સર્વ પ્રાણીઓ જગત-રૂપી સમુદ્રનાં બિંદુઓના સમૂહ-રૂપ છે.કેટલાક જીવો,સદાકાળ એક જ પ્રકારનાં
ધન,વય,બંધુ,વિદ્યા,કર્મ,જ્ઞાન અને ચેષ્ટાવાળા પૂર્ણ રીતે,વારંવાર ઉત્પન્ન થતા રહે છે,કેટલાએકમાં
તે ધન વગેરેનો અડધો ભાગ દેખાય છે,કેટલાએકમાં ચોથો ભાગ દેખાય છે,તો કેટલાએક વિલક્ષણ દેખાય છે.
એ જીવો,રાગ-દ્વેષ-આદિ દોષો વડે આકુળ એવી વિચિત્ર ધર્મ-અધર્મની ચેષ્ટાને લીધે,
કાળે કરીને અસંખ્ય પ્રકારના દેહોને ધારણ કરે છે.અને સ્વર્ગ-નરક-આદિ લોકોમાં ઉંચે નીચે ભમતા રહે છે.
આ રીતે દેહના સંબંધથી ખેદને પ્રાપ્ત થનારાં અને જુદાજુદા રૂપે દેખવામાં આવતાં,અગણિત પ્રાણીઓરૂપી-જળો,
આ ચપળ-સંસારરૂપી સાગરમાં ચકરીઓના કુંડાળાની જેમ વહ્યે જાય છે.તેઓ એકબીજાથી વિરુદ્ધ કે
સમાનરૂપ વાળાં છે કે તેનાં તે જ કે બીજાં છે,તેના વિષે નિર્ણય કોણ કરી શકવા સમર્થવાન છે?
(૮૭) પોતાના દેહમાં વિશ્વની કલ્પના
વસિષ્ઠ કહે છે કે-હવે હું અનંત,નિર્વિકાર ચિદાકાશ-રૂપે,સર્વત્ર વ્યાપ્ત થઇ રહ્યો હતો.મેં મારા શરીરની અંદરના
કોઈ એક ભાગમાં ચિત્ત સ્થિર રાખીને જોયું તો,તેમાં પણ તેની અંદર રહેલી સૃષ્ટિ અંકુરિત થઇ રહેલી દેખાઈ.
જેમ,જળનું સિંચન થતાં વૃદ્ધિ પામેલા બીજની અંદર જેમ અંકુર રહેલો હોય છે,
તેમ,સાકાર ને નિરાકાર,એવી સર્વ જડ-ચેતન વસ્તુની અંદર જગત રહેલું જ છે.
ચિદ્રુપ પુરુષ જ સુષુપ્તિ અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થાને પ્રાપ્ત થાય છે,એટલે કે તેના પોતાના સ્વરૂપમાંથી જ
આવી સ્વપ્ન-સૃષ્ટિ (જગત) ઉત્પન્ન થાય છે,અને પછી સ્વપ્ન-અવસ્થાની નિવૃત્તિ (પ્રલય) થાય છે.
આમ ચિદાકાશમાંથી જ જાગ્રત-પ્રપંચ (સૃષ્ટિ) ખડો થઇ જાય છે.કે જે ચિદાકાશથી જુદો નથી.
રામ કહે છે કે-હે મહારાજ,તમારું સ્વરૂપ ચિદાકાશ-રૂપ છે,અને આકાશના જેવું શૂન્ય છે,
તો તેની અંદર સૃષ્ટિ શી રીતે ઉત્પન્ન થાય છે? તે મને સારી રીતે બોધ થવા માટે ફરીવાર કહો.
(નોંધ-અહી 'ફરીવાર કહો' એ નોંધપાત્ર છે.કે જે અહીં દેખાતા (લખાયેલા) પુનરાવર્તનનું કારણ છે !!)
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તે વખતે મેં મારા શરીરમાં જગતની સૃષ્ટિની કલ્પના કરી,એટલે જ મને ખરેખર
સ્વયંભૂ-પણાનો અનુભવ થયો.કે જે અનુભવ સ્વપ્ન-નગરની જેમ મિથ્યા હોવા છતાં સત્ય જણાતો હતો.
એમ હું જયારે,ચિદાકાશ-રૂપે સર્વત્ર વ્યાપ્ત થઇ રહ્યો હતો,ત્યારે મેં શિલામાં સૃષ્ટિ-મહાપ્રલયનો આડંબર જોયો.
તે વખતે મારા પોતાના શરીરના એક ભાગમાં સૃષ્ટિ જોવાની ઇચ્છાથી મેં ચિદાત્માને પ્રવર્તાવ્યો.
અને જે વખતે નિર્મળ ચિદાત્માનો એ ભાગમાં પ્રસાર થયો તે વખતે સ્વપ્ન-સૃષ્ટિની સાથે સાથે,
તેના અધિષ્ઠાન-રૂપ ચિદાકાશ જ જણાયું હતું.(સૃષ્ટિ અને ચિદાકાશ એ બંનેનો અનુભવ થયો હતો)