તે તત્વવેત્તાઓનો બહારનો (વ્યવહારનો) આચાર સર્વ બીજાં પ્રાણીઓના જેવો જ હોય છે.પરંતુ અંદરથી તેઓ
સર્વ બાબતમાં શીતળ હોય છે.શાસ્ત્રોના અર્થવિચારમાં તેઓ રસિક હોય છે,તત્વજ્ઞ હોય છે અને તેમને લોકોના સર્વ
પૂર્વાપર વિષયોનું ઘણું સારું જ્ઞાન હોય છે.અમુક વિષય ત્યજવા યોગ્ય છે અને અમુક વિષય લેવા યોગ્ય છે,
એમ તે વિષયોને તેઓ સારી રીતે સમજે છે,તેમ જ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યે જાય છે.
તેઓ તેમની પાસે આવેલા અર્થીને (યાચક અતિથિને) આવરણરહિત ઉપદેશ વડે,સુખકારક અન્નપાન વડે,
અને આશ્રય વડે પૂજે છે ને એમ મનુષ્યોના સમુહને પોતાના સદગુણોથી વશ કરી લે છે.
પોતાના સંગ અને ઉપદેશ વડે તેઓ મનુષ્યોના પાપોને નિવૃત્ત કરી દે છે.તેમના પર આવી પડેલી
આપત્તિઓને પોતાના તપના પ્રભાવથી રોકી દે છે.અને તેમને વિપત્તિઓમાં ઉત્સાહ (સાંત્વના) આપે છે.
એમ મનુષ્યોના ચપળ ચિત્તને તેઓ પોતાના વિવેકના ઉપદેશ વડે શાંતિ બક્ષે છે.
આપત્તિઓમાં,બુદ્ધિનો નાશ કરે તેવા વિષમ પ્રસંગમાં,શોક-મોહ-જરા-મૃત્યુ-ક્ષુધા-પિપાસા (છ ઉર્મિઓ)ના
ઝપાટામાં અને આવી પડેલા દુષ્ટ સંકટોમાં, આવા સત્પુરુષો જ તેમની ગતિ-રૂપ (શાંતિ-રૂપ) થાય છે.
સંસારમાર્ગમાં ભટકીને થાકી ગયેલા પુરુષે,ઉપર કહેલાં ચિહ્નો વડે ઉત્તમ ચિત્તવાળા મહાત્મા પુરુષોને
ઓળખી લેવા અને અદ્વિતીય બ્રહ્મમાં વિશ્રાંતિ મેળવવા માટે તેમનો આશ્રય કરવો.
પણ, 'મારું જે થવાનું હોય તે ભલે થાઓ,મારે વિચાર કરવાનું શું પ્રયોજન છે?'
એમ અંદર પ્રમાદ રાખીને,ખાડામાં પડેલા કીડાની માફક બેસી રહેવું જોઈએ નહિ.
ઉપર બતાવેલા ગુણમાંથી માત્ર એક જ ગુણ પણ જેમાં રહેલો હોય,તો તેના એટલા ગુણને ગ્રહણ કરવો અને
તેમના બીજા દોષો તરફ લક્ષ્ય આપવું નહિ.આ ગુણ-દોષને જાણવા માટે બાલ્યવયથી માંડી પોતાના પ્રયત્નથી,
શાસ્ત્ર અને સત્સંગથી પોતાની બુદ્ધિને પ્રથમ વધારવી.કોઈ પણ દોષનો લેશમાત્ર આદર કરવો નહિ
અને નિરંતર સજ્જનની સેવા કરવી.કદાચિત તેમનામાં કોઈ સ્થૂળ દોષ દેખાય,
કે જે દૂર કરી શકાય તેમ ના હોય,તો ક્રમે કરી તેમનો ત્યાગ કરવો.
દેશ-કાળના ને મનુષ્યોના પાપોના યોગે જ કોઈ વખત સજ્જન એ દુર્જન બની જાય છે,એમ સમજવું.
(૯૯) સંસારમાં તિર્યક અને સ્થાવર જાતિના ભોગો
રામ કહે છે કે-આપણી મનુષ્ય-જાતિના દુઃખક્ષયને માટે અનેક ઉપાયો છે,પરંતુ તિર્યક (કૃમિ-કીટ-પતંગિયું-આદિ)
જાતિ અને સ્થાવર-જાતિના દુઃખનો ક્ષય કયા ઉપાયથી થાયછે?તેઓ કેવી રીતે જીવે છે?