Jan 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1040



ત્રીજો પદાર્થ,બ્રહ્માંડના ઉપરનો ભાગ હતો,કે જે છેટે હોવાથી બરાબર દૃષ્ટિમાં ના આવે તેવો 'સૂક્ષ્મ' હતો.
ચોથો પદાર્થ,તો અનંત બ્રહ્મની જેમ ચોતરફ પ્રસરી રહેલ 'નિર્મળ આકાશ' જ હતું.
તે નિર્મળ આકાશ,છેટેછેટે રહેલા બ્રહ્માંડના નીચેના અને ઉપરના ખંડના 'વચલા-ભાગ'માં રહેલું હતું.
આ ચારે પદાર્થો સિવાય બીજું કશું ત્યાં જોવામાં આવતું નહોતું.

રામ કહે છે કે-બ્રહ્મલોકની બહાર શું છે? તેને આવરણ કેટલાં છે? અને કેવી રીતે રહેલ છે?

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્માંડ-ખંડની બહાર તેનાથી દશગણું જળ રહ્યું છે અને તે જળ,
અનંત એવા બ્રહ્માંડના સંધિમાં રહેલા બંને (ઉપર-નીચેના) આકાશને છોડી દઈ માત્ર બહાર જ ફેલાઈ રહ્યું છે.
એ જળ પછી,તેનાથી દશગણું તેજ રહેલું છે કે જે જ્વાળા (અગ્નિ)-રૂપ છે.
એ તેજ પછી દશગણો નિર્મળ વાયુ રહ્યો છે કે જે જળની જેમ જ પવિત્ર કરનાર છે.
એ વાયુ પછી તેનાથી દશગણું આકાશ રહ્યું છે કે જે અતિસ્વચ્છ,નિર્મળ બ્રહ્માકાશ (શબલબ્રહ્મ) રૂપે રહેલ છે.

"એ શબલબ્રહ્મના આવરણવાળા 'સ્વરૂપ-રૂપી-આકાશ'ની અંદર અનેક જાતના આવરણો છે કે જે એકબીજાથી દુર છે
અને અનંત છે" એમ બીજાં તંત્રોમાં બતાવ્યું છે.તંત્રકારોએ એકબીજાની સાથે સંવાદ (ચર્ચા) કરીને,
પરસ્પર પોતાની બુદ્ધિ પ્રમાણે તેની 'કલ્પનાઓ' કરી કાઢી છે.

રામ કહે છે કે-હે મહારાજ,બ્રહ્માંડના ઉપર-નીચે (બંને) ભાગમાં એકબીજાથી ઉત્તરોત્તર દશગણો વધારે વિસ્તાર છે,
તો મોટા આકારને ધારણ કરી રહેલું જળ આદિ-શી રીતે રહેલું છે?કોને તેને ધારણ કરી રાખેલું છે?

વસિષ્ઠ કહે છે કે-જેમ,વાંદરીનાં બચ્ચાં,પોતાની માતાના પેટને વળગી રહે છે,તેમ પાર્થિવ પદાર્થોના આધારભૂત અને
કમળના પત્ર જેવો બ્રહ્માંડ-ખંડનો જે પાર્થિવ ભાગ છે,તેને આધારે જ બીજા બધા પદાર્થો રહેલા છે.
બ્રહ્માંડ-રૂપી શરીરની અંદર જે જે પદાર્થો તેની નજીક રહેલા છે,તેઓ તેમના પરસ્પર એકબીજાના આકર્ષણથી જ
રહેલા છે.જેમ તરસ્યાં મનુષ્ય જળ તરફ ખેંચાય છે,તેમ,તેઓ એકબીજા તરફ આકર્ષાય છે.એવી જ રીતે
તૈજસ-આદિ પદાર્થો પણ એ બ્રહ્માંડની અંદર આકર્ષાઈને રહેલા છે.જેમ,હાથ-પગ આદિ અવયવો પોતાની સ્થિતિને
છોડતા નથી તેમ,એ સર્વ પદાર્થો પોતપોતાની સ્થિતિ છોડતા નથી.

રામ કહે છે કે-બ્રહ્માંડના બંને (ઉપર-નીચેના) ખંડ શી રીતે રહ્યા છે?તેનો શો આધાર છે?શો આકાર છે?
કોણે તેને ધારણ કરી રાખેલ છે? અને છેવટે તેનો નાશ શી રીતે થાય છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE