Jan 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1030

એ જ પ્રમાણે વિરાટપુરુષની જુદી ઇન્દ્રિયો પણ માનવાની કશી જરૂર નથી.કેમ કે તે પોતે જ ઇન્દ્રિયરૂપ છે.
અને આપણામાં પણ ઈન્દ્રિયોનું જે અસ્તિત્વ છે તે એની કલ્પના વડે જ છે.
વળી, અવયવ અને અવયવી-રૂપે રહેનાર ઇન્દ્રિય અને ચિત્ત-એ બેમાં જરા પણ ભેદ નથી,
જાણે એક જ શરીર-વાળાં હોય તેમ તે બંને પરસ્પર જોડાઈ રહેલાં  છે.
જગતનાં જે જે કાર્યો થતાં દેખાય છે,તે સર્વ તે વિરાટપુરુષનાં કાર્ય-રૂપ જ છે કેમ કે એ વિરાટપુરુષના સંકલ્પો
જ વ્યષ્ટિ-રૂપે રહેલા સર્વ પુરુષોરૂપે પરસ્પર ભેદનું આરોપણ કરી લઇ સર્વ વ્યવહારને આકારે થતા દેખાય છે.

સમષ્ટિરૂપી જગતમાં જન્મ-મરણ તે જ એ વિરાટપુરુષનાં જન્મ-મરણરૂપ છે,પરંતુ આપણા વ્યષ્ટિ-દેહનાં જન્મ-મરણ
એ કાંઇ વિરાટના જન્મ-મરણરૂપ નથી.કેમ કે એ વિરાટ-પુરુષ જ આ જગતની અંદર સમષ્ટિ-રૂપે રહેલ છે અને આપણા
સંકલ્પ-રૂપ પણ તે જ છે,બીજો કોઈ નથી.
વિરાટપુરુષની સત્તા વડે જ આ જગતની સત્તા છે અને વિરાટપુરુષના અભાવથી જગતનો પણ અભાવ થાય છે.

જેમ પવન અને તેની ચલનશક્તિની સત્તા એક જ છે,
તેમ,વિરાટપુરુષ અને જગત એ બંનેની સત્તા પણ એક જ છે.અને જે વિરાટ છે તેને જ જગત-રૂપે કહેવામાં
આવે છે.જગત,બ્રહ્મા અને વિરાટ -એ સર્વ શબ્દો એકબીજાના પર્યાયવાચક છે.
અને તે સર્વ શુદ્ધ ચિન્માત્ર-રૂપે રહેનારા પરમાત્માના સંકલ્પમાત્ર જ છે.

રામ કહે છે કે-ચિદાકાશરૂપ બ્રહ્મા જ પોતાના સંકલ્પબળથી વિરાટરૂપ આકારને ધારણ કરી રહેલ છે,
એમ ભલે કહો,પરંતુ એ બ્રહ્મા જ પોતાના દેહની અંદર શી રીતે રહી શકે છે?

વસિષ્ઠ કહે છે કે-જેમ,તમે પોતે તમારા પોતના દેહની અંદર ધ્યાન વડે યથાસ્થિત રહી શકો છો,
તેમ,સંકલ્પરૂપ બ્રહ્મા પણ પોતાના દેહની અંદર રહ્યા છે.
વિવેકી પુરુષો,પોતાના દેહના હૃદય-દેશમાં લિંગ-શરીર-રૂપ જીવનો અનુભવ કરે છે અને તેનું સ્વરૂપ,ઉત્પન્ન થયેલા
તે તે દેહની જેમ પરિમિત આકારવાળું તથા દર્પણમાં પડેલા પ્રતિબિંબ જેવું આભાસરૂપ દેખાય છે.

તમે પોતે પણ તમારા દેહની અંદર સારી રીતે સ્થિતિ રાખવાને શક્તિમાન છો,
તો મહાસમર્થ અને ચિદાકાશના સંકલ્પરૂપ એ બ્રહ્મા પોતાના શરીરમાં સ્થિતિ રાખી શકે નહિ?

જો સ્થાવર વૃક્ષ-આદિ પોતાના બીજ-રૂપી-દેહની અંદર રહી શકે છે,અને જંગમ જીવો પોતાના દેહની અંદર રહી શકે છે,
તો ચિદાકાશમાં કલ્પના-રૂપ-ખડા થયેલા સર્વશક્તિમાન બ્રહ્મા પોતાના દેહમાં કેમ ના રહી શકે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE