Dec 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1014

સર્વ મનુષ્ય-માત્રને,સર્વ વસ્તુની પ્રાપ્તિ થવામાં સદાકાળ એક ઉન્નત અભ્યાસ-રૂપી સૂર્ય જ જય આપે છે.
ચૌદ લોકોમાં રહેલી સર્વ પ્રાણીઓની જાતિની અંદર કોઈને પણ પોતાની અભિષ્ટ(સત્ય) વસ્તુ,સ્વાભાવિક
અભ્યાસ વિના પ્રાપ્ત થતી નથી.દરેક ધારેલા અભિષ્ટ કાર્યને,વારંવાર કાર્ય કરવું,તેને "અભ્યાસ" કહે છે.
વસ્તુતઃ એ અભ્યાસ જ પુરુષાર્થ છે,અને તેના વિના બીજી કશી ગતિ નથી.
દૃઢ અભ્યાસના નામથી ઓળખાતા "યત્ન" (પુરુષાર્થ) નામના પોતાના કર્મથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

(૬૮) આતિવાહિક દેહની સિદ્ધિ અને દૃશ્યની અસિદ્ધિ

વિદ્યાધરી (વસિષ્ઠને) કહે છે કે- દૃઢ અભ્યાસના નામે કહેવાતા સમાધિના યત્ન વિના દેહાદિકમાં થઇ ગયેલી,
આધિભૌતિકપણાની ભ્રાંતિ નિવૃત્ત થતી નથી અને આતિવાહિકપણાનો ભાવ પ્રગટ થતો નથી.આથી બીજી સૃષ્ટિ
સાક્ષી (આત્મા) વડે જોઈ શકાતી નથી,માટે હવે આપણે બંને નિર્મૂળ પરમાત્માની અંદર સર્વનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે
તેવી સમાધિ-રૂપી ધારણા વડે,આતિવાહિકપણાને પ્રગટ કરનારો પ્રાચીન અભ્યાસ કરવા માંડીએ,
એટલે મેં વર્ણવેલું શિલાની અંદર રહેલું જગત પ્રગટ-રૂપે જોવામાં આવશે.

વસિષ્ઠ (રામને) કહે છે કે-વિદ્યાધરીએ મને ઉપર પ્રમાણે વચનો કહ્યાં,એટલે હું પદ્માસન વાળી સમાધિમાં પ્રવૃત્ત થઇ ગયો.
પછી સર્વ બાહ્ય-વસ્તુઓના સંકલ્પનો ત્યાગ કરી એક કેવળ ચૈતન્યની જ ભાવના કરી,તેમ જ પ્રથમ ચાલેલા
કથા-પ્રસંગ-સંબંધી-સંકલ્પો-રૂપી-મેલને પણ છોડી દીધો.ત્યારે હું ચિદાકાશરૂપ પરબ્રહ્મ-ભાવને પામ્યો.
પછી હું ચિત્તને સત્ય-પરમતત્વમાં જ એકાગ્ર કરીને સમાધિનો દૃઢ અભ્યાસ કરવા લાગ્યો,એટલે,દેહમાં થયેલી
મારી આધિભૌતિકપણાની ભ્રાંતિ જતી રહી અને વિશુદ્ધ-સ્વયંપ્રકાશ ચિદાકાશની સ્થિતિ ઉદય પામી હોય તેમ જણાયું.

પછી હું મારા પોતાના સાક્ષીચૈતન્યના શુદ્ધ પ્રકાશ વડે જોવા લાગ્યો,તો ત્યાં આકાશ કે શિલા એ કશું દેખાયું નહિ,
પણ એ સર્વ પરબ્રહ્મમય જ દેખાયું.પણ તે પરબ્રહ્મ જ તેવા (આકાશ કે શિલા) આકારે થઇ રહ્યું હોય એમ જાણે દેખાય છે.
પરમતત્વ-રૂપ મારો આત્મા જ શિલાની ભાવનાના બળથી શિલા-રૂપે દેખાયો.
જેમ સ્વપ્નની અંદર કોઈ મોટી શિલા જોવામાં આવે છે,પણ તે ચિદાત્માના વિવર્તરૂપ હોવાથી ચિદાત્મારૂપ જ છે,
તેમ,મને આકાશની અંદર દેખાયેલી તે શિલા (ચિદાકાશના વિવર્તરૂપ) શુદ્ધ ચિદાકાશરૂપ જ હતી.
બાકી તેમાં પૃથ્વી-આદિ કશું પણ તત્વ ન હતું.

સર્વ પદાર્થનું મહાપ્રલયમાં જે પારમાર્થિક શુદ્ધ સ્વરૂપ અવશેષ રહે છે,તે તત્વવેત્તા પુરુષોના મનના એકાગ્રપણા વડે જ
અનુભવમાં આવે તેવું છે.બ્રહ્મનું જે શુદ્ધ ચૈતન્યરૂપ છે તે જ પ્રાણીમાત્રનું પારમાર્થિક સ્વરૂપ છે.
અવિવેકી પુરુષો તેને જગતના આકારે કહે છે.અને મનોરાજ્ય તથા સંકલ્પ તે જ કહેવાય છે.
બ્રહ્મ-માયાના સંબધથી તે શબલબ્રહ્મ કહેવાય છે.તેની અંદર જગતના સંસ્કારો વડે રંગાઈ ગયેલો,
જે ચિદાત્માનો અંશ છે તે "આતિવાહિક-દેહ"રૂપ છે.પણ વસ્તુતઃ તો પરબ્રહ્મ જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE