Jan 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1045






જેમ જે વસ્તુ વાસ્તવિક હોય તે અવસ્તુ-રૂપે કોઈ જગ્યાએ પણ હોઈ શકતી નથી,
તેમ અધિષ્ઠાન-ચૈતન્યનું પોતાનું સ્વરૂપ પણ કોઈ જગ્યાએ પણ કાંઇક વિવર્ત વિના રહી શકતું નથી.
જે કંઈ ચૈતન્ય છે,તે જ સ્ફુરણ-ધર્મવાળું થઇ જઈ અનેક આકારે દેખાય છે,પણ વસ્તુતઃ તેના સ્વ-ભાવમાં,કોઈ ફેરફાર થતો
નથી,એ ચિદરૂપ રુદ્રની જે ચેષ્ટા છે તે આપણી જ ચેષ્ટા છે.પણ (નૃત્યની) વાસનાના આવેશને લીધે
તે રુદ્રનું નૃત્ય દેખાતું હતું.એટલે તે ચિદાત્માનો એક વિલાસ જ હતો.અને તે ચિદાત્મા જ સર્વનું સ્વરૂપ છે.

રામ કહે છે કે-તાત્વિક દૃષ્ટિથી દૃશ્ય (જગત) નથી,અને છતાં જે નજરે દેખાય છે તે જગતનો પ્રલયકાળમાં નાશ થઇ જાય છે.
તે પ્રલયકાળનો મહા-શૂન્ય સમય (કાળ) જો,કેવળ શૂન્ય પરમ ચિદાકાશરૂપ છે,તો તેમાં વળી જુદું
દૃષ્ટા-રૂપ ચૈતન્ય શી રીતે સંભવે? તે જ રીતે દૃશ્ય પણ કેમ સંભવે? અને જો દૃશ્ય-વર્ગ પોતાનાથી જુદો ના હોય,
તો પછી તે શુદ્ધ સ્વરૂપથી ભરપૂર ચિદાત્મા પોતાની સત્તાથી કોને ચેતનવાળું કરે?

વસિષ્ઠ કહે છે કે-તમે જયારે આ પ્રમાણે શંકા કરો છો,ત્યારે દ્વૈત-અદ્વૈત-આદિના સંશયની શાંતિ થવા માટે
જે ઉત્તર હું તમને કહું છું તે તમે સાંભળો.
જો કેવળ ચિદાકાશ જ સર્વત્ર ભરપૂર છે,અને કશો દૃશ્ય જડ-વર્ગ છે જ નહિ,તો પછી કોઈ બીજા પદાર્થના અભાવને લીધે,
કોઈ સ્થળે કે કોઈ કાળે પણ તે ચિદાકાશ બીજી કશી વસ્તુને દેખતું જ નથી.
એ ચિદાકાશની અંદર જે જડ દૃશ્યવર્ગ પ્રતીતિમાં આવે છે,તે તેનો એક જાતનો વિવર્ત જ પ્રતીતિમાં આવે છે.
બાકી શાંત ચિદાકાશ  તો પોતાની પોતાના (નિરાકાર) સ્વરૂપમાં જ સદાકાળ રહે છે.

ચિદાત્મા પોતે જ પોતાના વિષે સર્વ જાણવા યોગ્ય પદાર્થને સંપૂર્ણ રીતે શૂન્ય-પણે જાણે છે અને ઠેઠ સૃષ્ટિના આરંભકાળથી
માંડીને પોતાના વિવર્તને જ પોતાનાથી જુદા રૂપે દેખે છે.તે  પોતાની મેળે જ વિવર્ત-ભાવને
પામે છે,અને પોતાની 'કલ્પના' વડે કાળ,જગત,પ્રલય આદિની ભ્રાન્તિને ધારણ કરે છે.
પોતાનું ચિદાકાશ-સ્વરૂપ જ જયારે વિવર્ત-રૂપે પ્રસરી જાય છે ત્યારે 'અમુક તમે છો,અમુક હું છું,અમુક તે છે
અને અમુક ક્રિયા કરે છે' વગેરેની 'કલ્પના' ખડી થઇ જાય છે.

માટે સત્યતાથી જોતાં,દ્વૈત-અદ્વૈત નથી,શૂન્યપણું પણ નથી કે જડ-ચેતન નો સંયોગ પણ નથી.
આ બાબતમાં અનિર્વચનીયપણાથી છેવટે કેવળ 'મૌન' જ અવશેષ રહે છે.
અને તે મૌનનો આશ્રય પણ નિરુપયોગી જેવો જ છે.
સર્વ શાસ્ત્રોનો છેવટનો સિધ્ધાંત,નિર્વિકલ્પ-સમાધિમાં સમાય છે
અને તે સ્થિતિ જીવતા છતાં પાષાણની જેમ,નિઃસંકલ્પ અને નિર્વિકાર રહેવાની છે,
માટે કર્તવ્ય-પરાયણ થઈને હવે એ બાબતમાં મૌન જ ધારણ કરવું યોગ્ય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE