Feb 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1063



તે સિદ્ધ-પુરુષ બાળસૂર્યની જેમ મહાદેદીપ્યમાન દેખાતા હતા.તે પદ્માસન વાળીને નિશ્ચલ થઈને નિર્વિકલ્પ
પદમાં સ્થિર થઈને રહ્યા હતા.તે સમયે હું મારા દેહને દેખતો નહોતો પણ પાસે રહેલા સિદ્ધને જ દેખતો હતો.
પછી મેં વિચાર કર્યો કે-આ કોઈ મહા-સિદ્ધ પુરુષ છે અને એકાંતમાં વિશ્રાંતિ મેળવવાની ઈચ્છાથી
તે આ દિશાની અંદર આ વિશાળ આકાશના એકાંત ભાગમાં આવી ચડેલ છે.
તેમણે એ મારી પર્ણકુટી પોતાના ધ્યાન માટે યોગ્ય છે એવા વિચારથી જોયેલી જણાય છે.

મેં ઘણા લાંબા કાળ સુધી મારા દેહની ઉપેક્ષા કરી હતી,એટલે મારો દેહ શબ જેવો થઇ ગયો હતો.એટલે તે દેહને ફેંકી
દઈને તેમણે આ પર્ણકુટીમાં સ્થિતિ કરેલ છે.પછી,'મેં મારો સ્થૂળ દેહ નાશ પામ્યો છે એટલે હું આતિવાહિક
(સૂક્ષ્મ) દેહ વડે મારા પોતાના લોકમાં (સપ્તર્ષિલોકમાં) જાઉં' એવો નિશ્ચય કરી,મેં ત્યાંથી જવાની પ્રવૃત્તિ કરી,
તો તેટલામાં જ મારા (પહેલાંનો પર્ણકુટીના) સત્ય-સંકલ્પનો ક્ષય થઇ જવાથી એ પર્ણકુટી ત્યાંથી જતી રહી
અને કેવળ આકાશ જ રહ્યું.સમાધિમાં સ્થિર થઈને રહેલા એ સિદ્ધ પણ નિરાધાર થઇ નીચે (પૃથ્વી પર) પડ્યા.

'હું જ્યાં સુધી અહીં રહું છું ત્યાં સુધી આ પર્ણકુટી રહો'એવો મારો પ્રથમનો સંકલ્પ ક્ષીણ થયો,એટલે તે પર્ણકુટીનો
ક્ષય થતાં તે સિદ્ધ મહાત્મા પણ ક્ષણવારમાં નીચે આવી પડ્યા.આમ એ સિદ્ધ પુરુષ પડવા લાગ્યા,એટલે મને તેમની
સુજનતા જોવાનું કૌતુક થયું,અણુ હું આતિવાહિક (સૂક્ષ્મ કે મનોમય) દેહ વડે તેમની સાથે આકાશમાંથી પૃથ્વી પર
નીચે આવ્યો.પ્રાણનું અપાન વડે ઉર્ધ્વભાગમાં આકર્ષણ થતાં પગનો ભાગ જેમ પૃથ્વીને અડે છે અને મસ્તકનો ભાગ
જેમ ઉંચો રહે છે,તેમ એ સિદ્ધ પદ્માસનની સ્થિતિમાં જ પૃથ્વી પર પડ્યા.

સમાધિને લીધે જડ જેવા થઇ રહેલ તે સિદ્ધ એવી રીતે ચલન થયા છતાં વ્યુત્થિત થયા નહિ,કેમ કે તેમનો દેહ
દૃઢ અને રૂના ઢગલા જેવો હલકો હતો.પછી મેં તેમને જાગ્રત કરવા પ્રયત્નપૂર્વક મેઘપણું ધારણ કર્યું અને બહુ બળથી
મોટી ગર્જના કરી,એટલે તે સિદ્ધ સમાધિમાંથી જાગ્રત થયા.તેમના નેત્રો વિકસિત થઇ ખુલ્યા અને  
તેમના અવયવો મહાદેદીપ્યમાન દીસવા લાગ્યા,એટલે તે સિદ્ધ મહાત્માને મેં સ્વચ્છ વૃત્તિ વડે પૂછ્યું કે-
'હે મુનિ-શ્રેષ્ઠ,આપ ક્યાં રહ્યા છો અને શું કરો છો?આપ આટલે બધે ઉંચેથી નીચે પડ્યા છતાં
આપના ચિત્તમાં એ વિષે કેમ ખબર ન પડી?'  

ત્યારે તે સિદ્ધ-મહાત્માએ પૂર્વસ્થિતિનું સ્મરણ કરી મધુર વચને કહ્યું કે-હે મહારાજ,મેં આપને હમણાં ઓળખ્યા છે,
હું આપને નમન કરું છું.પ્રથમ દર્શન સમયે આપને મેં નમન કર્યા નહોતો તે મારો અપરાધ આપે ક્ષમા કરવો,
કેમ કે એ સત્પુરુષોનો સ્વભાવ છે.હે મહારાજ,ભોગ અને સુગંધ વગેરે થી મનમોહક એવી દેવતાઓની ઉપવન ભૂમિમાં
હું લાંબા કાળ સુધી ભમ્યો છું.હું સંસારરૂપી  સાગરની અંદર દૃશ્ય-રૂપી તરંગોથી વ્યાકુળ બની ગયો હતો.
અને કાળે કરીને (પહેલાં) ઉદ્વેગ પામ્યો હતો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE