Mar 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1087






વસિષ્ઠ કહે છે કે-તમને 'અમુક સાચું હોઈ શકે કે અમુક પણ સાચું હોઈ શકે' તેવી સંભાવના-અસંભાવનાના,
અનેક દોષ ઉત્પન્ન થયા છે,તેથી જો અભ્યાસ કરવામાં ના આવે તો,આત્મ-સંબંધી જ્ઞાન જાણવામાં આવી
ગયા છતાં,તેનું વિસ્મરણ થઇ જતાં તે અજ્ઞાત જેવું થઇ જશે.જે મનુષ્ય જે પદાર્થને મેળવવા ઈચ્છે,તે મેળવવા
માટે જો યત્ન કરે અને વચમાં થાકી જઈને પાછો ના હઠે તો તે,તે પદાર્થ અવશ્ય મેળવે જ છે.
માટે 'વિચાર' કરી,અસદશાસ્ત્રમાંથી નિવૃત્તિ કરી,માત્ર સદ્શાસ્ત્રમાં જ અભય થઇને પ્રવૃત્તિ રાખો.

આ મન-રૂપી-નદી,વિવેક અને અવિવેક એમ બંને તરફ વહે છે,પરંતુ યત્નથી જે તરફ તેનો પ્રવાહ ચાલુ રાખવામાં આવે
તે તરફ જ વહેતી રહેતી થાય છે.આ શાસ્ત્રના વિના શ્રેય (વિવેકનું સાધન) થયું પણ નથી અને હવે પછી થવાનું પણ નથી.
માટે પરમ બોધ થવા માટે આ શાસ્ત્રનો જ વિચાર કરવો જોઈએ.
એ રામચંદ્રજી,આ સંસારનું બંધન ઘણા લાંબા કાળથી મનુષ્યને વળગેલ છે,જે જ્ઞાન સિવાય છૂટતું નથી.
"હું અમુક-રૂપ છું' એવી મહામોહ વડે ખડી થઇ ગયેલી ભાવના મિથ્યા છે છતાં સ્થિર થઈને રહી છે,
તેને આ શાસ્ત્રની ભાવના વડે છોડી દો અને માયા વડે થતી પરમ શોચનીય દશાને પણ મૂકી દો.

જેમ ભૂખ્યા થયેલા સર્પો,રસ-રહિત પવનને ચાટ્યા કરે છે,તેમ,તમે પણ ઉપર-ઉપરથી માત્ર મધુર દેખાતા અને આકાશના
જેવા શૂન્ય વિષયોના સમુહને ચાટીને,માયાની અંદર રહેલી જન્મ-મરણની પરંપરાને પ્રાપ્ત ન થાઓ.
તમે મરણ-ધર્મને શરણ છો.તમારા બધા દિવસો,તેના આવ્યા-ગયાની ખબર પડ્યા વિના,અજાણ પણે જ વ્યવહારની
ક્રિયાઓ (કર્મો) માં ચાલ્યા જાય છે,એ મહાદુઃખની વાત છે.તમે અનેક જાતના ભય વડે વ્યાપ્ત છો.
એટલે,મરણ આવી ટપકે,તે પહેલાં સદ-શાસ્ત્રનું અવલંબન કરી લેવું જોઈએ.એ જ આશ્વાસન-રૂપ  છે.

મૂર્ખ-અવિવેકી પુરુષો,યુદ્ધ આદિમાં પ્રાણ આપીને પણ ધનને અને જયના અભિમાનને વેચાતાં લે છે.પરંતુ,શાસ્ત્ર અનુસાર,
વિવેક-વૈરાગ્ય-શ્રવણ-આદિ ઉપાયો વડે પ્રાપ્ત થનારી તત્વ-બુદ્ધિ વડે મોક્ષ-પદ કેમ વેચાતું લેતા નથી !!
જો પોતાના આત્મ-રૂપનો યથાર્થ બોધ થાય તો તે જન્મ-મરણ-આદિ મોટી મોટી આપત્તિઓને પણ મૂળમાંથી ઉખેડી
નાખે છે.હું (વસિષ્ઠ) અહર્નિશ તમારા માટે પ્રલાપ કર્યા કરું છું,એ જોઇને અને મારા વચન પર વિશ્વાસ રાખીને
(લક્ષ્ય આપીને) તમે પોતાના પ્રબોધ-વાળા ચિત્ત વડે,દેહમાંથી અહંભાવ છોડીને બ્રહ્મ-રૂપ થઇ રહો.

જે મનુષ્ય આજે જ મરણ-રૂપી આપત્તિની ચિકિત્સા કરી લેતો નથી,તે મૂઢ માનવી મરણ આવી પહોંચે,
ત્યારે કોઈ સમય જ રહેતો નહિ હોવાથી શું કરી શકશે? આ ગ્રંથ (શાસ્ત્ર કે બોધ) આત્મ-સ્વરૂપને ઓળખાવે તેવો છે.
માટે જેમ તેલ ની ઈચ્છાવાળા પુરુષ તલને ખરીદી લે છે,તેમ વિવેકી પુરુષે આ ગ્રંથ (શાસ્ત્ર) પોતાનું કાર્ય સાધી આપનાર
હોવાથી,તેનું ગ્રહણ કરવા યોગ્ય છે.આ શાસ્ત્ર દીવાની જેમ આત્મજ્ઞાનનો પ્રકાશ કરે છે,બોધ આપે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE