Jan 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1048


વસિષ્ઠ કહે છે કે-જે ચિદ-શક્તિનું મેં વર્ણન કર્યું,તે પોતાના સત્ય-સંકલ્પ વડે જે જે કલ્પના કરે છે,તે તે સર્વ,
સત્યની પેઠે તેના અનુભવમાં આવે છે.આથી એ કલ્પનામય વસ્તુ જાણે સત્ય હોય તેવો આભાસ થાય છે.
જેમ મુખનું પ્રતિબિંબ અરીસામાં પડે છે,તેમ,જીવ-ચૈતન્યને જે કંઈ અનુભવમાં આવે છે,તે પૂર્વજન્મનો અનુભવ
વાસના અનુસાર,તેની અંદર પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય છે.આથી તે પોતાની અંદર જ આભાસ-રૂપે રહેલ છે.
અને તે પોતાને (જીવ-ચૈતન્યને) કાર્ય કરી આપનાર હોવાથી,તેની દૃષ્ટિમાં સત્ય જ ભાસે છે.
તેમ છતાં (વસ્તુતઃ) ચિદાત્માની અંદર તેનો (ચિદશક્તિનો) પ્રવેશ થવો અસંભવિત છે તેથી તે મિથ્યા જ ઠરે છે.

દૃઢ ધ્યાન વડે વાસનાનો ક્ષય થઇ જવાથી,શુદ્ધ થઇ રહેલા ચિદાત્માની અંદર તેની સ્થિતિ શી રીતે રહી શકે?
અરીસાની અંદર ઘટાદિક પદાર્થો તથા સ્વપ્ન (અને સંકલ્પ)ની અંદર 'સૃષ્ટિ', એ ભલે આભાસ-રૂપે પ્રતીતિમાં
આવે,પણ તે કોઈ જાતની ક્રિયા કરનાર હોવાથી,તે તે જીવની દૃષ્ટિમાં તેને સત્ય ભાસે છે, એમ મને જણાય છે.
કદાચિત તમે કહો કે,'અરીસામાં પ્રતિબિમ્બિત થયેલા પદાર્થો  અને સ્વપ્ન (અને સંકલ્પ) સૃષ્ટિ,એ તેમના
દૃષ્ટા (જોનાર) માટે ભલે ક્રિયા (કાર્ય) કરનાર થાય પણ તે મારે માટે કોઈ ક્રિયા કરી શકતી નથી
તો  તેને સત્ય કેમ માની શકાય ?'

તેના ઉત્તરમાં માત્ર એટલું જ કહેવાનું છે કે-જે બીજાના જોવામાં આવ્યું હોય તે તમારા માટે ક્યાંથી ક્રિયા કરી શકે?
શું દેશાંતર (બીજા દેશ) માં રહેલા પદાર્થો તમને આ દેશમાં ઉપયોગમાં આવી શકે?
આથી યથાસ્થિતપણે રહેલા સર્વ સ્વપ્ન આદિના પદાર્થો જે ક્રિયા કરે છે,
તે એ સ્વપ્ન આદિના દૃષ્ટા (જોનાર) પુરુષને સત્ય લાગે છે,પણ જે તેનો દૃષ્ટા નથી તેને એ કશું સત્ય જણાતું નથી.
તેથી એમ સિદ્ધ થાય છે કે સર્વ સૃષ્ટિઓની પરંપરા ચિદ-શક્તિની અંદર જ રહેલી છે
અને આત્મા જ સત્ય છે,બાકી બધું એ તેનો વિવર્ત છે.

આ વસ્તુ બરોબર સમજી લઇ જે પુરુષ આત્મ-ભાવને પામ્યો છે,તેને જ તે અનુભવમાં આવે છે,બીજા કોઈને નહિ.
ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં રહેલા સ્વપ્ન (અને સંકલ્પ) સૃષ્ટિનાં નગરોના સમૂહો અધિષ્ઠાન-દૃષ્ટિથી સત્ય છે.
જો તેમ ના હોય તો પરમતત્વનું એ સર્વ-રૂપ કેમ કરીને થઇ રહે?
(એટલે જેમ,દેશાંતરમાં રહેલા પર્વતો અને ગામો,ચાલવાથી પ્રાપ્ત કરી શકાય છે,તેમ,પરબ્રહ્મપણાને
પ્રાપ્ત થયેલા યોગ-સિદ્ધ પુરુષને બીજાની સ્વપ્ન (અને સંકલ્પ) સૃષ્ટિ પણ જોવામાં આવે (આવી શકે) છે.)

જેમ,ગાઢ નિંદ્રામાં ચલાયમાન (ગતિમાં) થયેલા પુરુષને સ્વપ્નમાં દેખાયેલ નગર,
સ્વપ્નમાં જ નાશ પામી ગયેલું દેખાય છે,તો પણ વાસ્તવિક રીતે તો તે નાશ પામતું નથી,
તેમ,ભૈરવી-દેવીના દેહની અંદર રહેલું જગત નાશ પામેલું લાગે છે,તો પણ વસ્તુતઃ નાશ પામેલું નથી.
તે તો અરીસામાં દેખાતા પ્રતિબિંબની જેમ,આભાસ-રૂપે તેમાં રહેલું જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE