વસિષ્ઠ કહે છે કે-વસ્તુતઃ જોતાં તો મારું સ્વરૂપ શુદ્ધ ચિદાકાશરૂપ જ હતું.કેવળ આકાશ-રૂપ હોવાથી હું પવનના કરતાં
પણ શૂન્ય જણાતો હતો અને આકાર-રહિત હોવાથી મારામાં કલ્પાયેલા સર્વ ભાવોને હું રોકતો હતો.
પણ શૂન્ય જણાતો હતો અને આકાર-રહિત હોવાથી મારામાં કલ્પાયેલા સર્વ ભાવોને હું રોકતો હતો.
પછી મારા મનની તેવી ભાવનાને લીધે હું ઘણા લાંબા કાળ સુધી સ્વયંભૂના (ખુદથી બનેલા) દેહમાં રહ્યો
અને મને પ્રતીતિ થઇ કે 'હું ચારમુખ-વાળા બ્રહ્માના દેહથી યુક્ત છું' (હું બ્રહ્માનો દેહ છું)
પ્રથમ તો મેં બાળકની જેમ 'ॐ' તેટલા શબ્દનો જ ઉચ્ચાર કર્યો કે જે જગતમાં ॐકાર નામથી પ્રસિદ્ધ થયો.
(નોંધ-'હું બ્રહ્મા' એ અ-હ-મ ની પ્રતીતિ થતાં અ-ઉ-મ (ॐ) નો ઉચ્ચાર એ બ્રહ્મનું પ્રતિક કે ઓળખાણ છે !!)
પછી હું જે કંઈ બોલ્યો (વેદ-વગેરે) તે 'વાણી' રૂપે જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયું છે-એમ તમે સમજો.
આ પ્રમાણે હું પોતે જ સૃષ્ટિના કર્તા તથા જગદગુરૂ એવા 'બ્રહ્મા'રૂપ બની ગયો.
અને એ મનોમય (મનથી કલ્પિત) સ્વયંભૂના (બ્રહ્માના) દેહ વડે મેં સૃષ્ટિઓને કલ્પી લીધી.
આમ હું બ્રહ્મા-રૂપે ઉત્પન્ન થયેલો જણાયો,પરંતુ ખરી રીતે જોઈએ તો હું કશા પણ -રૂપ ઉત્પન્ન થયો નહોતો.
મેં તે સમયે મારા સ્થૂળ-દેહ-રૂપે સર્વ બ્રહ્માંડને જોયું તો તે સિવાય બીજું કશું બહાર દેખાતું નહોતું.
વસ્તુતઃ તો તે બ્રહ્માંડ (જગત) મારા મનના એક વિલાસ-રૂપ જ હતું અને તેની અંદર કશું થયું જ ન હતું,
માત્ર ચિદાકાશ જ સર્વત્ર પ્રસરી રહ્યું હતું.અને આ રીતે આ સર્વ સૃષ્ટિ એ શૂન્ય-ચિદાકાશ-રૂપ જ છે અને
તેની અંદર પૃથ્વી આદિ (પંચમહાભૂતો)નું જરા પણ અસ્તિત્વ નથી જ.
કેવળ ચિદાકાશ જ વિવર્તરૂપ થઇ અનેક-રૂપે ભ્રાંતિથી પ્રતીતિમાં આવે છે.
બ્રહ્મની અંદર જગત છે જ નહિ,તો પણ જીવાત્મા અજ્ઞાનના (માયાના) આવરણને લીધે,ભ્રાંતિ પામે છે,
અને આ જગત-રૂપી નિર્મૂળ ભ્રમને દેખે છે.
સંકલ્પ વડે ખડાં થઇ ગયેલા મનોરાજ્યની જેમ,આ જગત અસત્ય છતાં હૃદયની અંદર ખડું થઇ રહેલ છે.
જેમ,સૂતેલા મનુષ્યને આવેલું સ્વપ્ન,તેના ચિત્તમાં જો પ્રવેશ કરવામાં ના આવે તો તે (આપણાથી) તે સ્વપ્ન નથી જ,
એમ અનુભવમાં આવે છે (આપણે તે સ્વપ્નને અનુભવી શકતા નથી) પણ જો યોગ-આદિ દ્વારા,
તે સૂતેલા મનુષ્યના ચિત્તમાં પ્રવેશ કરવામાં આવે તો તે સ્વપ્ન આપણા અનુભવમાં આવે છે,
તેમ,અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપી શિલામાં રહેલું જગત પણ જો તેમાં પ્રવેશ કરાય તો જ અનુભવમાં આવે છે.
બીજી રીતે જોઈએ તો અરીસામાં પ્રતિબિંબ થયેલ પદાર્થ,આકારની જેમ દેખાતું હોય તો પણ અસત્ય જ છે.
આમ,જો એ સૃષ્ટિને જ્ઞાન-દૃષ્ટિ-વડે આતિવાહિક (સૂક્ષ્મ) દેહથી યોગ દ્વારા જોવામાં આવે તો,
એ સૃષ્ટિ પરમાત્મા-રૂપ જ જણાય છે અને તે સૃષ્ટિના અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ જ અનુભવમાં આવે છે.
બાકી ચર્મ-ચક્ષુ વડે જોવા જઈએ તો તત્વનો કશો પણ યથાર્થ અનુભવ થતો નથી,પણ ભ્રાંતિ જ અનુભવાય છે.
યોગ અને તત્વદૃષ્ટિવાળી શુદ્ધ બુદ્ધિ જે કંઈ જોઈ શકે છે,
તે મહાદેવ તેમના ત્રણ નેત્ર કે ઇન્દ્ર તેમના સહસ્ત્ર નેત્રો વડે પણ જોઈ શકતા નથી.