Dec 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1019

બ્રહ્મા (વસિષ્ઠને) કહે છે કે-અહી હમણાં કળિયુગનો અંત આવી ચુક્યો છે.ચારે યુગોનું પરિવર્તન પૂરું થઇ રહ્યું છે.
પ્રજા,મનુ,ઇન્દ્ર,દેવતાઓ-વગેરે સર્વનો પણ અંત આવી ચુક્યો છે.આજે જ પ્રલય અને મહાપ્રલય થશે,
આજે જ મારી વાસનાનો અંત આવશે અને આજે મારા દેહાકાશનો પણ લય થશે.
હે મહારાજ,આ વાસનાદેવી ક્ષય પામવાને તૈયાર થઇ રહેલી છે
કેમકે ,જેમ કમળ શુષ્ક થઇ જાય તો તેની અંદર રહેલી સુગંધ ક્યાં રહે?

વાસનાની અંદર વિના કારણે,સ્વાભાવિક રીતે જ ખોટી ખોટી ઇચ્છાઓ ઉદય પામતી રહે છે.
આ વાસનાદેવીનો ઉદય કેવળ અભિમાનને લીધે જ ખડો થયો છે અને
તેને પોતાના સ્વરૂપનું અવલોકન કરવાની ઈચ્છા પોતાની મેળે જ "સ્વભાવ"થી જ થઇ આવે છે.
આત્મતત્વનું અવલોકન કરનારી આ વાસનાદેવીને ધારણાના અભ્યાસના યોગથી તમારી સૃષ્ટિ જોવામાં આવી,
તો વળી (સાથેસાથે) તે ચાર પુરુષાર્થને મેળવવામાં વ્યગ્ર રીતે પ્રવૃત્ત થયેલી પણ જોવામાં આવી.

આ વાસનાદેવી આકાશની અંદર સંચાર કરતી હતી ત્યારે તેને લોકાલોક પર્વતના શિખર પર પોતાના જગતના
આધારરૂપ એવી શિલા (સૃષ્ટિ) જોવામાં આવી-કે જે આપણી દૃષ્ટિમાં તો તે કેવળ ચિદાકાશરૂપ જ છે.
જે શિલાની અંદર,એ વાસનાદેવીનું જગત રહેલું છે,તે આ લોકાલોક પર્વતની શિલા છે.
આવી જ રીતે આપણા જગતના પદાર્થોમાં,પણ બીજાં પણ અનેક જગતો રહેલાં છે.
પરંતુ જ્યાં સુધી આપણે ભેદ-દૃષ્ટિમાં રહ્યા છીએ ત્યાં સુધી તે જગતો આપણા દેખવામાં આવતાં નથી.પણ,
આપણે સમાધિ વડે,ચિદાકાશની સાથે એકતાને પામીને યોગ-દૃષ્ટિથી જોઈએ તો તે તરત જોવામાં આવે.

જે રીતે.,આ શિલાની અંદર જગત રહેલું છે,તે રીતે જ,ઘડામાં,કપડામાં,ખાડાઓમાં,ભીંતોમાં,આકાશ,અગ્નિ,જળ
વગેરે સર્વ ઠેકાણે સદાકાળ અનેક જગતો રહેલ છે.વસ્તુતઃ તો જગત એ સ્વપ્નમાં દેખાતા નગરની જેમ મિથ્યા છે.
અને તે જગત જો છે-તો તે અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપ જ જડ-રૂપે પ્રતીતિમાં આવે છે તેવું પણ નથી.
જેઓ દૃશ્ય (જગત)સંબંધી ભ્રાંતિના મિથ્યા-સ્વરૂપને જાણે છે,અને ચિદાકાશની સાથે એકતા પામ્યા છે,
તેઓ કદી પણ મોહને પ્રાપ્ત થતા નથી,બાકી બીજાઓ તો ભ્રાંતિમાં જ ભટક્યા કરે છે.

હે વસિષ્ઠ મુનિ,આ વિદ્યાધરી (વાસના) પોતાના વૈરાગ્યને લીધે,ચિત્તમાં સ્ફૂરી આવેલા પોતાના ઇચ્છિત અર્થને
સાધવા ઈચ્છી રહી છે,તેથી સિદ્ધિઓ મેળવવાના અભ્યાસ રૂપ ધારણાના અભ્યાસને લીધે તેણે તમને દીઠા છે.
આમ,જીવ-ચૈતન્યની અવિદ્યા-રૂપી-'શક્તિ' મહા અપાર છે અને તે માયાની જેમ વિસ્તાર પામે છે.
બ્રહ્મની નિર્વિકાર માયા-'શક્તિ' પણ આ જ પ્રમાણે આદિ અને અનંત છે.
વસ્તુતઃ જોઈએ તો કશાં 'કાર્યો' ની ઉત્પત્તિ કે નાશ નથી,પણ કેવળ ચિદાત્મા જ વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE