Jan 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1054



આવી જાતની 'દેશ-કાળ' વગેરેની કલ્પના આપના ચિત્તમાં વ્યવહાર-દશામાં જ ઉદય પામે છે.
પણ તે સમયે તો 'આ સર્વ ચિદાત્માનો જ એક જાતનો વિલાસ છે' એમ જણાવાથી
'હું પોતે પણ ચિદાત્માના વિલાસ-રૂપ છું' એમ મને (વસિષ્ઠ) ભાસતું હતું.
પછી,મને  'હું જોઉં' એવો સંકલ્પ ઉઠયો,તેથી હું બંને ચક્ષુ-ગોલકથી જોવા લાગ્યો,
અને મેં જે જોયું તે,ચિદાકાશથી જુદા રૂપે દેખાવ આપનારું રૂપ (તેજ) હતું.જે ગોલકથી જોયું તે બે 'નેત્ર' છે.

પછી,'હું કાંઇક સાંભળું' એવા સંકલ્પની સ્ફૂર્તિ થઇ,એટલે ફૂંકેલા શંખના જેવો ઝંકાર (શબ્દ) મારા સાંભળવામાં આવ્યો
કે જે 'શબ્દ' એ 'આકાશ'નો સ્વભાવિક ગુણ છે (અને તે પ્રાણવાયુના સંબંધથી આકાશમાં પ્રસરી રહે છે)
તે 'શબ્દ' મને જે બંને પ્રદેશથી સંભળાયો તે બે મારા કર્ણ-રંઘ્ર (કાનના છિદ્રો-કે 'કાન') છે.
પછી મને સ્પર્શ-વિષયનો કંઇક અનુભવ થયો અને જે પ્રદેશ વડે તેનો અનુભવ થયો તે 'ત્વચા'ઇન્દ્રિય' કહેવાય છે,
અને જેના અસ્તિત્વ વડે મારા અંગને સ્પર્શ-વિષયનો અનુભવ થયો તે રૂપ-રહિત-સ્પર્શવાળો 'વાયુ' કહેવાય છે.

પછી મને જે રસાસ્વાદનો અનુભવ થયો તે 'જીહવા' (જીભ) ઇન્દ્રિય છે કે જેનો વિષય 'રસ' (દ્રવ્ય કે જળ) છે.
અને 'ગંધ' ગ્રહણ કરવાનો સંકલ્પ સ્ફુરતાં 'નાસિકા' (નાક) ઇન્દ્રિય અને તેનો વિષય 'ગંધ' ખડાં થઇ ગયાં.
આવી રીતે જો કે દેહ-ઇન્દ્રિય-વિષય-વગેરેની સંપત્તિ મને મારામાં દેખાતી હતી,છતાં,
વસ્તુતઃ તો સર્વ કલ્પના-માત્ર અને મિથ્યા હતું,તેથી કશું થયું જ નહોતું.
(નોંધ-દેહ કે જગતનું 'જ્ઞાન' આપનારને 'જ્ઞાનેન્દ્રિયો' કહે છે,જે પાંચ છે.જો વિચાર કરવામાં આવે તો સમજાશે
કે-તે પાંચ જ્ઞાનેન્દ્રિયો માંહેની ચાર ઇન્દ્રિયો મસ્તકમાં આવેલી છે અને પાંચમી આખા શરીરમાં ફેલાયેલી છે!!)

ઉપર કહ્યા પ્રમાણે ઇન્દ્રિયો અને તન્માત્રાઓ (રૂપ-રસ-વગેરે વિષયો) ખડી થઇ ગઈ અને હું (વસિષ્ઠ)
'વૃત્તિ' (ક્રિયા)દ્વારા તદાકાર થવા લાગ્યો એટલે તરત જ શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ (તન્માત્રાઓ) રૂપી
શરીરને ધારણ કરી રહેલા પાંચ વિષયોના ભોગોનો મને બળાત્કારથી અનુભવ થવા લાગ્યો.

ઇન્દ્રિયો અને વિષયો-વગેરેના સમુહમાં 'અભિમાન' બંધાવાથી 'હું અમુક (દેહ) રૂપે છું' એવી જે ભાવના
મારામાં ખડી થઇ ગઈ તેને વિવેકી પુરુષો 'અહંકાર'નામથી કહે છે.
એ અહંકાર નિશ્ચય-રૂપે ઘાટાપણાને પ્રાપ્ત થાય છે ત્યારે તે 'બુદ્ધિ' નામથી ઓળખાય છે.
એ બુદ્ધિ પાછી ઘાટાપણાને પ્રાપ્ત થાય છે એટલે તે 'મન' (વિચાર) નામથી ઓળખાય છે.

આમ હું (વસિષ્ઠ) અંતઃકરણ-રૂપ (મન-બુદ્ધિ વગરેનો સમૂહ) બની ગયો
અને મારું શરીર 'આતિવાહિક' થઇ ગયું.એટલે કે હું 'સૂક્ષ્મ-શરીર'વાળો બની ગયો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE