વીજળીઓના સમૂહની જેમ,ચળકાટ કરતાં 'ત્રણ નેત્રો' વડે તેનું મુખ પ્રકાશિત થઇ રહેલું દેખાતું હતું.
તેને પાંચ મુખ,દશ હાથ હતા અને હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું હતું.જો કે તે રૂપ ચાલતું આવતું હતું
તેમ છતાં જાણે આકાશની અંદર ચારે બાજુ તે પોતાના આકારને ફેલાવી રહ્યું હોય તેમ લાગતું હતું.
અને જાણે આકાશ જ ઘનશ્યામ દેહને ધારણ કરી,મૂર્તિમાન થઇ ગયું હોય એવું તે જણાતું હતું.
રામ કહે છે કે-હે મહારાજ,રૂદ્રનો એવો આકાર કેમ હતો?તેમનું રૂપ કાળું અને ભયંકર કેમ હતું?
તેમની આકૃતિ એવડી મોટી કેમ હતી?તેમને પાંચ મુખ,દશ હાથ અને ત્રણ નેત્ર કેમ હતાં? તે ક્યાં રહે છે?
તેમને એવું રૂપ ધારણ કરવાનું પ્રયોજન શું હતું? અને કોની પ્રેરણાથી તેમને એ રૂપ લેવું પડ્યું?
એ રૂપ લઈને તેમણે શું કામ કર્યું? અને તેમણે એ રૂપ ગ્રહણ કર્યું ત્યારે તેમની છાયા-રૂપ-માયા
કેવા આકારમાં રહી હતી? આ બધા વિષે આપ મને કહો.
વસિષ્ઠ કહે છે કે-સમષ્ટિ-રૂપે 'એક અહંકાર'ને ધારણ કરી,તે અહંકારની ઉપાધિને લીધે,
એ પરમેશ્વર 'રુદ્ર'ના નામે કહેવાય છે.વ્યષ્ટિ-રૂપે તે 'અનેક-અહંકાર' વાળા (શિવ-શંકર વગેરે નામે) છે.
મારી દૃષ્ટિથી દેખાયેલું તેમનું સ્વરૂપ (રુદ્રની આકૃતિ) એ જોકે શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે.
તેમનો વર્ણ,તત્વ અને પ્રકાશમયતા પણ ચિદાકાશ-રૂપ છે.અને એ રુદ્ર સર્વના 'આત્મા-રૂપ' છે.
તે સર્વમાં વ્યાપીને રહેલા છે,એથી તેમનો આકાર વિશાળ કહેવામાં આવ્યો છે,
પ્રત્યેક શરીરમાં રહેલી અહંકારની પાંચ જ્ઞાનેન્દ્રિયો,એ તે અહંકાર-રૂપ રુદ્રના પાંચ મુખ-રૂપ છે.
પંચ કર્મેન્દ્રિયો અને તેના પાંચ વિષયો,એ તે રુદ્રની પાંચ ભુજા (હાથ) રૂપે કહેવાય છે.
જયારે (મહાપ્રલયમાં) બ્રહ્માએ અહંકારનો ત્યાગ કર્યો અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઇ ગયા,
ત્યારે સર્વ કાર્યમાત્રનો લય થઇ જતાં જે એકમાત્ર કારણ-રૂપ અંશ જ અવશેષ રહે છે તે,રુદ્રનું સ્વરૂપ છે.
એટલે આગળ મેં,તેમની જે આકૃતિ વર્ણવી,તે વસ્તુતઃ નથી,છતાં ભાવનાના બળથી ઉપાસકોને
પોતાની વાસના પ્રમાણે ભ્રાંતિથી તેમનો મૂર્તિમાન આકાર (કાળો-ભયંકર-વગેરે) દેખવામાં આવે છે.
એ મહાસમર્થ રુદ્ર,ચિદાકાશની અંદર રહેલા વિશાળ આકાશ (અવ્યાકૃત) ની અંદર તેમ જ
સર્વ પ્રાણીઓના દેહની અંદર નિરંતર 'પવન' (વાયુ કે શક્તિ)ની જેમ રહે છે.
જયારે પ્રલયકાળમાં સર્વ પ્રાણીમાત્ર તે (પવન) નો ત્યાગ કરી દે છે,ત્યારે તે ક્ષણમાત્રમાં
ક્ષોભ પામીને ક્ષીણ થઇ જાય છે અને ચિદાકાશરૂપ ધારણ કરી લઈને પરમ શાંતિને પામે છે.