આ અહંભાવ-રૂપી પિશાચ છે જ નહિ,છતાં અજ્ઞાન-રૂપી-બાળકે તેને કલ્પી લીધેલ છે.અને અજ્ઞાનને લીધે જ તે સ્થિર થઈને રહ્યો છે.જેમ,કોઈ વિચારશીલ પુરુષ હાથમાં દીવો લઈને અંધારાના સ્વરૂપને શોધવા બેસે,તો તેને અંધારું દેખાતું જ નથી,તેમ, વિવેકી પુરુષ તત્વ-દૃષ્ટિવડે અજ્ઞાનના સ્વરૂપને શોધવા બેસે તો તેને દેખાતું જ નથી.આ લોકમાં અજ્ઞાન-રૂપી-પિશાચના સ્વરૂપ વિષે જેમ જેમ વિચાર કરવામાં આવે અને તત્વ-દૃષ્ટિથી તેનું અવલોકન કરવામાં આવે,તેમ તેમ,તે (અજ્ઞાન-રૂપી-પિશાચ) પ્રલયને પ્રાપ્ત થઇ જાય છે.
કેવળ બુદ્ધિની એક ભ્રાંતિ-રૂપ જ,અજ્ઞાન પણ "અવિદ્યા" (માયા)ને લીધે જ નિત્ય પ્રગટ થાય છે.
અને જો સૃષ્ટિ હોય તો જ અવિદ્યા સંભવે છે,બીજી કોઈ રીતે અને કોઈ કાળે તે (અવિદ્યા) સંભવતી નથી.
આ સૃષ્ટિ અજ્ઞાની પુરુષોને વિદ્યમાન-રૂપે જોવામાં આવે છે,પણ પ્રથમ તો તે સૃષ્ટિ આકાશના વૃક્ષની જેમ,
"કારણ"ના અભાવે ઉત્પન્ન જ થઇ નથી એટલે તે વિદ્યમાન જ નથી.પરમ-શુદ્ધ-ચિદાકાશની અંદર
નિર્વિકાર એવી આદ્ય-સૃષ્ટિમાં જ આ પૃથ્વી-આદિ-જગતને ઉત્પન્ન થવાનું શું "કારણ" હોય?
તે પરબ્રહ્મ,મન અને સર્વ ઇન્દ્રિયો વડે અગમ્ય અને નિરાકાર છે,તો મન અને ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય એવી આ સાકાર સૃષ્ટિનું શું કારણ તે કેમ થઇ શકે? બીજ-રૂપી-કારણમાંથી અંકુર પેદા થાય છે,પરંતુ જ્યાં બીજ જ ના હોય તો અંકુર ક્યાંથી પેદા થાય? કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી જ નથી.
આકાશની અંદર સંકલ્પ વડે જે કંઈ આકાર જોવામાં આવે છે તે,
તે સંકલ્પ જ તેવા આકારે થઇ રહ્યો છે-એમ જાણવું,બાકી વાસ્તવિક-રૂપે તે (આકાર) એ કોઈ જુદો પદાર્થ નથી.
જેમ,આકાશની અંદર વૃક્ષ-એ શૂન્ય-રૂપ છે (આકાશમાં વૃક્ષ હોઈ શકે નહિ) છતાં સંકલ્પથી જ દેખાય છે,
તેમ,સૃષ્ટિના આદિ-કાળમાં જ આ સૃષ્ટિની પ્રતિબંધ વિનાની જે પ્રત્યક્ષ સ્થિતિ અનુભવવામાં આવે છે તે પણ ચિદાકાશની અંદર અનુભવવામાં આવે છે,પણ વસ્તુતઃ તે ચિદાકાશની અંદર શૂન્ય-રૂપ છે (તે સૃષ્ટિ હોઈ શકે નહિ)છતાં તે સંકલ્પ વડે જ દેખાય છે. નિરાકાર ચિદાકાશ જ સર્વના આત્મા-રૂપ-ચૈતન્ય (ઈશ્વર) છે,
અને તે જ પોતાની ચૈતન્ય-સત્તાને લીધે,પોતાના સ્વરૂપની અંદર સૃષ્ટિ-રૂપે વિવર્ત-ભાવથી થઇ રહેલ છે
આ બાબતમાં સ્વપ્ન-સૃષ્ટિનું દૃષ્ટાંત છે.સ્વપ્નની અંદર પોતાની મેળે જ સંકલ્પ સ્ફુરે છે
અને એ સંકલ્પ જ જુદાજુદા આકારો-રૂપે સ્વપ્નમાં દેખાય છે.આમ,જેમ સ્વપ્નની અંદર,
ચૈતન્યસ્વરૂપ અંતરાત્માના સ્વરૂપમાં જ સંકલ્પ જ જાણે સ્વપ્ન-સૃષ્ટિ-રૂપ થઇ રહ્યો હોય એમ લાગે છે,
તેમ,જાગ્રતમાં પણ સૃષ્ટિ નહિ હોવા છતાં પણ સંકલ્પ જ જાણે જાગ્રત-રુષ્ટિ-રૂપે થઇ રહેલો હોય તેવું લાગે છે.
આવી જ રીતે સૃષ્ટિ થયા પહેલાં (પૂર્વ કાળમાં-કે-સંકલ્પ પહેલાં) મહા-ચિદાકાશ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ હતું.
અને દૃષ્ટા-દર્શન-દૃશ્ય આદિથી રહિત,નિર્વિકાર તે શુદ્ધ પરમ-તત્વ અમારા મત પ્રમાણે,પોતે વિકાર ના પામવા છતાં વિવર્ત-ભાવથી (સંકલ્પથી) જ સૃષ્ટિ-રૂપે થઇ રહેલું છે,વસ્તુતઃ અહી કોઈ સૃષ્ટિ થઇ જ નથી.