Mar 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1100

(૧૧૨) શત્રુપક્ષના યોદ્ધાઓનો નાશ

વસિષ્ઠ કહે છે કે-વિપશ્ચિત રાજાની પરશુની ધારથી,ચેદીદેશના યોદ્ધાઓ-રૂપી-વન કપાઈ જઈને,દક્ષિણ સમુદ્રમાં જઈ
પડ્યું.પારસિક-દેશના યોદ્ધાઓ અસ્ત્રોના પૂરમાં પાંદડાંની જેમ તણાવા લાગ્યા.દરદ-દેશના યોદ્ધાઓનાં હૃદય ભયથી
ચિરાઈ ગયા અને તેઓ દર્દુરાચલ પર્વતની ગુફાઓમાં પેસી ગયા.દશાર્ણ-દેશના યોદ્ધાઓ જંગલની અંદર સંતાઈ જવા
લાગ્યા કે જ્યાં સિંહોએ તેમને ફાડી ખાધા.પશ્ચિમ-સમુદ્રને કિનારે સંતાઈ રહેલા યવન-દેહના યોદ્ધાઓને મગરમચ્છના
સમૂહો ગળી ગયા હતા.શક-દેશના યોદ્ધાઓ,બાણોના સમૂહને પળવાર પણ સહન કરી શક્યા નહિ,રમઠ-દેશ અને
બીજા અનેક દેશોના યોદ્ધાઓના પ્રાણ પણ કંપવા લાગીને મરણ-શરણ થતા હતા.

વિપશ્ચિત રાજાનો વિજય થતાં,જળની ધારાઓને ધારણ કરી રહેલાં,પૃથ્વીના છિદ્રોમાં ગર્જનાના પ્રતિધ્વનિને લીધે,
મૃદંગના જેવો ગંભીર સ્વર પેદા થયો હતો,તેથી જગત-રૂપી-ગુફાની અંદર નિવાસ કરી રહેલું આકાશ જાણે
વિપશ્ચિત રાજાના યશને ગાવા માટે તત્પર થઇ રહેલું હોય તેમ જણાતું હતું.
હાર સ્વીકારી,પ્રત્યેક દિશામાં પલાયન થઇ જનારા અસંખ્ય યોદ્ધાઓ સાગરોમાં લય પામતા હતા.

(૧૧૩) સમુદ્રના વૈભવનું વર્ણન

શત્રુઓનાં નાસી જતાં સૈન્યની પછવાડે દોડતા ચારે ય વિપશ્ચિત રાજાઓ ઘણે જ છેટે ચાલ્યા ગયા હતા.
સર્વશક્તિમાન અને ઈશ્વરની પ્રેરણાથી પ્રેરાયેલા તે રાજાના ચારે દેહો,ચારે દિશામાં દિગ્વિજય કરતા હતા.
સર્વ શત્રુઓ અને તેમનાં શસ્ત્રોનો નાશ થવાથી વાતાવરણ,આકાશના જેવું થઇ શાંત થઇ ગયું.
અને ચારે તરફ આકાશ,વિસ્તીર્ણ પ્રકાશ વડે ગંભીર,પ્રસન્ન અને કાંતિમાન દેખાવા લાગ્યું.

પછી વિપશ્ચિત રાજાએ આકાશના નાના ભાઈ જેવા અતિ-વિસ્તારવાળા ને સર્વ દિશાઓના ભાગને પૂરી રહેલા સમુદ્રો
જોયા.જે સમુદ્રો નાના-મોટા તરંગોના વિશાળ શબ્દો (અવાજો) વડે આકુળ હતા,અનેક જળબિંદુઓને
લઇ જનારા મેઘો વડે મનોહર શરીર-વાળા હતા.તે સમુદ્રો પૃથ્વી પર સ્થિર થઈને રહેલા હતા,પણ પવનને લીધે
ઉછળતા ને ચપળ દેહવાળા હતા.તેઓ જડ છતાં ક્રિયાવાન દેખાતા હતા ને તરંગો વડે ગુફાઓને પણ પૂરી દેતા હતા.
તેઓ જાણે મૂર્તિમાન સંસાર (જગત) જ હોય તેમ વિસ્તીર્ણ થઇ રહ્યા હતા.

પોતાના તટમાં પડેલાં રત્નોના સમૂહ વડે,તેઓ જાણે ઉદયકાળમાં સૂર્યના તેજને પુષ્ટિ આપતા હતા ને શંખોના સમુહમાં
પેઠેલા પવનના ધ્વનિ-રૂપી શબ્દને ધારણ કરી રહ્યા હતાં.પરવાળાંના સમૂહ વડે તે રમણીય હતા.
માછલીઓ,કાચબાઓ,મગરમચ્છો-આદિ અસંખ્ય પ્રાણીઓના આધાર-રૂપ હતાં.કોઈ ઠેકાણે તેઓ પોતાની અંદર
સહકુટુંબ વિશ્રાંત થઇ રહેલા વિષ્ણુ વડે સુશોભિત હતા.કોઈ ઠેકાણે મોતીઓની સેંકડો છીપો વડે શોભી રહ્યા હતા.
પ્રતિબિંબ-રૂપે ત્રણે લોકને પોતાનામાં ધારણ કરી રાખવાથી અને આકાશ જેવી નિર્મળતાથી,તેઓ દિશાઓમાં જાણે
નિરાકાર ચતુર્ભુજ નારાયણ હોય તેવા જણાતા હતા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE