Mar 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1095

વસિષ્ઠ કહે છે કે-આ જગત,(રૂપ-આદિ) બાહ્ય વિષય તથા માનસિક વિષય (સંકલ્પ-વિકલ્પ) એ બંનેના
અનુભવ વડે યુક્ત છે,છતાં તે ચિદાકાશ-રૂપ જ છે.નિર્મળ,નિર્વિકાર અને સત્ય-એવું ચિદાકાશ સદા એક-રૂપે
રહેલું છે,છતાં કંઇક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઇ રહેલ હોય-એમ પ્રતીતિમાં આવે છે.
તેથી ઇન્દ્રિયો વડે પદાર્થોના અનુભવ કરવા છતાં ચિત્તમાંથી વાસનાને કાઢી નાખો અને તત્વનિષ્ઠ થઇ ચિદાકાશ સાથે
એકતાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઇ રહો.તમે વાસનાથી રહિત થઇ જઈને તથા ચિત્તને શાંત રાખીને
બોલો,ચાલો,ખાઓ,પીઓ અને લેવડદેવડ કરો,ને આમ જીવવા છતાં (આંતરિક) દૃઢ મૌનને ધારણ કરો.

એ સ્વચ્છ બ્રહ્મની અંદર આ જગત-આદિ દૃશ્ય રહેલું છે,એવો જે કંઈ અનુભવ થાય છે તે માયા (ભ્રાંતિ) છે,
અને સ્વપ્નમાં દેખાયેલ સ્ત્રીની જેમ મિથ્યા છે-એમ વિવેકી વિદ્વાનોનું સમજવું છે.
આ જગત પરમ શાંત ચિદાકાશ-રૂપ હોવા છતાં જગતના આકારે (વિવર્તભાવથી) થઇ રહેલું દેખાય છે,
જે (દૃશ્ય) હમણાં આપણી નજર સમક્ષ દેખાય છે,(તે અનિત્ય હોવાથી) કોઈ દિવસ 'સત્ય' નથી.
તે જ રીતે દૃષ્ટા પણ નથી કેમ કે જો દૃશ્ય જ ના હોય તો પછી દૃષ્ટા-પણું ક્યાંથી રહે?

રામ કહે છે કે-હે મહારાજ,જો આપ કહો છો તેમ -દૃષ્ટા-દૃશ્ય-આદિ કશું જ ના હોય,
તો,પછી આ નજર સમક્ષ તે દૃશ્યની પ્રતીતિ કેમ થાય છે? તે સર્વ આપ ફરી-વાર કહો.

વસિષ્ઠ કહે છે કે-આ દૃશ્ય મિથ્યા છે,અને તે દૃશ્યના 'કારણ'ના અભાવને લીધે તેનું દૃશ્યપણું 'કહેવા-માત્ર' છે.
જે કંઈ આ દૃશ્ય-દૃષ્ટાની ભ્રાંતિ-રૂપે પ્રતીતિમાં આવે છે તે પરમાત્માનું શુદ્ધ-રૂપ જ છે.એમ તમે સમજો.
આદિ સૃષ્ટિથી માંડીને અહીં કોઈ પણ દેશ-કાળમાં આ જગત (દૃશ્ય) નું કોઈ ઉપાદાન-'કારણ' નથી પણ
કેવળ બ્રહ્મ જ એવા રૂપે પ્રતીતિમાં આવે છે.જેમ શૂન્યમાં શૂન્યતા રહેલી છે તેમ પરમાત્મામાં જગત રહેલું છે.
વસ્તુતઃ તે પરમાત્મા (ચિદાકાશ-રૂપ)જ પૂર્ણ-રૂપે (એક-રસ-રૂપે) સર્વત્ર રહેલા છે.

રામ કહે છે કે-જો આમ જ હોય તો પછી કાર્ય-કારણનો ભેદ કેમ દેખાય છે? તે ક્યાંથી આવ્યો?
અને તે કેમ કરીને તે સત્યતાને પ્રાપ્ત થઇ ગયો? તે વિષે આપ મને કહો.

વસિષ્ઠ કહે છે કે-પરમાત્મા (ઈશ્વર) જે વસ્તુતઃ પોતાના આત્મા-રૂપ છે, તે પોતે જયારે જેવી ભાવનાને સ્ફૂરાવે છે,
ત્યારે તેવું જ તમારા જોવામાં આવે છે,અને એ પરમાત્મા જ તમારા-રૂપે (તમારા આત્મા-રૂપે) દૃષ્ટા-દૃશ્ય આદિ
ભાવને અનુભવે છે.એટલે તમે પણ તે પરમાત્મા-રૂપ (ચિદાકાશ-રૂપ) જ છો,અને સર્વ ચિદાકાશ-રૂપ છે.
એ ચિદાકાશ પોતાના સ્વરૂપમાં જ સદાકાળ રહેલું છે,તે મોહને પ્રાપ્ત થતું નથી,પણ  સ્વપ્નની જેમ અનેક-રૂપે
થઇ રહેલું છે.તેની સ્વતંત્રતા ને કોણ રોકી શકે તેમ છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE