Dec 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1021









(૭૧) બ્રહ્માનો સંકલ્પ તથા તેથી થતો પ્રાણીઓનો પ્રલય

વસિષ્ઠ કહે છે કે-ભગવાન બ્રહ્માએ એ પ્રમાણે કહીને પદ્માસન વાળ્યું અને સમાધિમાં તત્પર થઇ ગયા.
તેમણે ॐ કારના ઉત્તરાર્ધની છેવટની અર્ધમાત્રાની અંદર,નિઃશેષ રીતે મનનો લય કરી દીધો.
અને જાણે ચિત્રની અંદર આલેખાયેલા હોય તેમ તે નિશ્ચળ તથા વાસના વિનાના થઇ ગયા.

તે વાસનાદેવી (વિદ્યાધરી) પોતે પણ બ્રહ્માને અનુસરી,બ્રહ્માની જેમ જ ધ્યાન-પરાયણ થઇ રહી,અને સંપૂર્ણ
અંશે શાંત અને આકાશના જેવા શૂન્ય-રૂપવાળી થઇ ગઈ.બ્રહ્મા જેમજેમ સમાધિ વડે નિઃસંકલ્પ  થઈને
ઉત્તરોત્તર સૂક્ષ્મ-ભાવને પ્રાપ્ત થવા લાગ્યા,તેમતેમ તેમનો સંકલ્પ પણ ક્ષીણ થવા લાગ્યો.
સર્વવ્યાપી ચિદાકાશની સાથે એકતાને પામેલો હું (વસિષ્ઠ) આ બધું જોવા પામ્યો હતો.

વિરાટના આત્મા-રૂપ રહેલા એ બ્રહ્માના એક અવયવના એક દેશ-રૂપે 'પૃથ્વી' રહેલી છે.
બ્રહ્માના સંકલ્પનો ઉદય ના થતાં એ પૃથ્વી પણ ચેતના વિનાની,રસ વિનાની અને જર્જર બની ગઈ હતી.
અને તે પૃથ્વી,એક સાથે ભેગા થઇ ગયેલા અનેક ઉત્પાતોના સમૂહ વડે વીંટાઈ ગઈ
અને તેની અંદરનાં મનુષ્યો દુષ્કર્મ-રૂપી અંગારાથી બળી જઈને નરકના માર્ગની સન્મુખ થઇ ગયાં.
સર્વ દેશોના સીમાડાઓ રસકસ વિનાના થઇ ગયા અને વસ્તુઓ તથા ઋતુઓના ધર્મો,પૃથ્વીમાંથી જતા રહ્યા.

આવી રીતે વિરાટ દેહનો આરંભ કરનાર 'પાર્થિવ-ધાતુ' ચૈતન્યમાં લીન થવા માંડ્યો,એટલે પૃથ્વી પોતાનો નાશ નજીક
આવી ગયેલો હોવાથી,ઘણે ભાગે છિન્નભિન્ન સ્થિતિને પ્રાપ્ત થઇ ગઈ.ત્યારે 'જળ-ધાતુ' પણ બ્રહ્માના
સંકલ્પ-ક્ષયથી શિથિલ થઈને લય પામવાને તૈયાર થઇ.તેને જયારે ક્ષોભ થયો ત્યારે સમુદ્રો પોતાના દૈવી નિયમને
અવગણીને અને પોતાની મર્યાદા છોડીને,પોતાના જળને ચોતરફ પ્રસારવા લાગ્યા.

જળ વડે પોતાના આશ્રય-રૂપ કાષ્ઠનો નાશ થશે,એવા ભયથી તેની અંદર નિગૂઢ-પણે રહેલા 'અગ્નિઓ' જાણે
શંકા-વાળા થયા હતા ને કાષ્ઠની અંદર જ આચ્છાદિત થઈ રહ્યા હતા.જવાળા-રૂપી જટાના આડંબરને ધારણ કરનારી
વિવિધ પ્રકારના ઉત્પાતની પંક્તિઓ,આકાશ,દિશા અને પૃથ્વીમાં ઉત્પન્ન થવા લાગી.
અને આમ પૃથ્વી-આદિ પંચમહાભૂતો,દેવ,દૈત્ય,પ્રાણીઓ,બ્રહ્માનો સંકલ્પ-ક્ષય થતાં ક્ષોભને પ્રાપ્ત થયાં.

પોતપોતાના અધિકારને જાળવી રાખનારો પોતાનો પ્રભાવ બ્રહ્મલોકમાં જતો રહેવાથી,ચંદ્ર,સૂર્ય,વાયુ,ઇન્દ્ર,અગ્નિ
અને યમ કોલાહલ કરવા લાગ્યા અને પોતાના સ્થાનમાંથી પડવા લાગ્યા.'આમ,લોકોન્તરો,પર્વતો,શહેરો,સમુદ્રો
અને જંગલો વગેરે સર્વ જગત ઉત્પાતો સાથેના પ્રલયકાળના પવન વડે તથા પરસ્પર મારામારીથી સંહારને
પ્રાપ્ત થઈને પૂર્ણ મહાસાગરની અંદર છિન્નભિન્ન થઇ ગયું અને સંહારને પામી ગયું.(સર્વ જળમય થઇ ગયું)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE