રામ કહે છે કે-તમે અવયવ વિનાના તમારા (માત્ર વાસનામય) દેહ વડે,એ સ્ત્રી સાથે શી રીતે વ્યવહાર કર્યો હતો?એવી સ્થિતમાં ક,ચ,ટ,ત-આદિ અક્ષરોનો ઉચ્ચાર શી રીતે થયો?
વસિષ્ઠ કહે છે કે-જેમ,શબના શરીરમાંથી શબ્દનો ઉચ્ચાર થઇ શકતો નથી,તેમ આકાશના જેવા નિરવયવ શરીરને ધારણ કરનાર તત્વવેત્તાઓના મત પ્રમાણે,ક,ચ,ટ,ત-આદિ અક્ષરોનો કદી પણ ઉચ્ચાર થઇ શકતો નથી.
એ સર્વ "કલ્પના-માત્ર" છે.મનુષ્યને આવેલા,સ્વપ્નની અંદર આવેલા મનુષ્યના શબ્દનો ઉચ્ચાર,પાસેના જાગ્રત મનુષ્યને સંભળાતો નથી.એથી સિદ્ધ થાય છે કે-સ્વપ્નની અંદર જે કંઈ દેખાય છે તે કશું સત્ય નથી
પણ ભ્રાંતિમાત્ર જ છે.ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર નિંદ્રાના સ્વભાવના બળ (શક્તિ) ને લીધે
સ્વપ્ન-રૂપે વિવર્તભાવને પ્રાપ્ત થઇ જઈ પ્રતીતિમાં આવે છે.
જેવો સ્વપ્ન-પ્રપંચ છે તેવો જ આપણી આગળ ખડો થઇ ગયેલો જાગ્રત-પ્રપંચ (જગત) છે.
એ જ રીતે સમાધિમાં જે કંઈ દેખાયું હતું,એ સર્વ વસ્તુતઃ ચિદાકાશરૂપ હોવા છતાં,જાણે ચિદાકાશરૂપ ના હોય તેમ દેખવામાં આવે છે,ચૈતન્ય પરબ્રહ્મ,એવી રીતે સુંદરતાથી અને ચતુરતાથી વિવર્ત-રૂપે ફેલાઈ રહેલું છે કે
એ સર્વ જાણે પોતે જ જગતના આકારે સત્ય અને સ્થિર-રૂપે સ્ફૂરી આવતું હોય-તેમ પ્રતીતિમાં આવે છે.
રામ કહે છે કે-હે મહારાજ,આ જગત જો સ્વપ્નના જેવું કે સ્વપ્ન જ હોય,તો પછી,
તે જાગ્રત-રૂપે કેમ પ્રત્યક્ષ જોવામાં આવે છે? અને અસત્ય હોવા છતાં સત્ય જ હોય તેમ કેમ પ્રતિત થઇ રહ્યું છે?
(નોંધ-અહીં ફરી વાર એકના એક વસ્તુની ચર્ચા (પુનરાવર્તન) કરવા માટે જ જાણે પ્રશ્ન પૂછ્યો નથી?)
વસિષ્ઠ કહે છે કે-સ્વપ્નની જેમ જ આ જગતો,જો ચિદાકાશથી જુદાં નથી-તો સ્વપ્નની જેમ જ તેમાં સત્યતા રહેલી નથી.સ્વપ્નની જેમ જ તેઓ પણ અસ્થિર છે અને સ્વપ્નની જેમ જ અનિર્વચનીય પણે આત્મ-સત્તાને લીધે જ સ્થિર થઇ રહેલાં જણાય છે.જેમ,બીજોના ઢગલામાં બીજાં અનેક બીજો રહેલાં જોવામાં આવે છે,તેમ, ચિદાકાશની અંદર તેઓ અનેક-પણે અનુભવમાં આવે છે.અને વિચિત્ર વાસનાઓ અનુસાર જુદા જુદા રૂપે દેખાય છે.
સ્વપ્નની જેમ જ,કેટલેક અંશે,તેઓમાં પરસ્પર સમાનતા રહેલી છે-અને કેટલેક અંશે સમાનતા દેખાતી નથી.
વળી તે જગતો અન્યોન્ય (એકબીજાનું) કશું જોઈ શકતા નથી.તેઓ જડ જેવાં દેખાય છે અને એક ઢગલામાં રહેલાં બીજોની જેમ,તેઓ પોતાના અધિષ્ઠાનમાં છેવટે એકરૂપ થઇ જાય છે.ચિદાકાશ-રૂપ હોવાથી તેઓ સાવ શૂન્ય-પણાને પ્રાપ્ત થઇ જતાં નથી,તેમ જ આપણી જેમ પરસ્પર એકબીજાને જોડાઈ શકતાં પણ નથી.
વસ્તુતઃ પોતે ચૈતન્ય હોવા છતાં,તેઓ તો પોતાના સ્વરૂપને આડે અજ્ઞાનનું આવરણ આવી જવાને લીધે જાણે,સુષુપ્તિને પ્રાપ્ત થઇ ગયેલા હોય,તેમ નિરંતર સ્વપ્ન-સ્થિતિને અનુભવે છે (જડ જણાય છે)