Feb 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1082

વસિષ્ઠ કહે છે-જો કે આપણા પિતામહ વગેરે વડવાઓ મરી ગયા છે પણ ચિદ્રુપ(ચૈતન્ય) તત્વ મરતું નથી.
જો કદાચિત તે ચૈતન્ય તત્વ મરી ગયેલ હોય (એમ માનવામાં આવે) તો આપણામાં રહેલ ચૈતન્ય-તત્વ અને તેમનામાં રહેલ
ચૈતન્ય-તત્વ તો એક જ છે,તેથી આપણું પણ ચૈતન્ય તત્વ પણ મરણ પામ્યા પછી આપણો
જન્મ થવો સંભવતો નથી.તે ચિદાકાશ-રૂપી-ચૈતન્ય અક્ષય છે અને તેનો જન્મ કે નાશ થવો સંભવતો નથી.
આકાશનો નાશ શી રીતે થાય? અને શું થાય? તે તમે જ કહો.

ચિદાકાશ-રૂપી એક સ્ફટિકનો પર્વત છે.તેને આદિ-મધ્ય કે અંત નથી.તે પોતાની અંદર જગત-રૂપી પ્રતિબિંબને ધારણ
કરે છે અને પાછો તત્વ-સાક્ષાત્કાર-રૂપી-અગ્નિ વડે તે (પ્રતિબિંબ)ને ભસ્મ કરી દે છે.ને પોતાના સ્થાનમાં સ્થિર થઈને
રહે છે.જેમ,અંધકાર વડે રાત્રિમાં દેખાતું વાદળાંના સમૂહ જેવું કંઇક અનિર્વચનીય જગતનું આવરણ,
પ્રાતઃકાળમાં (પ્રકાશ થવાથી) જોતાં,ક્રમે કરીને નિઃશેષ રીતે ક્ષીણ થઇ જાય છે,તેમ,અજ્ઞાન-રૂપી અંધકાર વડે કલ્પાયેલું
આ જગત,પણ ક્રમે કરી,જ્ઞાન વડે નિઃશેષ-રૂપે ક્ષીણ થઇ જાય છે.

પુરુષ (મનુષ્ય) પોતે ચિદ્રુપ જ છે અને તે આકાશની જેમ કદી નાશ પામતો નથી,તો પછી 'હું નાશ પામું છું'
એમ શોક કરવો વ્યર્થ છે.એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થવાથી ઉલટો નવો મહોત્સવ પ્રાપ્ત થાય છે,
કેમ કે મરણ એ એક જરા (વૃદ્ધાવસ્થા) અને રોગ -આદિથી ઝડપાયેલા પૂર્વ દેહનો નાશ છે, નવો જન્મ એ
પરમ-સુખ-રૂપ છે.તો હે મૂઢ પુરુષો,તે મરણ-રૂપી હર્ષ જેવા સ્થાનમાં તમે શા માટે ખેદ પામો છો?

જો કદાચિત તમને એવો જ ભ્રમ હોય કે મરી ગયા પછી ફરી પાછો પુનર્જન્મ થતો નથી,તો પણ મરણમાં પણ
એક મોટો પુરુષાર્થ રહ્યો છે તેમ સમજવું,કેમ કે મરણ થવાથી ભાવ-અભાવ,લેવું-દેવું,ભય-શોક,આધિ-વ્યાધિ વગેરે
શાંત થઇ જાય છે.એવી રીતે જ જો જન્મ-મરણ હોય તો પણ તેમાં સુખ-દુઃખ માનવાનો કશો અવકાશ જ નથી.  

કદાચિત,તમને મરણ પછી દુષ્કર્મથી પ્રાપ્ત થતાં નરક આદિ દુઃખનો ભય હોય,તો આ લોકમાં પણ દુષ્કર્મો માટે
રાજદંડ (સજા) નો ભય પણ છે જ,એ બંને ભય સમાન જ છે આથી બંને લોક સુધારવા દુષ્કર્મો કરવા નહિ.
'હું મરી જઈશ,મરી જઈશ' એવો તમે ભયથી પોકાર કરો છો પણ 'હું પાછો પુનર્જન્મ હોવાથી થઈશ,થઈશ'
એવો વિચાર કરતા નથી.જો કે વસ્તુતઃ તો આ સર્વ ચિદાકાશ-રૂપ છે,તો તેમાં જન્મ-મરણ,અમીરી-ગરીબી ક્યાંથી?

તમે કેવળ ચિદાકાશ-રૂપ થઈને રહો અને ખાન-પાન-આદિ પ્રારબ્ધ-પ્રાપ્ત થતા કાર્ય (કર્મો) સુખથી કરતા રહો,
પણ તેમાં તમે મમતાથી (આસક્તિથી) રહિત થઇ જાઓ.તમે આકાશના જેવા નિર્મળ અને નિર્વિકાર છો તો તમારામાં
ઈચ્છાનો ઉદય જ ક્યાંથી થાય?પોતાના સ્વાભાવિક પ્રવાહના બળે થયેલા,પ્રયત્ન વડે પ્રાપ્ત થયેલા
તથા દેશ-કાળના બળથી આવી મળેલા અતિ-પવિત્ર એવા વિષયોને વિવેકી પુરુષો નિર્ભય થઈને સુખથી,
અનાસક્ત થઈને ભોગવે છે.તેઓ અંદર સ્વરૂપ-સ્થિતિમાં બુદ્ધિને સુષુપ્તિ અવસ્થાના જેવી બનાવી દઈ
મગ્ન થઈને રહે છે.તેઓ જીવન-મરણ,સુખ-દુઃખ,રાગ-દ્વેષ ને પ્રાપ્ત થતા નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE