જેવી રીતથી આપણે ઘણા લાંબા કાળથી આ દૃશ્ય જગતનો અનુભવ કરીએ છીએ,અને તેમાં સત્યતાનું અભિમાન બાંધીએ છીએ,તેવી જ રીતથી પર્વતો,સમુદ્રો,પૃથ્વી અને સર્વ પ્રાણીઓ વગેરે પણ કરે છે.
જેવી રીતે તેમનાં જગતમાં પ્રલય-જગતની મર્યાદા -વ્યવસ્થા-વગેરે છે,તેવી જ રીતે આપણા જગતમાં પણ છે.અને આપણે સર્વ આ જગતમાં છીએ.એટલે,આપણે સર્વ,જો તેઓના જોવામાં આવીએ,તો તેમના સ્વપ્ન-પુરુષ સમાન છીએ.અને તેમના જે જગતો (સંસાર) છે,તેમાંનો એક આપણો પણ સંસાર છે.
તેમના એ સ્વપ્ન-પુરુષો (આપણે) તેમને અનુભવમાં આવવાથી તેમને સત્ય ભાસે છે.
ચિદાત્માના સર્વ-વ્યાપક-પણાને લીધે (આરોપિત-રૂપે મિથ્યા હોવા છતાં)તેઓ અધિષ્ઠાન-દૃષ્ટિએ સત્ય છે.
જેવી રીતે સ્વપ્નપુરુષો ચિદાત્માનો જ એક વિવર્ત હોવાથી -સત્ય-ચિદાત્મારૂપ જ છે અને પોતાના સ્વરૂપમાં "કલ્પાયેલા" જ છે,તેવી રીતે મને સર્વ ચિદાત્મા-રૂપ જ લાગે છે.એ જ પ્રમાણે તમારે પણ સમજવું.
તમે તમારા સ્વપ્નમાં જે નગરોને અને જે મનુષ્યોને જેવી રીતે જોયાં હતાં,તેવી જ રીતે તેઓ હજુ પણ ચિદાકાશની અંદર રહેલા જ છે,કેમ કે બ્રહ્મ જ વિવર્તભાવથી સર્વ-રૂપ છે.જેવી રીતે જાગી ગયા પછી તે તે સ્વપ્નના પદાર્થો વિખેરાઈ જાય છે-એવો અનુભવ થાય છે,તેવી જ રીતે સ્વપ્નના સમયમાં તેમની સ્થિતિની સ્થિરતા હોવાનો અનુભવ થાય છે.સર્વ જગત (અને સ્વપ્નો) બ્રહ્મ વડે જ સત્તા-રૂપ હોવાથી જ સર્વને,સર્વનો અનુભવ થાય છે.
પ્રત્યેક કાળમાં જેટલા જેટલા જીવો મોક્ષને પ્રાપ્ત થયા વિના મરી ગયા છે,તેમની અંદર,તેટલા સંસારો નાશ પામ્યા વિના જુદાજુદા થઈને રહ્યા છે.અને તે સંસારની અંદર પણ પાછા મનુષ્યો રહેલા છે.પ્રત્યેક મનુષ્યની અંદર પાછું મન રહેલું છે અને પ્રત્યેક મનની અંદર પાછું જગત રહેલું છે,વળી તે જ જગતમાં પાછાં મનુષ્યો રહેલા છે.
આવી રીતે આ દૃશ્યની ભ્રાંતિ આદિ-અંતથી રહિત છે.
આમ ચૈતન્ય-તત્વ અનંત છે,તો જગતની અમુક સંખ્યા -શી રીતે કહી શકાય?
આથી તત્વવેત્તાઓની દૃષ્ટિમાં સર્વ બ્રહ્મ-રૂપ છે અને અવિવેકીઓની દૃષ્ટિમાં તે દૃશ્ય (જગત) રૂપે ભાસે છે.
(૬૪) વિદ્યાધરીનું વૃત્તાંત
વશિષ્ઠ કહે છે કે-પછી તે મનોહર લોચન (આંખો) વાળી લલિત લલના (સ્ત્રી)ને જોઇને મેં તેને "લીલા" વડે પૂછ્યું-
હે,ગૌર કાંતિવાળી સ્ત્રી,તું કોણ છે? અને અહી શા માટે આવી છે?તું કોની પત્ની કે પુત્રી છે? તું શું ઈચ્છે છે?
તું ક્યાંથી આવી ચડી છે?અને તું ક્યાં રહે છે?
વિદ્યાધરી કહે છે કે-હે મહારાજ,હું આપને મારું પોતાનું સંપૂર્ણ વૃતાંત કહું છું,તે તમે સાંભળો.
હું દુઃખી છું અને મારી પીડા શાંત થાય તેવા ઉપાયને ઈચ્છું છું,માટે આપ મારા પર કરુણા રાખો.
પરમ વિસ્તીર્ણ ચિદાકાશના કોઈ એક ખૂણામાં આ તમારું જગત-રૂપી-ઘર કોઈ અનિર્વચનીય-પણે રહ્યું છે.
તેના ત્રણ-લોકો-રૂપી ત્રણ ખંડો છે અને તેમાં હિરણ્યગર્ભરૂપે પ્રસરી રહેલ "માયા"એ
"કલ્પના" નામની એક કુમારિકાને ઘર-ધણીયાણી (ઘરની સ્ત્રી) તરીકે બનાવી છે.