Feb 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1057




જેમ,ઘણા લાંબા કાળની ભાવનાને લીધે આકાશમાં નીલા-આદિ રંગની પ્રતીતિ થાય છે,
તેમ,ઘણા લાંબા કાળની ભાવનાને લીધે 'આ સ્થિર-કઠિન વિસ્તારવાળો ભૂલોક છે' એવી બુદ્ધિ પેદા થઇ હતી.
જેમ ઘડો-વગેરે નામમાત્ર છે,વાણીથી બોલવામાત્ર છે,બાકી વસ્તુતઃ તો માટી જ સત્ય છે,
એ ન્યાયે,આ આપણી નજરે દેખાતું નામ-રૂપ-વાળું જગત,વાણીથી બોલવામાત્ર છે
બાકી વસ્તુતઃ તો,ચિદાકાશ જ વિવર્ત-રૂપે,આ સર્વ નામ-રૂપવાળા જગત-રૂપે પ્રસરી રહેલ છે.

હે રામચંદ્રજી,'સત્તા-સામાન્ય' સર્વના અધિષ્ઠાન-રૂપ છે અને તે જ ભૂત-ભવિષ્ય-વર્તમાનનાં
સર્વ જગતો-રૂપ થઇ રહેલ છે.આથી (સત્તા-સામાન્ય એવા) મેં એ ધારણાના બળ વડે
તે સર્વ જગત અને તેની અંદરના સર્વ પદાર્થો,નિઃશેષ-પણે દીઠા અને સાક્ષીપણાથી તેનો અનુભવ કર્યો.
આમ,એ નિર્વિકાર આત્મ-ચૈતન્ય,પોતાનું શુદ્ધ સ્વરૂપ છોડ્યા વિના,
સર્વ જગતને પોતાની અંદર યથાસ્થિત ધારણ કરી રહ્યું છે,આથી ભેદની પ્રતીતિ થાય છે,
બાકી તેને ખરેખર તત્વજ્ઞાન વડે ઓળખવામાં આવે તે કશાને ધારણ કરતું  નથી (ભેદ પ્રતીત થતો નથી)

(૯૦) પૃથ્વી પર અનંત જગત અને જળનું દર્શન

રામ કહે છે કે-હે મહારાજ,તમે ધારણાના યોગથી જોયેલાં ભૂમંડળોની અંદર કોઈ ઠેકાણે,
બીજાં જગત તમારા જોવામાં આવ્યાં હતાં કે કેમ ? તે વિષે કહો.

વસિષ્ઠ કહે છે કે-પૃથ્વીની ધારણા બાંધવાથી હું,જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં અનેક 'પૃથ્વી-રૂપ' થઇ રહ્યો હતો.
મેં પૃથ્વીના તે તે ભાગોમાં સાક્ષી-દૃષ્ટિથી જોયું અને મન વડે વિચારી અનુભવ કર્યો,તો સર્વ ઠેકાણે આગળ કહેલો
જગતનો સમૂહ મારામાં જોવામાં આવ્યો.એ સર્વ દ્વૈત-રૂપે અને દશ્યરૂપે દેખાતું હતું,પણ વસ્તુતઃ તો તે પરબ્રહ્મ-રૂપ જ હતું.
જો વ્યવહારિક દૃષ્ટિથી જોવામાં આવે તો,સર્વ ઠેકાણે જગતો રહેલાં છે
પણ જો તાત્વિક દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ ઠેકાણે બ્રહ્મ જ રહેલ છે.

એ બ્રહ્મ,સર્વ-રૂપ છે તો શૂન્ય-રૂપ પણ છે અને પરમ શાંત-રૂપ છે તો સર્વ સૃષ્ટિ વડે યુક્ત પણ છે.
સર્વ ઠેકાણે સૃષ્ટિ રહેલી છે પણ વસ્તુતઃ તો તે ચિદાકાશરૂપ જ છે.અહી કશાનો અસ્તિત્વ-ભાવ કે નાસ્તિત્વ-ભાવ
પણ નથી.જ્યાં 'હું' એવા અભિમાનના આશ્રય-રૂપ અહંકાર પણ નથી ત્યાં બીજું તો શું હોઈ શકે?
જો કે 'હું' એવો અહંકાર અનુભવમાં આવે છે,છતાં ખરું જોતાં તે છે જ નહિ.
અને જો કદાચિત કંઈ છે તો તે જન્મ-મરણ-આદિથી રહિત નિર્વિકાર પરબ્રહ્મ-રૂપ જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE