આ શિલાની અંદર દેવ,મનુષ્ય,અસુર-આદિ જે કંઈ મારા જોવામાં આવે છે તેઓ વિલક્ષણ છે અને અરીસામાં પડેલાં નગરોની જેમ મને આભાસ-રૂપે દેખાય છે.એ સર્વ મારા જોવામાં આવે છે કારણકે-તે મારો નિત્યનો અનુભવ છે,અને આપને તે દેખાતું નથી કેમ કે આપને નિત્યના અનુભવનો અભાવ છે.
વળી ઘણા કાળ સુધી આપણી આ દ્વૈત સંબંધી કથા ચાલવાથી આપણે બંને પોતાનો કેવળ મનોમાત્ર
એવો શુદ્ધ આતિવાહિક દેહ ભૂલી ગયા છીએ.
મને પોતાને ઘણા કાળના અભ્યાસને લીધે,અનુભવમાં આવેલું મારું પોતાનું જગત પણ હવે નષ્ટ જ થઇ ગયું છે.
કેમ કે તેને હું મનોમાત્ર સમજુ છું અને તેને દેખતી નથી.જે મારું પોતાનું જગત મને અતિ-પ્રગટ-રૂપે જોવામાં આવતું હતું,
તેને હમણાં,હું જાણે તે અરીસામાં પ્રતિબિમ્બિત થઇ રહ્યું હોય,એમ આભાસમાત્ર જ જોઉં છું.
વિદ્યાધરી કહે છે કે-હે મહારાજ,ઘણા કાળ સુધી,પરસ્પર વ્યર્થ રીતે ચાલેલી આ કથા-રૂપી વ્યથાથી,
આપણે આપણું અત્યંત આતિવાહિક સ્વરૂપ ભૂલી ગયાં છીએ.એ શુદ્ધ ચિદાકાશની અંદર વાસનાને લીધે જેવો
દૃઢ સંસ્કાર જાગ્રત થઇ પ્રકાશ પામે છે,તેવું જ ચિત્ત થઇ જતું દેખાય છે.આ વાત સર્વના સમજમાં આવે તેવી છે.
શુભ શાસ્ત્ર-દૃષ્ટિ વડે જોતાં અને શ્રેષ્ઠ ન્યાયની રીતિ વડે વિચાર કરતાં
એવું કશું પણ નથી કે જે અહર્નિશ (અમાપ) ઉદ્યોગ (યત્ન કે પુરુષાર્થ) વડે સિદ્ધ ના થાય.
હું મારા પોતાના મન વડે રચાયેલા જગતના અવલોકનના અભ્યાસમાં નિરંતર ગૂંથાઈને તેને આધીન
થઇ ગઈ હતી,પણ આ તમારી કથા-રૂપી-ભ્રાંતિમાં હમણાં મારું મન રોકાયાથી તેમાં હું પરાધીન થઇ છું,
કેમ કે તે બળવાન છે,અને બે વિષયમાં જે બળવાન હોય તે જ વિજય પામે છે.
આ પ્રૌઢ અહંકાર-રૂપી અજ્ઞાનનો ભ્રમ આવી રીતે જ જ્ઞાન-ચર્ચા કરવાથી શાંત થઇ જાય છે.
પણ,અહો,અભ્યાસનો કેવો પ્રભાવ છે કે,હું આપણી શિષ્યા જેવી અબળા,બાળક છું,અને હું આ શિલાની
અંદર સૃષ્ટિને દેખું છું,તો આપ તો સર્વજ્ઞ હોવા છતાં આ શિલાની અંદરની સૃષ્ટિને નથી જોઈ શકતા !!
સાવ અજ્ઞાની હોય,તે પણ ધીરેધીરે અભ્યાસ વડે મહા-જ્ઞાનવાન બની જાય છે.
હે મહારાજ,અભ્યાસ વડે કડવો પદાર્થ પણ ભાવતો થઇ જાય છે.
નિરંતર પાસે રહેવાના અભ્યાસથી મમતા બંધાઈ જતાં જે બંધુ ના હોય તે પણ બંધુ-તુલ્ય થઇ જાય છે,
અને સહવાસનો અભ્યાસ ન રહે તો પોતાનો બંધુ પણ અલ્પ-સ્નેહ-વાળો થઇ જાય છે.
જે મનુષ્ય,પોતાની ઇષ્ટ વસ્તુ મેળવવામાં અભ્યાસ કરતો નથી,તે એક અનિષ્ટમાંથી બીજા અનિષ્ટને પ્રાપ્ત થાય છે
અને એક નરકમાંથી બીજા નરકમાં જાય છે.સંસારને અસાર-રૂપ બતાવી આપનારા વિવેકને સેવનારા જે પુરુષો,
આત્મ-વિચાર-રૂપી અભ્યાસને છોડતા નથી,તેઓ જ આ માયા-રૂપી નદીને તરી જાય છે.
અભ્યાસ-રૂપી-પ્રકાશ,તે ચૈતન્યને પ્રગટ-રૂપે દેખાડી અને તેને પ્રાપ્ત કરાવી દે છે.