Mar 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1090

પ્રતીતિમાં આવતું આ શરીર,એ આકાશ-રૂપી-ચિદાત્મા (મહા-ચિદાકાશ કે પરમાત્મા) નું એક સ્વપ્ન છે.
એટલે કે -તે મહા-ચિદાકાશનું,સ્વપ્ન-રૂપ-પ્રથમ શરીર,કે જેને સ્વયંભૂ (કે વિરાટ) કહે છે,તે સ્વયંભૂના શરીરમાંથી આપણા
સર્વેનાં શરીર ઉત્પન્ન થયેલાં છે કે જે એક સ્વપ્નમાંથી ઉત્પન્ન થતાં બીજાં અનેક સવ્પનાંતરો જેવાં છે.
આમ બ્રહ્મ પોતે જ (કાલ્પનિક) અસત્ય-જીવ-રૂપે થઇ રહેલ છે,છતાં તે સત્યની પેઠે અનુભવમાં આવે છે.
જ્યારથી એ બ્રહ્મ જીવ-રૂપ (શરીર-રૂપ) થઇ રહેલ છે ત્યારથી જ આ મિથ્યા જગત પણ સ્થિર થઈને રહેલ છે.

તે ચિદાકાશ (બ્રહ્મ કે પરમાત્મા) આકાશ કરતાં પણ અતિ-સૂક્ષ્મ છે,એમ તેનું અતિ-સૂક્ષ્મપણું બતાવવાથી,
'તેમાં અતિ-સૂક્ષ્મતા-રૂપી એક ગુણ આવે છે' આવે છે એમ સમજવાનું નથી,કેમ કે નિર્ગુણ બ્રહ્મમાં કોઈ ગુણ કે
ધર્મ ક્યાંથી સંભવે? અહીં તે બ્રહ્મની અતિ-સૂક્ષ્મતા બતાવવાનો હેતુ એ છે કે-તેની અંદર 'કારણ'ના અભાવને લીધે,
જગતનો કોઈ આકાર સંભવી શકતો નથી.એમ, જે નગર આદિનો આકાર,પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં
છે જ નહિ,તો તે (નગર) પછી જગતમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય?

જે નગર સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે,તે જ નગર અમારા (અદ્વૈત) સિદ્ધાંત પ્રમાણે જાગ્રત અવસ્થામાં,ચિદાકાશની અંદર
નજરે આવે છે અને તે કેવળ આભાસ-માત્ર જ છે.જેમ શૂન્ય-પણાનો અને આકાશનો કશો ભેદ નથી,
તેમ સ્વપ્નમાં દેખાતા નગરનો (જગતનો) અને ચિદાકાશનો કશો ભેદ  (દ્વૈત) નથી.
જેમ,પવનની ચલન-શક્તિ એ પવન-રૂપ છે અને ચલન-સ્થિરતા-એ બંનેમાં પવન એક-રૂપ જ છે અને આકાશથી
અભિન્ન છે,તેમ,જગત અને ચિદાકાશ-એ બંને (દ્વૈત)માં કશો ભેદ નથી.બંને એક (અદ્વૈત) જ છે.

હે રામચંદ્રજી,તમે નિર્વિકાર અને શુદ્ધ-બોધ-રૂપ-ચેતન-તત્વ (ચૈતન્ય) ની સાથે એકતા પામો.
તમે નિત્ય ઉત્સાહથી (અને અનાસક્તિથી) વ્યવહાર કરો છતાં નિર્વિકાર રહી બુદ્ધિમાંથી
દ્વિત્વ-એકત્વ-આદિ 'વિકલ્પો' ને પણ કાઢી નાખો.તમે ચિત્તને શીતળ રાખો અને આત્મ-સ્વરૂપના નિરતિશય આનંદ
વડે સુખી થઈને રહો.કેમ કે વિક્ષેપના હેતુ રૂપ -તે પદાર્થો (પણ ચિદાકાશ-રૂપી હોવાથી) છે જ નહિ.

(૧૦૪) ચિદાત્મા જ જગત-સ્વરૂપે રહેલા છે

વસિષ્ઠ કહે છે કે-(પંચમહાભૂતો પૈકી) પ્રથમ,શબ્દ-તન્માત્રાવાળું-આકાશ,તેનાથી સ્પર્શ-તન્માત્રાવાળો-વાયુ,
તેના (વાયુના) સંઘર્ષથી રૂપ-તન્માત્રાવાળું-તેજ,અને તેનાથી રસ-તન્માત્રાવાળું-જળ થાય છે.
પછી,તેનાથી તેમનું મિલન થઇ ગંધ-તન્માત્રાવાળી-પૃથ્વી થાય છે.આ પ્રમાણે સ્વપ્નના જેવા દેખાતા,
પંચમહાભૂતોથી,જગતના પદાર્થોનો ઉત્પત્તિ-ક્રમ (કલ્પનાથી કે સંકલ્પથી થયેલો-આભાસમાત્ર) કહ્યો છે.  
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE