Mar 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1097

\સુવર્ણ અને રત્ન આદિની લાભની ઈચ્છાથી,પ્રવૃત્ત થયેલો પુરુષ,ખાણને ધોવાને બદલે આકાશને ધોવા માંડે,
તો ઘણો પ્રયત્ન કર્યા પછી પણ તેને કશું (સુવર્ણ કે રત્ન) મળે નહિ,એ પ્રમાણે પૃથ્વી (જગત) આદિના અસદવિચારો વડે
વૃથા જ આયુષ્ય ચાલ્યું જશે અને કશું તત્વ મનુષ્યને જાણવામાં આવશે નહિ.
કાર્ય-કારણ-કાળ-આદિની કલ્પના વડે આકુળ ચિત્તવાળા પુરુષોને,જગત અને જગતના પદાર્થો દેખાય છે,
એવા પુરુષોનું આપણે કશું પ્રયોજન નથી.વસ્તુતઃ તો પોતાના અનુભવ વડે પ્રમાણમાં આવતું ચિદાકાશનું
જે કંઈ નિરાકાર સ્વરૂપ છે,તે જ દૃશ્ય એવા કાલ્પનિક નામને ધારણ કરીને પૃથ્વી-આદિ રૂપે પ્રતીતિમાં આવે છે.

(૧૦૮) અવિદ્યાનો નાશ થતાં જ જગતનો નાશ થાય છે

રામ કહે છે કે-હે મહારાજ,આ દૃશ્ય-રૂપી અવિદ્યા (અજ્ઞાન કે માયા) શૂન્ય છતાં અવિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાનને લીધે
બાધિત ના થઇ જતાં વિદ્યમાન જ છે.તે ક્યાં સુધી પ્રતીતિમાં આવે છે? તે કેવા રૂપે અને કેવડી જણાય છે?
તેનું તત્વ શું છે? તે આપ ફરીવાર મને કહો.

વસિષ્ઠ કહે છે કે-જે અવિવેકી પુરુષોને આ દૃશ્ય (જગત)રૂપી અવિદ્યા સત્ય-રૂપે વિદ્યમાન જણાય છે,
તેમને બ્રહ્મની (કલ્પનાની) જેમ જ,તે દૃશ્યનો કોઈ દેશ કે કાળ વડે,અંત દેખાતો નથી.
આ બાબતમાં હું એક કથા કહું છું તે તમે સાંભળો.

આકાશના કોઈ એક ખૂણામાં,કોઈક સ્થળે આ ત્રિલોકીના જેવી જ કોઈ એક ત્રિલોકી (ત્રૈલોક્ય) છે.
અને તેની અંદર અહીંના (ત્રૈલોક્યના) જેવી જ સર્વ વ્યવસ્થા રહેલી છે.તેમાં પૃથ્વીનો એક ભાગ છે,કે જેમાં
'તતમિતિ' નામની એક પ્રસિદ્ધ નગરી છે,કે જેમાં 'વિપશ્ચિત' નામનો એક વિખ્યાત રાજા હતો.
તે પૃથ્વીને શોભાવનારો એ વિપશ્ચિત રાજા પોતાના મંત્રીઓ વડે સર્વ દિશાઓ-રૂપી ચક્રનો નાભિની જેમ આધાર-રૂપ
હતો.શત્રુઓથી તે અજેય હતો અને સર્વ શત્રુવર્ગને જીતતો હતો.

તેની પાસે એક દિવસ પૂર્વ દિશા તરફથી એક ચતુર (દૂત) આવી ઉભો રહ્યો.અને કહેવા લાગ્યો કે-
પૂર્વ દિશામાં આપે જે સામંત  મોકલ્યો હતો તે તાવથી મરણ પામ્યો છે.તેના મરણ પામવાથી,આપે જે દક્ષિણ દિશામાં
સામંત મોકલ્યો હતો તે દક્ષિણ દિશાની સાથે પૂર્વ દિશાને  (બંને દિશાને) જીતવાની પ્રવૃત્તિ કરી રહ્યો હતો,પણ શત્રુઓએ
તેને ઘેરી લઈને મારી નાખ્યો છે.એટલે આપે મોકલેલ પશ્ચિમ દિશાનો સામંત,પૂર્વ અને દક્ષિણ દિશાનું સંરક્ષણ કરવા માટે
સત્વર આવતો હતો,ત્યારે તેનું પણ લડાઈમાં મરણ થયું છે.

પૂર્વ દિશાનો દૂત આ પ્રમાણે કહેતો હતો ત્યાં બીજો દૂત ઉતાવળો ઉતાવળો,હાંફતો આવીને કહેવા લાગ્યો કે-
હે મહારાજ,આપે જે ઉત્તર દિશામાં સામંત મોકલ્યો હતો તે શત્રુઓના ઉપદ્રવથી પીડિત થઈને પોતાના સૈન્ય સહિત
આ તરફ પાછો ચાલ્યો આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE