Jan 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1037




ચિદ્રુપ આત્મા જ સદા સત્ય છે અને તે નામરૂપાત્મક પ્રપંચની પહેલાં,
નિત્યસિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને જ અનુભવે છે,પછી વાસનાના કારણરૂપ
'આતિવાહિક-દેહ'ને દેખે છે અને પછી જ આ દેહ-આદિ ભ્રાંતિના વડે જોવામાં આવે છે.
વાસનાનો ક્ષય થતાં આતિવાહિક દેહનો ક્ષય થઇ જઈ દૃષ્ટા-દર્શન-દૃશ્ય એ ત્રિપુટી-રૂપી રોગ નાશ પામે છે.
પણ જો એ વાસનાનું અસ્તિત્વ હોય તો આ 'સંસાર-રૂપી-પિશાચ'નો ઉદય થાય છે.

પ્રથમ તો તે બ્રહ્મને 'એકોહમ બહુ સ્યામ' (હું એકમાંથી અનેક બનું) એવો સંકલ્પ  સ્ફુરે છે,
પછી જગતને આકારે તે ઉદય પામે છે,ત્યાર પછી ત્રિપુટી (દૃષ્ટા-દર્શન-દૃશ્ય)ની પ્રતીતિ થતાં વાસના ઉત્પન્ન
થાય છે કે જે વાસના સંસાર-રૂપી-ભ્રમને પેદા કરે છે અને તે વાસનાની નિવૃત્તિ એ મોક્ષ છે.એમ તમે સમજો.
વિચાર કરવામાં આવે તો,વસ્તુતઃ તે વાસના પરબ્રહ્મમાં હોવી અસંભવિત છે,ને ઉત્પન્ન થયેલી જ નથી.
અને અધ્યારોપની દૃષ્ટિએ એને ઉત્પન્ન થયેલી માનવામાં આવે તો પણ જ્ઞાનથી તે સત્ય-પરબ્રહ્મ-રૂપ જ છે.

હે રામચંદ્રજી,આવી જાતનું જ્ઞાન થવું તેને જ વિદ્વાનો નિર્વાણરૂપ સમજે છે
અને આ સંબંધમાં ખરું સત્ય ના સમજાતા જે અજ્ઞાન રહ્યા કરે છે,તે જ બંધરૂપ છે એમ તમે સમજો.
તમે વાસનાનો ક્ષય કરી નાખો અને અનાદિ-અનંત પરબ્રહ્મ-રૂપ થઈને રહો.અને આમ તમે
નિઃશંક અને બંધથી રહિત થઈ તથા આકાશના જેવા શુદ્ધ,નિર્વિકાર અને વિશાળ ચિત્ત-વાળા થાઓ.

(૮૦) પ્રાકૃત પ્રલયનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-આમ,ત્યાં આવેલા તે સર્વ બ્રહ્મલોકવાસીઓ ત્યાંથી અદૃશ્ય થઇ ગયા.બ્રહ્માનો દેહ શબલબ્રહ્મ સાથે
એકતા પામી ગયો એટલે મહાપ્રજ્વલિત બાર સૂર્યો,જગતની જેમ જ બ્રહ્મલોકને બાળવા લાગ્યા.
બ્રહ્મલોકને બાળી નાખીને તેઓ પણ બ્રહ્મની જેમ ધ્યાનાવસ્થિત થઇ ગયા અને નિર્વાણ પામ્યા.

પછી,જેમ રાત્રિનું અંધારું આખી પૃથ્વીમાં ફેલાઈ જાય છે તેમ,મોટા તરંગવાળું મહાસમુદ્રનું એક પૂર બ્રહ્મલોકમાં પણ
ફેલાઈ ગયું.આમ,ભુલોકથી ઠેઠ બ્રહ્મલોક સુધીનું આખું જગત (બ્રહ્માંડ) જળ વડે પુરાઈ ગયું.
પ્રલયકાળના સર્વ મેઘો,પર્વતો અને આકાશચારી દેવતાઓ સાથે અથડાઈને શિથિલ થઇ,જળમાં લીન થઇ ગયા.

તે વખતે,મેં પાછી આકાશ તરફ દૃષ્ટિ કરી આકાશમાંથી પ્રગટ થયેલું કોઈ મહાભયંકર-રૂપ મારા જોવામાં આવ્યું.
એને જોઇને પ્રથમ તો હું ભયભીત થઇ ગયો.જાણે પ્રલયકાળનું કોઈ મહાજગત હોય તેવો તેનો આકાર વિશાળ હતો.
ઠેઠ સૃષ્ટિના આરંભકાળથી પ્રલયકાળ સુધીની બધી રાત્રિઓનું અંધારું એકઠું થઈને,મૂર્તિમાન દેહધારી થઈને ઉભું હોય
તેવું તે અતિ કાળા  રંગનું દેખાતું હતું.અને વિશાળતાથી આકાશને પૂર્ણ કરી રહ્યું હતું.(રુદ્રનું વર્ણન છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE