બાહ્ય-દૃષ્ટિનો ત્યાગ કરીને જો કેવળ આત્માકાર વૃત્તિ વડે તત્વનું અવલોકન કરવામાં આવે તો-
તે અજ્ઞાન તરત જ શાંત થઇ જાય છે.જયારે,અજ્ઞાનનું ખરું સ્વરૂપ જાણવામાં આવે છે,ત્યારે "તે અજ્ઞાન કોઈ દિવસ હતું જ નહિ" એમ સમજાઈ જાય છે.પછી બંધ-મોક્ષ વિનાનું પરબ્રહ્મ જ સર્વ-રૂપ છે-એમ નિશ્ચય થાય છે.
આમ મોક્ષ માટેના બોધ (જ્ઞાન) આદિ જે ઉપાયો અહી મેં કહ્યા છે,તે મેં મારી બુદ્ધિ મુજબ તમને જણાવ્યા છે,
નિરંતર આત્મ-તત્વમાં યત્ન રાખનારો કોઈ અધિકારી પુરુષ જ એ બોધ-આદિ ઉપાયોને પ્રાપ્ત થાય છે,એમાં કોઈ સંશય નથી.આ સર્વ દૃશ્ય-રૂપી-ઈન્દ્રજાળને,વિચાર-દૃષ્ટિ વડે જોઈ લઇ,"અષ્ટ-સિદ્ધિવાળું ઐશ્વર્ય પણ માયામાત્ર હોવાથી અસાર છે"એવો પરમ વૈરાગ્ય ધારણ કરીને,અધિકારી જીવ પોતાના આત્મામાં જ પૂર્ણકામ થઇ રહે છે.
(૬૨) વસિષ્ઠે ચિદાકાશ-રૂપ-સ્ત્રી સાથે કરેલું સંભાષણ
રામ કહે છે કે-આપે એ સર્વ જોયું તે ચિદાકાશ-રૂપે થઇ રહીને જોયું ?
કે પછી તે એક દેશમાં રહી, આકાશમાં ફરતા રહીને જોયું?
વસિષ્ઠ કહે છે કે-તે વખતે હું અનંત-વ્યાપી-ચિદાકાશરૂપ જ થઇ ગયો હતો,તો પછી એ અવસ્થામાં જવું-આવવું વગેરે વ્યવહાર ક્યાંથી હોય? ત્યારે ઘણુંખરું હું એક જગ્યાએ રહ્યો નહોતો અને ગતિમાન પણ નહોતો,પરંતુ,
એ સર્વ (જગતો-વગેરે)ને મેં મારા પોતાના આત્મામાં જ દીઠું.જેમ દેહાત્મ-બુદ્ધિ થતાં,હું હાથ-પગ આદિ અવયવોને
(અવયવ-રૂપ) જોઉં છું,તેમ એ સર્વ જગતોને પણ (દેહના) નેત્રથી નહિ,પણ ચૈતન્ય-સત્તા-રૂપી-નેત્ર વડે જોયાં.
હું એ સમાધિકાળમાં નિરાકાર અને નિરવયવ સ્વરૂપ થઇ રહ્યો હતો,અને શુદ્ધ ચિદાકાશરૂપ જ હતો.
તે સમયે મને એ જગતો મારા અવયવ-રૂપ જણાયાં હતાં અને મારી (ચિદાકાશની) સત્તા વડે તેનું વસ્તુ-પણું થયું હતું.આમ તેનું વસ્તુત્વ નાશ પામ્યું નહિ અને તેઓ (જગતો) મારા અવયવ-રૂપ ભાસ્યાં.
વળી પોતાની મેળે તો તેઓ સાવ સત્તા-શૂન્ય હતાં,તેથી તેમનું વાસ્તવિકપણું પણ કાયમ ના રહ્યું.
આ વિષે તમારે પ્રમાણ જોઈતું હોય તો,તેને સ્વપ્નમાં જોવામાં આવતો,સ્વપ્ન-સૃષ્ટિનો જ વિલાસ સમજી લેવો.
જેમ કોઈ અવયવી (અવયવ-વાળો) પોતાના અવયવોને,પોતાના આત્માની અંદર જ રહેલ અને પોતાથી જુદા ગણતો નથી (એટલે કે તે અવયવોને પણ પોતાના આત્મા-રૂપ જ સમજે છે) તેમ,મેં પણ પોતાના આત્માની અંદર એ જગતને પોતાના આત્માથી જુદું નહિ ગણતાં,પોતા-રૂપ જ ગણ્યાં.હું ચિદાકાશને પ્રાપ્ત થઇ ગયો હતો,
તેથી હું એ સર્વ સૃષ્ટિઓને આજે પણ દેહની અંદર,આકાશની અંદર-અને સર્વત્ર દેખું છું.