Dec 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1015

આ જે કંઈ પ્રત્યક્ષ-રૂપે દેખાય છે,તે પણ ચિદાત્માનો અનાદિકાળથી ચાલ્યો આવતો વિવર્ત છે.
વસ્તુતઃ તો સર્વ પરમતત્વ-રૂપ જ છે અને ચિદાભાસ-રૂપ જીવનું જે "હિરણ્યગર્ભ"ને નામે કહેવાતું,
"સમષ્ટિ-ભાવ-રૂપ" એવું તેનું "આતિવાહિક પ્રથમ શરીર" (બ્રહ્મા) છે.
અને અશુદ્ધ બુદ્ધિથી જયારે આ "સમષ્ટિ-ભાવ" વિસરાઈ જાય છે,
ત્યારે તે "વ્યષ્ટિ-ભાવ-રૂપ" થઈને સર્વ મનુષ્યોની પ્રતીતિમાં આવે છે ત્યારે તે "મન" કહેવાય છે.

આમ,ચિદાત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ જ અવિદ્યા વડે,ભ્રાંતિને લીધે મન-જગત-આદિ રૂપે થઇ રહેલું ભાસે છે.
એ શુદ્ધ સ્વરૂપ,યોગીઓને (સમષ્ટિ-રૂપે) પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને બીજા સાધારણ મનુષ્યોને તે
મન-રૂપે પણ જણાય છે.હે રામચંદ્રજી,હમણાં અવિદ્યાને લીધે ખડો થઇ ગયેલો અને મનને પ્રત્યક્ષ-રીતે અનુભવમાં
આવતો આ આધિભૌતિક (સ્થૂળ) દેહ કેવળ કાલ્પનિક છે,તેથી તે અત્યંત મિથ્યારૂપે જ ઉઠયો છે.એમ સમજો.

અહો,આ માયા કેવી વિચિત્ર છે !! આત્મ-સ્વરૂપ કે જે પ્રથમથી જ પ્રત્યક્ષના જેવું સ્વતઃસિદ્ધ છે,છતાં માયાના
પ્રભાવથી તેમાં (તે આત્મ-સ્વરૂપમાં) પરોક્ષબુદ્ધિ થઇ જાય છે અને જગત-મન-વગેરે જે વસ્તુતઃ પરોક્ષ જેવાં છે,
તેમાં "આ પ્રત્યક્ષ છે" એવી કલ્પનાનો નિર્ણય બાંધી લેવામાં આવે છે.આ "સ્થૂળ-દેહના અધ્યાસ"ની પહેલાં,
"આતિવાહિક-દેહના અધ્યાસ" નો જ પ્રત્યક્ષ રીતે ઉદય થાય છે અને તે જ સત્ય-રીતે સર્વની અંદર રહેલો છે.
બાકી આધિભૌતિક (સ્થૂળ) પણાની જે પ્રતીતિ થાય છે-તે તો માયા-માત્ર છે.

જેવી રીતે સુવર્ણમાંથી બનાવેલ દાગીનાઓ એ સુવર્ણની અંદર નથી,તેવી રીતે આતિવાહિક દેહમાં
આધિભૌતિક-પણું છે જ નહિ.જે ભ્રાંતિ-રૂપ છે,તેને જીવ અવિચારને લીધે સત્ય સમજે છે
અને જે સત્ય છે તેને જીવ ભ્રાંતિ-રૂપ સમજે છે,અહો ! જીવનું એ કેવું મૂઢપણું છે !!
આ આધિભૌતિક (સ્થૂળ) દેહ વિચાર વડે જોવામાં આવતો નથી અને આતિવાહિક-દેહ તો
વાસના-ક્ષય થતાં સુધી અક્ષય જ છે,અને આ લોક અને પરલોક-એ બંનેમાં નિર્વાહ કરનારો છે.

જેમ,ઝાંઝવાના જળમાં ખરા જળની પ્રતીતિ થાય છે,તેમ માયા વડે આતિવાહિક-દેહની અંદર આધિભૌતિક-પણાની
પ્રતીતિ થઇ આવે છે.અહો ! જીવમાં અવિચારથી ઉત્પન્ન થયેલા મોહનો કેવો મહિમા છે !
જે જે અસત્ય છે,તેને તેણે સત્ય માની લીધું છે અને જે સત્ય છે તેને તેણે અસત્ય માની લીધેલ છે !
સત્તાની સ્ફૂર્તિ અને સંકલ્પ-એ એ વડે જ આ લોક અને પરલોક સંબંધી સર્વ વ્યવહાર સિદ્ધ થાય છે,
અને એ બંનેનો સંબંધ આતિવાહિક દેહની સાથે જ રહેલો છે.

સંકલ્પ એ એક જાતનું મનનું સ્ફુરણ છે અને તે પણ કંઇક અનિર્વચનીયરૂપે જ તેના અનુભવમાં આવે છે.
જે પુરુષ સર્વના આદિ-કારણ-રૂપ એવી શુદ્ધ પારમાર્થિક સત્તાને (ચૈતન્યને) છોડી દઈ,આ મિથ્યા-રૂપે દેખાતા
પ્રત્યક્ષ-પ્રપંચ (જગત) માં જ સ્થિતિ રાખે છે,તે ઝાંઝવાના જળનું પાન કરી સુખેથી બેઠો છે,એમ સમજવું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE