Mar 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1105

(૧૨૧) દેશોની મર્યાદાનું સ્થાપન
વસિષ્ઠ કહે છે કે-તે પછી તે (જુદાજુદા ચાર દેહ વાળા) વિપશ્ચિત રાજાઓ,સમુદ્રના તટની ભૂમિ પર બેસી,
મંત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સંબંધી સર્વ પ્રયોજન (દેશની મર્યાદા બાંધવી વગેરે) કરવા લાગ્યા.પછી તેમણે
ત્યાં જ પોતાની નિવાસ-ભૂમિ કલ્પી લઇ સ્થિતિ કરી અને ક્રમ પ્રમાણે નિર્બાધ-પણે દેશની મર્યાદા બાંધી.
રાત થઇ ગઈ એટલે તે રાજાઓ પોતપોતાની શય્યામાં સૂતા અને પોતે,પોતાના મૂળ સ્થાનથી ઠેઠ સમુદ્ર સુધી,
ઘણે દૂર આવી ચડેલા એ વિપશ્ચિત રાજાઓ વિસ્મય વડે આકુળ થઈને મનમાં વિચારવા લાગ્યા કે-

"અહો,દેવતાઓના પણ દેવ-રૂપ-અગ્નિના પ્રતાપથી,આપણે આપણા દિવ્ય વાહનો વડે,પ્રયાસ વગર જ
અહી ઘણા છેટે આવી પહોંચ્યા છીએ.આ વિસ્તાર વાળી દૃશ્યની (જગતની) શોભા ક્યાં સુધી પથરાઈ રહી હશે?
આ જંબુદ્વીપ પછી લવણ-સમુદ્ર આવેલો છે,ત્યાર પછી લક્ષદ્વીપ આવેલો છે,તેની આગળ પાછો ઇક્ષુરસ સમુદ્ર
અને તે પછી પણ દ્વીપ એમ સાત સમુદ્ર અને સાર દ્વીપના અંતે શું હશે? આ દૃશ્ય-રૂપી (જગત)ની માયા કેવડી
અને કેવી હશે? આ સર્વ વાતનો નિર્ણય કરવા આપણે ફરી અગ્નિ-દેવને પ્રાર્થના કરીએ,અને તેમના વરદાનના
પ્રભાવથી આપણે સર્વ દિશાઓને ઠેઠ તેના છેડા સુધી મનમાં કશો ખેદ લાવ્યા વિના જોઈએ"

ઉપર પ્રમાણે મનમાં વિચાર કરીને તે વિપશ્ચિત રાજાઓએ પોતપોતાના સ્થાનમાં જ રહીને,
એક જ સમયે અગ્નિ-નારાયણને સ્તુતિ-પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા
એટલે અગ્નિ-નારાયણે તેમને સાકાર-સ્વરૂપે દર્શન આપી વરદાન માગવાનું કહ્યું.

વિપશ્ચિત રાજાઓ વરદાન માગતાં અગ્નિ-નારાયણને કહે છે કે-હે દેવ,આ દેહ અને મંત્રથી શુદ્ધ થયેલા દેહ (મંત્ર-દેહ)
પણ જ્યાં ના પહોંચી શકે ત્યાં અમે મનથી,અમારા આ પંચભૂતાત્મક દૃશ્યને જોઈએ,
તેમ જ પ્રત્યક્ષ-અનુમાન-શબ્દ પ્રમાણથી પણ જે સિદ્ધ થઇ શકે છે-તે સર્વ અમે જોઈએ (જોઈ શકીએ)
એવું ઉત્તમ વરદાન આપ કૃપા કરી અમને આપો.હે મહારાજ,સિદ્ધ-યોગી-પુરુષો જ્યાં સુધી જઈ શકે છે,
ત્યાં સુધી અમે આ શરીરે જઈ,સર્વ જોઈ શકીએ.અને જ્યાં એ શરીરની ગતિ અટકે ત્યાં,
તેના પછી અમે મન વડે જ દૃશ્યને જોઈ શકીએ.અમારું વચમાં મૃત્યુ ન થાય
અને જે માર્ગમાં દેહની ગતિ ના થઇ શકે ત્યાં અમારું મન જ ગતિ-વાળું થાય.

વસિષ્ઠ કહે છે કે-ત્યારે અગ્નિ-દેવ "ભલે તેમ થાઓ" એમ વરદાન આપી ત્યાંથી વિદાય થયા.
પછી રાત્રિ આવી અને તે પણ થોડો સમય રહી ચાલી ગઈ,અને જ્યાં સૂર્યનો ઉદય થયો ત્યારે
તે વિપશ્ચિત રાજાઓના મનમાં સમુદ્રનું ઉલ્લંઘન કરવાની ધીર ઈચ્છા પણ ઉદય પામી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE