Dec 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1026



ચિદ-રૂપ-જીવને પોતાના સ્વરૂપની અંદર સહુ પ્રથમ (પ્રતિભાસથી) 'શબ્દ-તન્માત્રા' જ અનુભવમાં આવે છે.
એ શબ્દ-તન્માત્રા એ 'આકાશ' નો ગુણ છે તેથી તે આકાશ-રૂપ છે.
ચિદ્રુપ જીવને આભાસ-રૂપે પ્રતીતિમાં આવતું આકાશ જ ઘટ્ટ ભાવને પ્રાપ્ત થઇ જઈ સ્થૂળ-દેહરૂપે દેખાય છે.
અને તેની અંદર રૂપ-આદિ વિષયના અનુસંધાનને લીધે પાંચ ઇન્દ્રિયો પણ ઉદય પામે છે.
આમ,દૃશ્ય-શબ્દ-આદિ વિષયોમાં ચિદ્રુપ-જીવનું અનુસંધાન વારંવાર અનુભવરૂપે વૃદ્ધિ પામ્યા કરે છે અને
તે તે વિષયો-રૂપી કાર્યો થવાથી તેનો અનુભવ -એ 'બુદ્ધિ' (જ્ઞાન) રૂપે પણ કહેવામાં આવે છે.

સંકલ્પ-વિકલ્પ આદિ કાર્યને યોગે તે 'મન'રૂપ કહેવાય છે.
'અમુક હું છું અને અમુક મારું છે' એવા અભિમાનનો ઉદય થતાં તે જ 'અહંકાર' કહેવાય છે.
આવી રીતે તે ચિદ્રુપ જીવ પોતે જ પોતાની મેળે દેશ-કાળ-દિશા-આદિ પરિમાણનો અંગીકાર કરી લે છે.
તેને પ્રથમ જે શબ્દ-આદિ વિષયનું જ્ઞાન થાય છે તે કાળ પછીના કાળની (ઉત્તર-કાળની) અપેક્ષાએ,
પૂર્વ-કાળ કહેવાય છે.અને જેમ,જે પ્રદેશ,બીજા પ્રદેશ કરતાં ઉપરના ભાગમાં હોય છે,તે નીચેના પ્રદેશની અપેક્ષાએ
ઉર્ધ્વ પ્રદેશ કહેવાય છે તેમ,એ ચિદ્રુપ-જીવ (પોતે જ્યાં હોય છે-ત્યાંથી) પ્રદેશ (ઉપર-નીચે) અને દિશાઓનાં
(ઉત્તર-પૂર્વ-વગેરેનાં) નામો પણ ક્રમે કરીને કલ્પી લે છે.

જો કે એ ચિદ્રુપ જીવ (ચૈતન્ય-ભાવથી) આકાશના જેવું  અસંગ અને નિરાકાર છે,તો પણ વિવર્ત-ભાવથી
દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-રૂપે પ્રતીતિમાં આવે છે. આમ એ જીવ પોતે ચિદાકાશ-રૂપ છે,છતાં,ચિદાકાશ-રૂપે સર્વત્ર
પ્રસરી રહેલા પોતના અનુભવ વડે,પોતાની ચિત્ત-સત્તાના વિવર્તને લીધે આતિવાહિક દેહ-રૂપ થઇ જાય છે.
એ ચિદ્રુપ-જીવ ઘણા લાંબા કાળની ભાવના વડે પોતાના સ્વરૂપને તે 'પોતે આધિભૌતિક-દેહરૂપ છે' એમ
પૂર્ણ નિશ્ચયથી માની લે છે.અને પોતાના ચિદાકાશ-રૂપમાં કલ્પિત ભ્રાંતિ-જાળ વિવર્ત-રૂપે પાથરી દે છે.

આકાશની જેમ અસંગ અને નિરાકાર એ જીવાત્મા પોતાના માની લીધેલ દેહની અંદર કોઈ જગ્યાએ
મસ્તકની,કોઈ જગ્યાએ ચરણની અને કોઈ જગ્યાએ છાતી-આદિ અવયવોની કલ્પના કરે છે.
વળી કોઈ જગ્યાએ તે ગ્રહણ,ત્યાગ,ભાવ,અભાવ-આદિ શબ્દ અને તેના અર્થની કલ્પનાને કલ્પી લે છે.
એ ચિદ્રુપ જીવ કોઈ ઠેકાણે દેશ-કાળ આદિ સાથે જડાઈ ગયેલ અમુક આકારને કલ્પે છે અને તે કલ્પના વિષય-રૂપે
તેને પોતાને અનુભવમાં આવે છે તથા ઇન્દ્રિયોના સમુહથી તેને જાણે છે.પછી તે જીવ,પોતાના મન વડે કલ્પી લીધેલા
પોતાના આકારને હાથ-પગ વગેરે બાહ્ય-અવયવવાળો અને મન-આદિ આંતર અવયવવાળો દેખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE