રામ કહે છે કે-એ મહારાજ આપે કહ્યું કે તે કાળી (શક્તિ કે કાળરાત્રિ) નૃત્ય કરતી હતી,તો તે કોણ હતી?
વસિષ્ઠ કહે છે કે-એ ચિદાકાશ-રૂપ ભૈરવ 'શિવ' કહેવાય છે અને ભૈરવી (કાળી) તેમની
એક સ્ફૂર્તિવાળી મનોમય માયા 'શક્તિ' છે અને તે ભૈરવથી જરા પણ જુદી નથી,એમ તમે સમજો.
જેમ પવન અને તેનું ચલન (શક્તિ) એક જ છે-તેમ,ચિદાકાશ અને તેની સ્ફૂર્તિ-વાળી-શક્તિ એક જ છે.
જેમ,ઉષ્ણતાથી અગ્નિ લક્ષ્યમાં આવે છે,તેમ 'શિવ' નામે ઓળખાતું નિર્વિકાર પરમ-તત્વ,
ચિન્મય-શિવની 'ઈચ્છા' જ તેમની સ્ફૂર્તિ-વાળી 'શક્તિ' (માયા) છે,કે જે આ દૃશ્ય (જગત)ને રચે છે.
અને તે 'શક્તિ' જ 'જીવનની ઈચ્છા' રાખનારા પુરુષોને જીવન આપનાર છે,
તેથી તે 'જીવ-ચૈતન્ય' કહેવાયું છે.તે સૃષ્ટિના આકારે પરિણામ પામે છે,તેથી 'પ્રકૃતિ-રૂપ' કહેવાય છે.
તે શક્તિ,દૃશ્ય-રૂપે આભાસ આપનારા સર્વ પદાર્થોમાં ફળોને પેદા કરે છે,તેથી 'ક્રિયા' (શક્તિ)કહેવાય છે.
અતિ તીક્ષ્ણ સૂર્ય આદિ તેજ વડે તે શોષણ પામે છે,તેથી તે 'શુષ્કા' કહેવાય છે.
તે શક્તિનું રૂપ પ્રચંડ છે,તેથી તેને 'ચંડિકા' પણ કહેવામાં આવે છે.કમળના જેવો તેનો વર્ણ (રંગ) હોવાથી
તે 'ઉત્પલા' કહેવાય છે.સર્વત્ર જય કરવાથી 'જયા' કહેવાય છે.સિદ્ધિના આશ્રયને લીધે 'સિદ્ધા' કહેવાય છે.
વિજય પામવાથી તે 'વિજ્યા-જયંતી-જયા' કહેવાય છે.કોઈ ઠેકાણે પરાજય નહિ પામવાથી 'અપરાજીતા'
કહેવાય છે.તેનું સ્વરૂપ દુર્ગ્રહ (ઘણા કષ્ટથી જાણી શકાય તેવું) છે તેથી તે 'દુર્ગા' કહેવાય છે.
તે ॐ કારની પરમ 'સાર-શક્તિ' છે તેથી 'ઉમા' કહેવાય છે.
(નોંધ-સુષુપ્ત અને જાગ્રત એવા ત્રૈલોક્યની અંદરનાં સર્વ પ્રાણીઓના હૃદયમાં ત્રણ માત્રાઓથી (અ-ઉ-મ)
બનેલા- એવા પ્રણવ-નાદ (ॐ કાર) નું જયારે ઉચ્ચારણ થાય છે,ત્યારે જેમ,તે શંકરના મસ્તક પર ચંદ્રમાની
(બીજની જેવી) કળાની પર 'બિંદુ' રૂપે રહે છે-તેમ,તે બિંદુ-રૂપે રહે છે-તેથી તેને 'ઉમા' કહેવામાં આવે છે)
જપ કરનારા વિવેકી પુરુષોને પરમ પુરુષાર્થ આપનારી હોવાથી તે 'ગાયત્રી' કહેવાય છે.
તેનાથી જગતની ઉત્પત્તિ થાય છે,તેથી તેને 'સાવિત્રી' કહેવામાં આવે છે.
સર્વ પ્રકારના જ્ઞાન-કર્મ-ઉપાસના-આદિના વિચારો તેનાથી જ જગતમાં પ્રસરે છે,તેથી 'સરસ્વતી' કહેવાય છે.
તેના દેહના અવયવો ગૌર(સફેદ) છે અને મહાદેવના દેહ સાથે તેને સંબંધ છે,તેથી તે 'ગૌરી' કહેવાય છે.