સમયમાં વૈરાગ્યનો ગુણ પણ સિદ્ધ કરી આપે છે.
જીવનમુક્ત-પણાને લીધે તેમને કંઈ કરવાનું કે કંઈ ના કરવાનું કશું પ્રયોજન નથી અને તેમને આ લોકમાં સર્વ પ્રાણીમાત્ર
પાસેથી પોતાનો કોઈ કશો સ્વાર્થ કાઢી લેવાનું પણ નથી.તેને રાગી કે વિરાગી-પણાનું કશું
પ્રયોજન નથી.'દૈવ યોગે જે જેવી રીતે થઇ જાય તે ભલે તે રીતે થાઓ' તેમને બીજા કશાનું શું પ્રયોજન?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE