Jan 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1051



એમ, બ્રહ્માંડના બે ખંડને ખાઈ જઈને,હવે તે રુદ્ર આકાશની અંદર પોતે એકલા જ આકાશના જેવા
નિરાકાર થઈને રહ્યા.ત્યારે આકાશમાંથી હું (વસિષ્ઠ) દિવ્ય દૃષ્ટિથી જોતો હતો અને મને એ રુદ્રનું તેજ-રૂપ
બહુ ઝીણું થઇ ગયેલું દેખાયું.પછી ક્ષણમાત્રમાં તે પરમાણુરૂપ થઇ અદૃશ્ય થઇ ગયા.અને હવે ત્યાં શાંત,નિર્મળ,
બ્રહ્મ-રૂપ ચિદાકાશ જ અવશેષ રહ્યું,કે જે ચિદાકાશ,આદિ-મધ્ય-અંતથી રહિત હતું.

આ પ્રમાણે તે 'શિલા'ની અંદર,અરીસામાં પડેલા પ્રતિબિંબની જેમ,આભાસ-રૂપે
'મહા-પ્રલય' મારા જોવામાં આવ્યો.આ મહાપ્રલયમાં ચારે બાજુ ભ્રાંતિ જ જોવામાં આવતી હતી.
ત્યાર પછી,જેમ,કોઈ ગામડિયો મનુષ્ય રાજમહેલમાં આવતાં વિસ્મિત થઇ જાય,તેમ,તે 'વિદ્યાધરી'નું
સ્મરણ કરી તથા તે શિલા અને તેની અંદરના સર્વ વિલાસને સ્મરણમાં લાવી ને હું વિસ્મિત થઇ ગયો.
પછી ફરીવાર પણ મેં એ સુવર્ણમય શિલાને જોઈ,તો એ ભૈરવીદેવીના અંગમાં જેમ સૃષ્ટિ દેખાતી હતી,
તેમ,તે શિલામાં પણ સર્વ સૃષ્ટિઓ જોવામાં આવી.

આ બધું 'બુદ્ધિ-રૂપી-નેત્ર'  (દિવ્ય-ચક્ષુ) વડે જ દેખી શકાય છે,બીજી કોઈ રીતે તે દેખાતું નથી,
કેમ કે,ચિદાત્માની અચિંત્ય 'શક્તિ'ને (માયાને) લીધે જ આ સર્વ,સર્વત્ર અને સદાકાળ રહેલું છે.
પણ જો એ શિલાને દૂરથી 'ચર્મ-ચક્ષુ' વડે ઉપર ઉપરથી જોઈએ તો,
ત્યાં તે એક  સુવર્ણમય અને વિશાળ શિલા જ દેખાતી હતી,અને સૃષ્ટિ-આદિ કશું પણ ત્યાં જણાયું ન હતું.
પણ પછી મેં (વસિષ્ઠ) જયારે વિચાર કરી સૂક્ષ્મ-દૃષ્ટિથી જોયું તો
તે જગતની રચનાના આડંબરવાળી દેખાઈ અને આગળ વર્ણવ્યા મુજબનો મહાપ્રલય પણ જણાયો.

રામ કહે છે કે-હે મહારાજ,હું જો કદાચિત પૂર્વે થયો હતો તો શી રીતે થયો હોઉં તો શી રીતે થયો હતો?
અને તે આવા અત્યારના આકારથી જ થયો હતો કે બીજા કોઈ આકારથી થયો હતો? તે વિષે કહો.

વસિષ્ઠ કહે છે કે-જેમ કોઠીમાં ભરાતું અનાજ,ભરાતું અને ઠલવાતું રહે છે,તેમ,જગતના સર્વ પદાર્થો તે ક્રમથી
કે બીજા ક્રમથી જન્મ-મરણને પ્રાપ્ત થતા રહે છે.કેટલાક સર્વ ક્રમમાં સમાન હોય છે,કેટલાએક તે જ
આકારથી,કેટલાએક બીજા આકારથી તો કેટલાએક એકબીજાના આકાર જેવા ઉત્પન્ન થાય છે.
તમે ફરીવાર તેના તે જ અવતરેલા છો.હું અને આ બીજાં મનુષ્યો પણ ફરીવાર તેનાં તે જ અવતરેલાં છે.

જો કે તત્વ-દૃષ્ટિથી તો કશું ઉત્પન્ન થતું નથી,કેમ કે પરબ્રહ્મની અંદર આ દૃશ્ય (જગત) સંભવતું નથી.
પણ જો માયા-દૃષ્ટિથી જોવામાં આવે તો,સમુદ્રની અંદર ઉત્પન્ન થતાં તરંગો,તેનાં તે જ છે કે બીજાં? એ વિષે
કોઈ નિર્ણય થઇ શકતો નથી.આ સંસારમાં ભ્રાન્તિને લીધે જ અનંત પ્રાણીઓ જન્મ-મરણને પ્રાપ્ત થતાં રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE