Mar 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1085






સંસારયાત્રાનો નિર્વાહ ચલાવી લેનાર પરિપૂર્ણ ચિત્તવાળો તત્વજ્ઞ મહાત્મા,પોતે યથાસ્થિત રીતે રહે છે,
અને યથાપ્રાપ્ત શિષ્ટાચારને અનુસરે છે.તે પોતે અંદર નિરંતર શીતળ (શાંત) રહે છે,મૌનને ધારણ કરે છે,
અને તેની મનોભૂમિ શુદ્ધ સત્વમય ને પરિપૂર્ણ હોય છે.તેનો પોતાનો અભિપ્રાય ગંભીર છતાં લોકોને સહેલાઈથી સમજાઈ
શકે તેવો હોય છે.તે પોતાના આત્મામાં આનંદને ધારણ કરે છે અને બીજાઓને પણ આનંદ ઉપજાવે છે.
પોતે કદી શોક ન કરતાં,તે પ્રજ્ઞા-રૂપી (જ્ઞાન-રૂપી) મહેલ ઉપર ચડી જઈ,નીચેનાં,બીજાં શોક કરતાં,
પ્રાણીઓને તટસ્થ-પણાથી દેખે છે.

સંસાર-સાગર એક ભ્રમમાત્ર જ છે અને તેની અંદર ઘણા લાંબા કાળ સુધી (ભૂખ-તરસ-જન્મ-મૃત્યુ-શોક-મોહ)
છ ઉર્મિઓના ઝપાટાથી વિક્ષેપ આવે છે,તે છતાં નિર્વિકાર મનવાળો પુરુષ તેની પેલે પાર પહોંચી જાય છે,
અને ચરમ વિશ્રાંતિ પામે છે.તે પોતાની શાંત-વૃત્તિ વડે પોતાની પ્રથમની ગતિને હસે છે અને સંસાર-રૂપી ભ્રાન્તિને ખૂબ
ઘાટી રીતે ધારણ કરી રહેલા મનુષ્યોના સમૂહને જોઈ,પોતે જાણે અંદર હસતો હોય તેવો થઇ રહે છે.
વિવેકને લીધે તે પોતે જગત સંબંધી ચેષ્ટાઓને હસે છે,છતાં પણ પોતાને જો ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો,
'આ સર્વ મને અપ્રિય હોવાથી તૃણ જેવું છે' એમ સમજે છે અને મનમાં જરા પણ અહંકાર લાવતો નથી.

ક્યાંક તે પર્વતની ગુફારૂપી-ઘરમાં રહે છે,ક્યાંક તે કોઈ આશ્રમમાં રહે છે,ક્યાંક તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય છે,
ક્યાંક તે ભિક્ષાવ્રતમાં રહી પોતાનો આચાર પાળે છે,ક્યાંક તે એકાંતમાં તપસ્વી થઈને રહે છે,
ક્યાંક તે મૌનવ્રત ધારણ કરે છે અને ક્યાંક કે ધ્યાનપરાયણ જોવામાં આવે છે.
ક્યાંક તે વિદ્વાન-રૂપે પ્રખ્યાત હોય છે,ક્યાંક તે શ્રુતિ-સ્મૃતિનો શ્રોતા બની જાય છે,
ક્યાંક તે રાજારૂપ કે ક્યાંક તે દ્વિજરૂપ જોવામાં આવે છે,તો ક્યાંક તે અજ્ઞાનીના જેવો થઈને રહે છે.

ક્યાંક તે ઔષધ-મંત્ર વડે સિદ્ધ બની જઈ આકાશમાં વિચરે છે,
ક્યાંક તે શિલ્પકળા વડે પોતાની આજીવિકા ચલાવે છે અને
ક્યાંક તેણે પામરનું રૂપ ધારણ કર્યું હોય છે.ક્યાંક તે આચરણથી રહિત જોવામાં આવે છે,
ક્યાંક તે મહાશ્રોત્રિય રૂપે જોવામાં આવે છે,ક્યાંક તેની ચેષ્ટા ઉન્મત્તના જેવી દેખાય છે તો
ક્યાંક તે સન્યાસીરૂપે જોવામાં આવે છે.તત્વજ્ઞ પુરુષ જ્યાં જેવી દશામાં રહ્યો હોય,
ત્યાં તેવી સ્થિતિમાં ભલે રહો,તેને અમુક વર્ણાશ્રમની મર્યાદામાં રહીને શું સાધવાનું છે?
તે ભલે પોતાના ચૂરેચૂરા થઇ જાય તેવી રીતે ત્રૈલોક્યમાં ભ્રમણ કરે,પરંતુ તેનું સ્વરૂપ,
તો ચિન્માત્ર,અજર અને અમર છે.તે કદી નાશ પામતું નથી,ને આકાશના જેવું,નિરતિશય આનંદ-રૂપ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE