Mar 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1106

(૧૨૨) ચારે વિપશ્ચિત રાજાઓ સમુદ્રમાં પગથી ચાલ્યા
વસિષ્ઠ કહે છે કે-પછી તે વિપશ્ચિત રાજાઓએ પ્રાતઃકાળમાં શાસ્ત્રાનુસાર પૃથ્વીની સારી વ્યવસ્થા કરી.
પછી, દિશાઓનો અંત જોવાની અત્યંત ઉત્કંઠાને લીધે તેમના દેહમાં આવેશ આવી ગયો.
મુખ્ય મંત્રીઓએ તેમને જાણે વાર્યા,છતાં આક્રંદ કરી રહેલા પોતાના સર્વ પરિજન વર્ગને તેમણે પાછો વાર્યો.
તેઓ સ્નેહ-રહિત-પણાથી,અભિમાન-માત્સર્ય-લોભ-ભય આદિને અને સ્ત્રી-પુત્ર-ધન-આદિની એષણા છોડીને,
"અમે ક્ષણ-માત્રમાં સમુદ્રને પેલે પાર જઈ,દિશાઓનો અંત જોઇને પાછા આવીશું" એમ કહી ચાલી નીકળ્યા.

આમ તેમણે પોતાની મંત્ર-શક્તિથી સિદ્ધ થયેલા પોતાના મંત્ર-દેહ વડે,પોતાના પગ વડે જ સમુદ્રમાં ચાલવા માંડ્યું.
જાણે જમીન પર પગ રાખ્યા હોય,તેમ તેમ સમુદ્રના તરંગો પર પોતાના પગ રાખીને તે ચારેય અનુશ્ચિત રાજાઓ પોતે
એકલા જ સમુદ્રને પાર કરી જવાનો ઉદ્યોગ કરવા લાગ્યા અને કાંઠેની પોતાની સેનાથી વેગળા થયા.
પર્વતોના તરંગોના ઉછળવા અને શમવા સાથે તેઓ પણ ઊંચા-નીચા થતા દેખાતા હતા.
જળની એ ઘુમરીઓમાં તે રાજાઓએ લાંબા કાળ સુધી ઘાસની જેમ ભ્રમણ કર્યું.

(૧૨૩) વિપશ્ચિત રાજાઓનો જુદીજુદી દિશાઓમાં વિહાર

વસિષ્ઠ કહે છે કે-આમ તે વિપશ્ચિત રાજાઓ,પોતાના પગે ચાલી,દૃશ્ય-રૂપ-અવિદ્યાનો અંત લાવવાના વિચારમાં,
સમુદ્રો અને દ્વીપોમાં ગમન કરવા (ફરવા) લાગ્યા.કશો જ ભેદ કે છેદ પામ્યા વિના તેમણે સમુદ્રમાંથી દ્વીપમાં,
તે દ્વીપમાંથી બીજા સમુદ્રમાં,ને તે સમુદ્રમાંથી વળી બીજા દ્વીપમાં એમ સાતે સમુદ્રનું ઉલ્લંઘન કરવા લાગ્યા.

પશ્ચિમ દિશા જોવા નીકળેલા વિપશ્ચિત રાજાને એક માછલો ગળી ગયો.એ માછલો,વિષ્ણુના મત્સ્યાવતારના કુળમાં પેદા
થયેલો હતો અને "હું અમર " એવું અભિમાન ધરાવતો હતો અને શીઘ્ર ગતિવાળો હતો.
પણ તે રાજાને જીરવી શક્યો નહિ અને ક્ષીર-સમુદ્રમાં તેને પાછો ઓકી નાખ્યો,
એટલે તે રાજા તે ક્ષીરસાગરનું ઉલ્લંઘન કરી દુર કોઈ બીજી દિશામાં ચાલ્યો ગયો.

દક્ષિણ દિશા જોવા નીકળેલ વિપશ્ચિત રાજાને ઇક્ષુ-સાગરમાં આવેલા યક્ષનગરમાં,વશીકરણ વિષયમાં કુશળ એવી
કોઈ યક્ષિણીએ પોતાની વિષયના બળથી અધીન કરી પોતામાં લંપટ બનાવી દીધો.
પૂર્વ દિશા તરફ ગયેલા વિપશ્ચિત રાજાને કોઈ મગરમચ્છ ગળી ગયો,ત્યારે તે મગરને અંદરથી ચીરીને,
ગંગાજીમાં નાખ્યો,ત્યારે ગંગાજીએ તે રાજાને કાન્યકુબ્જ દેશમાં લાવીને મૂકી દીધો.
ઉત્તર દિશામાં ગયેલા વિપશ્ચિત રાજાએ,ઉત્તર-કુરુ નામના દેશમાં જઈને,
શંકર-પાર્વતીનું આરાધન કરીને,તેમની કૃપા વડે અણીમાદિ ઐશ્વર્ય મેળવ્યું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE