Jan 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1049




(૮૫) શિવમાં શક્તિનું મળી જવું

વસિષ્ઠ કહે છે કે-એવી રીતે તે ભૈરવી-દેવી પોતાના લાંબા અને ચપળ હાથના સમૂહોથી,ઘાટા આકાશને જંગલના જેવું
બનાવી દઈને નૃત્ય કરતી હતી.પોતાના સ્વરૂપને ના ઓળખતાં,તે નિર્વિકાર ચિદ-શક્તિ જ ક્રિયા-રૂપે નૃત્ય કરતી હતી.
બાણ,શક્તિ,ગદા,તોમળ,મુશળ (જેવા આયુધો) તથા ભાવ,અભાવ,પદાર્થોના સમૂહો,કળાઓ અને કાળનો ક્રમ-
એ સર્વ તેના આભુષણ-રૂપ હતાં.જેમ,મનોરાજ્યની કલ્પના જ હૃદયમાં નગરના આકારને ધારણ કરે છે,
તેમ, ચિદ-શક્તિ પોતાની અંદર જગતને ધારણ કરીને જગતના આકારે થઈને રહી છે.

જેમ,પવનમાં ચલનશક્તિ રહી છે તેમ,શિવની અંદર ચિદ-શક્તિ-રૂપ-ઈચ્છા રહી છે.કે જે ઈચ્છા શાંત થતાં,તે પરમ શિવ
પોતાના સ્વરૂપની અંદર જ શાંત-સ્થિર થઈને રહે છે.આમ,શિવની ઈચ્છા જ સાકાર જગતને ઉત્પન્ન કરે છે.
પછી,પરમ-આકાશની અંદર નૃત્ય કરનારાં એ ભૈરવી દેવી,કાકતાલીય યોગથી પ્રેમને અધીન થઇ ગયાં અને જાણે
પોતાની આસપાસ રહેલાં આવરણકારી વાદળાંને ખસેડતાં હોય,તેમ,તેમણે આવરણકારી-આવરણ-શક્તિને ખસેડી
નાખી,અને તેમણે,જળ જેમ પોતાના નાશ માટે અગ્નિનો સ્પર્શ કરે છે તેમ, પાસે રહેલ શિવને સ્પર્શ કર્યો.

આમ,પરમ-કારણ-રૂપ-શિવનો સ્પર્શ-માત્ર થતાં,તે ચિદ-શક્તિ ભૈરવી,ધીરેધીરે અવ્યક્ત-સૂક્ષ્મપણાને પ્રાપ્ત થવા લાગી.
અને તેણે પણ આકાશના જેવો મહાવિશાળ અને શૂન્ય આકાર ધારણ કર્યો.
અંતે જેમ,નદીનો પ્રવાહ શાંત થઈને મહાસાગરમાં મળી જઈ એકરૂપ થઇ જાય છે,તેમ તે શિવના આકાર સાથે
એકરૂપ થઇ ગયાં અને છેવટે એક શિવ જ પોતના પરમ મંગલમય શાંત-સ્વરૂપથી ચારે બાજુ પ્રસરી રહ્યા.

રામ કહે છે કે-હે મહારાજ,શિવની ભૈરવી-દેવી રૂપ તે શક્તિ શિવનો સ્પર્શ થતાં કેમ શાંતિને પ્રાપ્ત થઇ?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ ચિદ-શક્તિ-રૂપ-પરમેશ્વરની 'ઈચ્છા'ને 'પ્રકૃતિ' કહેવામાં આવે છે,
અને તે જ 'જગન્માયા' (માયા) કહેવાય છે.જગતમાં પ્રતીતિમાં આવતી 'ક્રિયા-શક્તિ' પણ તેનું જ રૂપ  છે.
જેણે 'શિવ'નું રૂપ ધારણ કર્યું હતું તે 'પુરુષ' કહેવાય છે.
(નોંધ-પુરુષ-પ્રકૃતિનું આમ જોડું બનાવ્યું છે.અર્ધ-નારી-નટેશ્વરની કલ્પના પણ આજ રીતે કરવામાં આવી છે !!)
તે શિવ (પુરુષ) પવનના જેવા નિરાકાર તથા ક્રિયા-શક્તિવાળા છે-
તો (સાથે સાથે) તે શાંત અને પરમ-આકાશના જેવા નિર્મળ છે અને પ્રકૃતિથી 'પર' (જુદા) પણ છે.

(નોંધ-આકાશ અને વાયુ બંને નરી આંખે દેખી શકાતાં નથી.આકાશ સ્થિર છે અને ચલન (ગતિ) કરી શકતું નથી,
પણ તેની અંદર રહેલો વાયુ એ પોતાની ચલન-'શક્તિ'થી ચલન (ગતિ) કરી શકે છે.પવન-રૂપ બને છે.
પવનની ગતિને લીધે આકાશ ગતિ-વાળું અનુભવાય છે પણ આકાશ એ વાસ્તવમાં પવનથી જુદું જ  છે !!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE