Dec 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1027

વસિષ્ઠ કહે છે કે-આ જ ક્રમ પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ,શિવ ઉત્પન્ન થાય છે અને બાકી જીવ-સૃષ્ટિ પણ ઉત્પન્ન
થાય છે.બાકી તત્વ-દૃષ્ટિએ જોતાં,કશું ઉત્પન્ન થતું નથી.બ્રહ્મ શૂન્ય છે અને તે પોતાના શૂન્ય-સ્વરૂપની
અંદર યથાવત જ રહે છે.પણ વિવર્ત-ભાવથી ભ્રાન્તિને લીધે જ તે અમુક આકારે પ્રતીતિમાં આવે છે.
કાર્ય-માત્રના કારણ-રૂપ,કાળ-ક્રિયા-આદિને નિયમમાં રાખનાર અને સર્વના આદિ-રૂપ-પરમપુરુષ,
આ રીતે પોતાની મેળે (તત્વ-દૃષ્ટિથી) ઉત્પન્ન થતા નથી છતાં,અધ્યારોપ-દૃષ્ટિએ જાણે ઉત્પન્ન થયેલા દેખાય છે.

એ ચિન્મય (ચૈતન્ય) પુરુષનો દેહ પંચભૌતિક નથી,તેના શરીરમાં હાડકાં-વગેરે પણ નથી.તેથી તેને કોઈ મારી
શકતું નથી.તે ચિન્મય પુરુષ પ્રપંચ-રૂપે પ્રતીતિમાં આવે છે,છતાં તે પ્રપંચ-રહિત-સ્વ-સ્વરૂપમાં જ રહેલ છે.
જેમ,જાગી ગયેલા પુરુષને જયારે સ્વપ્નનો અનુભવ સ્મરણમાં આવે છે ત્યારે તે અત્યંત અસત્ય પણ જણાતો નથી
કે અત્યંત સત્ય પણ જણાતો નથી,તેમ,આ દૃશ્ય-પ્રપંચ પણ સદ્રૂપ કે અસદ્રૂપછે,એમ એકેય રીતે કહી શકતો નથી.

આમ તે અનિર્વચનીય રીતે રહેલો છે.એ ચિન્મય-વિરાટ-પુરુષની અંદર સર્વ પ્રપંચ 'માયા-માત્ર' છે.
તેથી તે મહાન આકારવાળો દેખાય છે અને લાખો યોજન સુધી વિસ્તરેલો જણાય છે.તો તેમ છતાં તે સૂક્ષ્મ પરમાણુની
અંદર પણ રહેલો છે અને તેના એક રૂંવાડામાં (અણુમાત્રમાં) ત્રણે લોકો સમાયેલા છે.
એ જ ચિન્મય-પુરુષ 'સ્વયંભૂ' કહેવાય છે અને 'વિરાટ' પણ તેને જ કહેવામાં આવે છે.
બ્રહ્માંડના આત્મા-રૂપ પણ એ જ છે ને જગત તેના દેહ-રૂપ પણ છે.

'સનાતન' પણ તે જ કહેવાય છે.'રુદ્ર' -સંજ્ઞા પણ તેની જ છે,ને ઇન્દ્ર,પવન,મેઘ વગેરે તેના દેહ-રૂપ છે.
આમ,પરમ-પુરુષ ચિદાત્મા પ્રથમ પોતાના સ્વરૂપને વિવર્ત-રૂપે પ્રસારે છે અને પછી ચિત્ત-રૂપ થઇ જઈને
ક્રમે કરીને વિશાળ આકારને ધારણ કરે છે અને પોતાને જ 'હું બ્રહ્માંડ-રૂપ છું' એમ સમજે છે.
તેમાં પવન-રૂપી જે સ્ફુરણ ઉઠે છે,તેને સ્ફૂર્તિને લીધે 'સ્પંદ' કહેવામાં આવે છે.
એ વિરાટ-પુરુષના પ્રાણ (પવન) ની સ્ફૂર્તિ (શક્તિ) જ બ્રહ્માંડ-રૂપી આકાશની 'વાત-સ્કંધ' રૂપે રહેલ છે.
(જેમ આપણા શરીરમાં પ્રાણ-અપાનનું સ્ફુરણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે તેમ,તે વિરાટના બ્રહ્માંડ-રૂપી
શરીરના આકાશની અંદર જે પવન (વાયુની શક્તિ) રહેલ છે તેને 'વાત-સ્કંધ' કહેવાય છે)

બાળક,જેમ પોતાના મન વડે પિશાચને કલ્પી લે છે,તેમ,એ વિરાટ-પુરુષે પોતાના મન વડે 'તેજ'ના કિરણને
કલ્પી લીધેલ છે,એટલે તે તેજ-કિરણ મિથ્યા હોવા છતાં સૂર્ય-ચંદ્ર-આદિના સ્થાન-રૂપ થઇ રહેલ છે.
વિરાટ-પુરુષના ઉદરમાં ઉદય પામેલા પ્રાણ-અપાનના પરાવર્તન-રૂપી-હીંડોળાને 'વાત-સ્કંધ' કહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE