બ્રહ્મા (વસિષ્ઠને) કહે છે કે-'દેશ,કાળ,ક્રિયા,દ્રવ્ય,મન અને બુદ્ધિ-આદિ સર્વ,એ ઉત્પત્તિ-નાશ આદિ
વિકારથી રહિત છે,અને ચૈતન્ય-રૂપી-શિલાના એક અવયવ જેવું છે'- તેમ તમે સમજો.
ચિદાત્મા જ જાણે શિલાના આકારને ધારણ કરી રહ્યો હોય તેમ ભાસે છે.
જેમ 'ચલન-શક્તિ'એ પવનના એક અંગ-રૂપ છે,તેમ,વાસનાદેવીની (શક્તિની) જગતની જાળ પણ
એ 'ચિદ-શક્તિ' દેશ-કાળ-આદિના પરિચ્છેદને લીધે પરિચ્છેદવાળી થાય છે,તેથી તે આદિ-અંત-વાળી છે,
પછી તે દેશ-કાળ-આદિના પરિચ્છેદથી રહિત હોય છે,તેથી તે અનાદિ-અનંત છે.
આ ચૈતન્યરૂપી શિલા આદિ અને અંતથી રહિત છે અને જ્ઞાન-દૃષ્ટિથી જોતાં નિરાકાર છે,
પણ તે માયા-અવિદ્યા (શક્તિ)ના યોગથી આદિ-અંત-વાળી છે-તથા સાકાર પ્રતીતિમાં આવે છે.
અને તે જગતને પોતાના અવયવ-રૂપે ધારણ કરી રહેલી જણાય છે.
જેમ,સ્વપ્નમાં ચિદાત્મા પોતે ચિદાકાશરૂપ હોવા છતાં પોતાના જ સ્વરૂપને નગરને આકારે દેખે છે,
તેમ,જાગ્રતમાં પણ એ ચિદાત્મા વસ્તુતઃ પોતાના સ્વરૂપથી અભિન્ન એવા જગતને, જગતના આકારે જુએ છે.
વસ્તુતઃ જોઈએ તો સ્વપ્નની જેમ જ જાગ્રતમાં પણ જગત નથી.
કેવળ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર એવા અનેક-રૂપે વિવર્ત-ભાવથી પ્રતીતિમાં આવે છે.
અધ્યારોપની દૃષ્ટિથી જોતાં તે (ચિદાત્મા)ના સ્વરૂપની અંદર અનેક જગતો રહેલાં છે,
અને અપવાદ-દૃષ્ટિથી જોતાં કશું પણ તેનાથી જુદું નથી.
જેમ મહાકાશની અંદર ઘટાકાશ-આદિ અનેક આકાશો,મહાકાશની સત્તા વડે રહેલાં છે,
પરંતુ તેમની સત્તા જુદી નથી,
તેમ જગતો પણ ચિદાકાશની અંદર ચિદાકાશની સત્તાથી રહેલાં છે.પણ તેમની સતા જુદી નથી.
એટલે અધ્યારોપની દૃષ્ટિએ જોતાં તે જગત દેખાય છે પણ અપવાદ-દૃષ્ટિથી તે શૂન્ય-રૂપ છે.
હે વસિષ્ઠ મુનિ,હવે તમે સુખથી તમારા જગતમાં જાઓ,એકાંતમાં તમારા આસન ઉપર બેસો
અને સમાધિથી શાંતિ પામો.બુદ્ધિ આદિ વડે કલ્પાયેલાં,આ મારાં જગતોના રૂપો,
પોતાના કારણરૂપ અવ્યકતમાં લય પામો,કેમ કે હવે અમે અતિ-વિશાળ એવા બ્રહ્મપદમાં જઈએ છીએ.