Jan 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1033

સુવર્ણના જેવી ચળકાટ મારતી વીજળીઓ વડે એ પ્રલયકાળનો મેઘ,જડતાને લીધે અચળતાનો ભાવ દેખાડતો હતો.
પછી બ્રહ્માંડને ફોડીને કઠિન-રૂપે બહાર આવતી,આકાશમાં ચારે તરફ ફેલાઈ રહેલી અને સહુ પ્રથમ ઝાકળ-રૂપે
વરસનારી, 'વૃષ્ટિ' નીચે પડવા લાગી.તે વૃષ્ટિ વીજળીઓના ઝબકારાઓથી ભયંકર દેખાતી હતી
અને તેના પ્રસરી રહેલા ગડગડાટના અવાજથી આખું બ્રહ્માંડ જાણે ગાજી રહ્યું હોય એમ જણાતું હતું.
વળી શીતબિંદુ-રૂપી અને ઝાકળ-રૂપી ભીંત વડે આખું આકાશ બંધાઈ ગયું હોય તેમ દેખાતું હતું.

પછી અત્યંત સ્થૂળ એવી ધારાઓની વૃષ્ટિને લીધે પર્વતો જાણે ટંકાતા હોય એમ ભાસતું હતું.
એ વૃષ્ટિને લીધે,પૃથ્વી પરના અંગારાના સમૂહો,ચડ્ચડાટનો અવાજ કરી ફાટતા હતા અને તેનો મોટો અવાજ થતાં
અનેક લોકો પૃથ્વી પર પડી જતા હતા.અંગારાવાળા જગત-રૂપી ઘરની અંદર વિલાસ કરી રહેલી એ વૃષ્ટિના જળથી
અગ્નિ વિનાની થઇ રહેલી પૃથ્વીની બાષ્પ ફેલાઈ રહી હતી.

(૭૭) પ્રલયના મેઘનું ફરીથી વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી પ્રલયકાલના સમયે પૃથ્વી,જળ,તેજ અને વાયુ-
એ સર્વનો ક્ષોભ થવા માંડતા ત્રણલોકની શી સ્થિતિ થઇ હતી,તે વિષે હું કહું છું તે તમે સાંભળો.
અનરાધાર વરસાદ વરસાવનારાં પ્રલયકાળનાં વાદળાં આકાશમાં બહુ ઘટ્ટપણાને પામ્યાં હતાં,
તેથી સૂર્યોના કિરણોનો સમૂહ ઢંકાઈ ગયો હતો અને સર્વ ઠેકાણે (ત્રૈલોક્યમાં) અંધકાર પથરાઈ રહ્યો હતો.

કર્ણ-કટુ (કાનને ના ગમનાર) શબ્દ કરનારાં,પ્રલયકાળનાં વાદળાં-રૂપી-હાથોને,બ્રહ્માંડ-રૂપી-વક્ષ:સ્થળમાં
પછાડી,આખું ત્રિલોક,સમુદ્રની અંદર પોતાનું સર્વ ડૂબી જતાં,જાણે છાતી કુટી રોતું હોય તેમ જણાતું હતું.
ખંડ-ખંડ થઇ જઈ,આકાશમાં ઉડ્યા કરતા,પોતાના સ્વભાવ પ્રમાણે અંતરીક્ષમાં રહેલા,પરસ્પર મિશ્ર થઇ રહેલા,
અને નીચેના ભાગમાં જળના સ્પર્શથી રહિત,સ્વર્ગ-પાતાળ-ભૂલોક વડે,આખું આકાશ વીંટાઈ રહેલું હતું.

જેમ,પાણીમાં તૃણના ઢગલાઓ તરે છે તેમ,પૃથ્વી પર ઉભરાઈ રહેલા સમુદ્રોમાં દ્વીપો તરી રહ્યા હોય તેમ દેખાતા હતા.
વૃષ્ટિથી શાંત થયેલા અગ્નિમાંથી ભસ્મની ગંધ ઉત્પન્ન થઇ હતી.'પહેલાં અહીં ચરાચર જગત હતું' એવો
વિચાર પણ ના આવી શકે તેવું મહાભયંકર-જીવ વિહીન ખાલી જગત દેખાતું હતું,
સૃષ્ટિનો ક્ષય થઇ જતાં,ક્રમે કરી સર્વત્ર શાંતિ પથરાઈ રહી હતી.
જો કે -વસ્તુતઃ પરમાર્થ-દૃષ્ટિએ જોતાં તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા,અને સૃષ્ટિ કે લય કશું થયું નહોતું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE