Dec 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1022






(૭૨) વાતસ્કંધે (વાયુએ) પોતાની સ્થિતિનો ત્યાગ કર્યો

વસિષ્ઠ કહે છે કે-વિરાટના આત્મારૂપ સ્વયંભૂ બ્રહ્મા જયારે પોતાના પ્રાણને સમેટવા લાગ્યા,
ત્યારે 'આકાશ'માં વાતસ્કંધની અંદર રહેલા 'વાયુ'એ ગ્રહ,નક્ષત્ર-વિમાન-આદિને અધ્ધર ધારણ
કરી રાખવામાં મર્યાદા-રૂપ એવી પોતાની સ્થિતિ મૂકી (છોડી) દીધી.વાતસ્કંધ (વાયુ) બ્રહ્માના 'પ્રાણ-રૂપ' છે,
એટલે એ વાતસ્કંધ જયારે પોતાની સ્થિતિને મૂકી દે,
તો પછી નક્ષત્રમંડળમાં બીજા કોણ,સર્વ ભૂતોને ધારણ કરનારી તે સ્થિતિ ધારણ કરી શકે?

આમ,પોતાના પ્રાણ-રૂપ-વાતસ્કંધને બ્રહ્માજીએ સમેટી લીધો,એટલે તેણે પોતાની મર્યાદા છોડી દીધી.અને,
નિરંતર એક સમાન-રૂપે રહેનાર બ્રહ્મામાં લીન થઇ જવા ક્ષોભ થવા લાગ્યો ત્યારે આકાશની અંદર રહેલા તારાઓ
નિરાધાર થઇ ગયા અને આકાશમાંથી નીચે પડવા લાગ્યા.જેમ લાકડું પૂરેપૂરું બળી ગયા પછી અગ્નિની જ્વાળા
શાંત થઇ જાય છે,તેમ,બ્રહ્માના સંકલ્પ-રૂપી લાકડું શાંત થઇ જવાથી સિદ્ધ લોકોની ગતિ પણ શાંત થવા લાગી.

હલકા રૂની જેમ આકાશમાં ફર્યા કરતા સિદ્ધ લોકોના સમુહોની 'શક્તિ' પ્રલયકાળના 'પવન'થી નાશ પામી,
એટલે તે સિદ્ધ લોકો પણ ચૂપચાપ નીચે પડવા લાગ્યા.મેરૂ પર્વતને ધરતીકંપનો આંચકો લાગ્યો તેથી,સંકલ્પમાત્રથી
ઉત્પન્ન થયેલા વૃક્ષોથી સુંદર દેખાતા મેરુપર્વતના શિખરો,ઇન્દ્ર-આદિનાં નગરો સાથે નીચે પડવા લાગ્યા.

રામ કહે છે કે-તે બ્રહ્મા અધિષ્ઠાનચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ-મનને રૂપે રહેલા છે
અને બ્રહ્માંડ એ એક તેમનું શરીર છે,તો  સંકલ્પમાત્ર-રૂપે રહેલા એ નિરાકાર બ્રહ્માના અવયવો કેમ સંભવે ?
અને કદાચ અઘટિત ઘટનાવાળી માયાને લીધે તેમ હોય,તો પણ ભૂલોક-સ્વર્ગલોક, તેના કયા અવયવ-રૂપ છે?
બ્રહ્માના એ બધા અવયવો કેવી રીતે રહ્યા છે? અને બ્રહ્મા પોતે એ વિરાટ-શરીરની અંદર કેવી રીતે રહ્યા છે?
બ્રહ્મા,પોતે સંકલ્પમાત્ર અને નિરાકાર છે ત્યારે આ જગત સાકાર-રૂપે રહેલું છે-આ સંબંધમાં આપ કંઈ કહો.

વસિષ્ઠ કહે છે કે-નિર્વિકાર પરમ 'ચિદાકાશ' દિશાઓરૂપી ખજાનામાં ભરપુર થઈને રહેલ છે અને તે જ પ્રથમ
સત્ય-રૂપે હતું,બાકી બીજું કાર્ય-કારણ-રૂપે જે કંઈ પ્રતીતિમાં આવે છે,તે કશું ન હતું.(અસત્ય હતું)
એ ચિદાકાશ પોતાના વાસ્તવ રૂપને છોડ્યા વિના નિર્વિકાર રહીને પોતાના સ્વરૂપને જ દૃશ્ય (જગત) રૂપે
જુદું સમજે છે.એ 'ચિદાકાશ',પોતાની ચેતન-સત્તાથી જ 'ચિદાભાસરૂપ' થાય છે.
એ ચિદાભાસ 'જીવ-રૂપ' છે અને તે દૃષ્ટા-દૃશ્ય-દર્શન-રૂપી ત્રિપુટીના મનનને લીધે ઘટ્ટ થઇ જઈ 'મન' કહેવાય છે.

જો કે આ બધી સ્થિતિ અધ્યાસના 'બળ'થી થાય છે ખરી,પણ તેમાં કશું'સાકાર-રૂપે' સત્ય રીતે થયું હોય તેમ નથી,
પરંતુ શુદ્ધ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર શુદ્ધ ચિદાકાશ-રૂપે પ્રથમ પ્રમાણે જ રહેલ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE