વસિષ્ઠ કહે છે કે-અનેક જગતોના સમૂહો-રૂપી-માયાને જોઈ હું પ્રથમથી જ વિસ્મય પામી ગયો હતો,એટલે (વિસ્મયતાના લીધે) તે સ્ત્રીનો કોઈ આદર ના કરતાં મેં પાછું આકાશની અંદર વિહાર કરવાનું શરુ કર્યું.
હવે તે સ્ત્રીના જોવાથી મને એ સ્ત્રીના સંબંધમાં જે વિચારો ઉત્પન્ન થયા કે જે વિચારોને "આ તો અભાસમાત્ર છે"એવા વિવેક વડે સમૂળા છોડી દીધા. અને પછી હું ચિદાકાશરૂપે પાછો જગત સંબંધી માયાને જોવા લાગ્યો.
ત્યારે કોઈ કાળે,તર્કથી જ,જગતોનો ક્ષય અને ઉદય થતો મારા જોવામાં આવ્યો.
આ સર્વ ચિદાત્માની અંદર રહેલું છે અને ચિદાત્માથી જ ઉત્પન્ન થયેલું છે,સત્ય પણ ચિદાત્મા જ છે
અને તે જ સર્વરૂપે થઇ રહેલું છે-તે સર્વ વાત તે વખતે બરાબર મારા જોવામાં આવી.
એ ચિદાત્મા જ કેમ જાણે કલ્પી લીધેલાં નામ-રૂપને આકાર થયો હોય,તેમ પ્રતીતિમાં આવે છે,
પણ વાસ્તવમાં તે આકાશથી પણ શૂન્ય છે અને તેથી તે કોઈ નામરૂપને આકારે થઇ રહેલો જ નથી.
શબ્દરૂપે પરિણામ પામેલા એ આકાશ વડે આ સર્વ જગતો ચિદાકાશરૂપ જ છે.એવો મેં સમાધિની અંદર
અનુભવ કર્યો છે.જે અનેક પ્રકારની સૃષ્ટિની દશાઓ મારા જોવામાં આવી હતી તે દશાઓ ભેદ-ભાવના વડે જ ખડી થઇ હતી,પણ તે ભેદ-ભાવનાને દુર કરીએ-તો- તત્વ-દૃષ્ટિથી જોતાં ચિદાકાશ જ સર્વત્ર વિસ્તરી રહ્યું છે.
જો અધ્યારોપની દૃષ્ટિએ,કદાચ આ જગત છે એમ માનીએ,તો પણ તે સર્વ જગત જન્મ-આદિ વિકારોથી રહિત,અનાદિ,અને અનંત બ્રહ્મ-રૂપ છે.આ વાત માત્ર જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે.
નિરાકાર ચિદાકાશની અંદર દૃશ્યની કોઈ સત્તા જ નથી. પોતાની (ચેતન-બ્રહ્મ) સત્તા જ નિરાકારપણે રહ્યા છતાં સ્વપ્નના અનુભવની જેમ,તે બ્રહ્મ આ જગતને આકારે પ્રતીતિમાં આવે છે.તે બ્રહ્મ આત્માથી જુદું નથી પણ આત્મા-રૂપ જ છે.જેમ,સૂર્યનો પ્રકાશ અજવાળું કરે છે,પણ કોઈ વખતે-આવરણને લીધે-અજવાળું નથી પણ કરતો,તેમ,પ્રકાશ-રૂપ-બ્રહ્મ પણ સઘળું કરે છે,પણ તત્વ-દૃષ્ટિથી કશું નથી પણ કરતો.
(૬૧) જ્ઞાન-દૃષ્ટિએ ત્રણે કાળમાં જગતનો અભાવ છે
વસિષ્ઠ કહે છે કે-જેમ, જળની અંદર જળના પ્રવાહ સાથે તણાતા જતા અનેક પરપોટાઓ જોવામાં આવે છે,
તેમ,ચિદાકાશની અંદર ચિદાકાશના ચેતનપણાને લીધે તેમાંથી આ અનેક જીવો સ્ફૂરી આવે છે.અને તે જ આપણા મન-રૂપ છે.અને પોતાની મેળે જ એ વાસનાના યોગથી અનંત જગતોના આકારે થઇ રહેલ છે.
રામ કહે છે કે-મહાપ્રલયમાં સર્વનો નાશ થઇ જાય છે જો સર્વ પ્રાણીઓના સમૂહો લય પામે છે,
તો એ પછી કોને અને કેવી રીતે આ સૃષ્ટિ પ્રતિત થાય છે? (પુનરાવર્તન-પ્રશ્ન)
વસિષ્ઠ કહે છે કે-મહાપ્રલયમાં બ્રહ્માથી માંડી સ્થાવર સુધીનો સર્વનો લય થાય છે,
એ પછી ફરીવાર પાછો જગતનો અનુભવ કેવી રીતે થાય છે તે હું કહું છું - તે તમે સાંભળો.