Feb 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1070






વસિષ્ઠ કહે છે કે-કાળે કરીને મારા તે આતિવાહિક (સૂક્ષ્મ) દેહની અંદર આધિભૌતિક(સ્થૂળ)પણું પ્રગટ થઇ ગયું.
જો કે-ચિદાકાશ-રૂપે જોતાં આ બંને (સૂક્ષ્મ-સ્થૂળ) એક જ છે.તેથી  મારા વિચારમાં તો એ ચિદાત્મા જ,
એ બંને પ્રકારના દેહમાં (સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં) પ્રતીતિમાં આવતો હોય તેમ ભાસતું હતું.
જેમ,હાલ,હું ઉપદેશ-આદિ વ્યવહાર માટે તમને આકારવાળો દેખાઉં છું,તેમ ત્યાં પણ આકારવાળો હતો.
આમ છતાં,હું કેવળ નિરાકાર,ચિદાકાશ-રૂપ જ હતો.

એવી જ રીતે જીવનમુક્ત પુરુષ વ્યવહાર કરવા છતાં બ્રહ્માકાશરૂપ જ હોય છે અને વિદેહમુક્ત થતાં તે બ્રહ્મમાત્ર જ થઇ
રહે છે.આમ જેમ,મારું બ્રહ્મપણું કોઈ દિવસ નિવૃત્ત થતું નથી તેમ મારા વ્યવહારનું બ્રહ્મપણું  પણ કદી નિવૃત્ત થતું નથી.
બીજી કોઈ દૃષ્ટિ અહી સંભવ નથી એટલે તમારી આગળ વ્યવહાર-દ્રષ્ટિથી હું 'વસિષ્ઠ-રૂપે' જ થઇ રહ્યો છું.
જેમ,અજ્ઞાની પુરુષને સ્વપ્નાવસ્થામાં,જન્મ વગરના (નિરાકાર) એવા સ્વપ્ન-નરમાં આધિભૌતિકપણની બુદ્ધિ થઇ જાય છે,
તેમ,મને પણ જગતમાં અને બીજા મનુષ્યોમાં આધિભૌતિકપણની પ્રતીતિ થાય છે.

એવી જ રીતે બીજા અજ્ઞાનીઓને, સ્વયંભૂની સર્વ સૃષ્ટિઓ આધિભૌતિક દેખાય છે,વસ્તુતઃ તે તેવા-રૂપે ઉત્પન્ન થયેલી
નથી છતાં તે અજ્ઞાનીઓને,સૃષ્ટિઓની ઉત્પત્તિ અને લય એ જાણે ખરેખર થતાં હોય તેમ જણાય છે.
આ જે હું તમારી નજર આગળ ઉભો છું,તે હું ખરેખર તો 'આકાશ-વસિષ્ઠ' છું અને પોતાના અભ્યાસબળથી
આવા (વસિષ્ઠ) રૂપે જાણે પુષ્ટતાને પ્રાપ્ત થઇ ગયો હોઉં તેમ થઇ રહેલ છું.
(અથવા તો તમારી દૃઢ ભાવનાને લીધે (મારી સામે વસિષ્ઠ ઉભા છે તેવી દૃઢ ભાવનાને લીધે) તમારી તેવી
ભાવના (બુદ્ધિ) ને અનુસરીને હું ભૌતિક દેહ-વાળો થઈને રહ્યો છું)

સર્વ બ્રહ્માઓ પણ ચિદાકાશ-રૂપ છે.જેવી રીતે તેમનું અસ્તિત્વ મનોમાત્ર જ છે
તેમ,સર્વ સૃષ્ટિઓ પણ મનોમાત્ર જ છે.અજ્ઞાનના દોષથી જ આ સર્વ સૃષ્ટિઓ વજ્રના જેવી દૃઢ ભાસે છે.
પણ તે સૃષ્ટિનું ખરેખરું સ્વરૂપ જાણવામાં આવતાં અહંકારનું ઘાટાપણું શાંત થઇ જાય છે.
જીવનમુક્ત પુરુષ કેવા (અને કેવી રીતે) ભોગો ભોગવે છે અને અજ્ઞાની કેવા ભોગો ભોગવે છે,તે વિચારવાનું છે.
મહારામાયણ (આ યોગવાસિષ્ઠ) જેવા શાસ્ત્રનું અવલોકન કરવાથી જ સર્વ વસ્તુઓ વિષે પોતાના ચિત્તમાં
બરફના જેવી શીતળતા ઉદય પામે છે.અને શીતળ ચિત્ત રહેવું તે મોક્ષ છે-તો સંતાપવાળું ચિત્ત એ બંધન છે.

અહો,લોકોની કેવી મૂઢતા છે કે એવા મોક્ષની પણ તેઓને ઈચ્છા થતી નથી !!
આ સર્વ મનુષ્યો,સ્વભાવે જ વિષયોને પરવશ થઇ રહેલ છે,અને તેથી જ તેઓ પરસ્પર એકબીજાનાં ધન-સ્ત્રી-વગેરેમાં
લોલુપ થઇ રહ્યાં છે.આમ છતાં પણ જો આ મુમુક્ષુ-શાસ્ત્ર (યોગ) ના અર્થનો જો 'વિચાર' પણ
કરવામાં આવે તો (મનન-નિદિધ્યાસન વગેરે ઉપાય વડે) યથાર્થ તત્વ જ્ઞાન થતાં તે મનુષ્યો જરૂર સુખી થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE