તેમાંના કેટલાક બ્રહ્માંડો એકથી માંડીને છત્રીસ આવરણ વડે યુક્ત હતાં.વસ્તુતઃ તો આકાશના જેવાં જ હતાં.વળી કેટલાંક સાવ શૂન્ય હતાં,કેટલાંક પંચમહાભૂતોથી રચાયેલાં હતાં,કેટલાંક એક જ જાતિથી ભરેલાં હતાં,કેટલાંક અનેક જાતિથી (અનેક જાતનાં પ્રાણીઓથી) ભરેલાં હતાં,કેટલાંક અંધકારથી વ્યાપ્ત હતાં,કેટલાંક સૂર્ય આદિથી પ્રકાશમય હતાં,કેટલાંક સૃષ્ટિના આદિકાળમાં એક જ ધણી (હિરણ્યગર્ભ કે બ્રહ્મા) વડે ધણીયાતાં હતાં,કેટલાંક દેવતાઓ-વગેરેના વિચિત્ર આચારો વડે યુક્ત હતાં.
એક પરમાણુની અંદર પણ એ જગતો,એકબીજામાં,કલ્પનાથી કલ્પી લીધેલા પોતપોતાના સ્થાનમાં જ ખડાં થઇ રહેલ હતાં,અને વારંવાર ઉત્પન્ન થયે જતાં હતાં.તેઓ મહા-વિસ્તારવાળાં હતાં,અને અનેક હોવાને લીધે પરસ્પર એકબીજાના દેખવામાં કે અનુભવમાં પણ આવતાં ન હતાં.તે જગતો વિવિધ પ્રકારનાં હતાં,અનંત હતાં,
પણ વસ્તુતઃ તો તે શુદ્ધ ચિદાકાશરૂપ જ હતાં,અનાદિ હતાં
અને પ્રત્યેક (આત્મ) સ્વરૂપમાં,તે (જગતો) અજ્ઞાન-રૂપી-દોષને લીધે જ રૂઢ થઇ ગયેલ દેખાતા હતાં.
તે જગતો ચિદાકાશમાં ચિદાત્માના ચમત્કારને લીધે,રજોગુણ-તમોગુણના સંબંધથી અનેક સ્વપ્નની જેમ
દેખવામાં આવતાં હતાં.પણ,"કારણ" વગર પૃથ્વી-આદિ પદાર્થોનો(કાર્યનો) જે કંઈ અનુભવ થાય છે તે કેવળ
ભ્રાંતિરૂપ જ છે.આમ તે સર્વ જગતો અધિષ્ઠાન દૃષ્ટિએ જોતાં સત્ય હતાં,પણ આરોપિત દૃષ્ટિએ મિથ્યા જ હતાં,
તેમ છતાં માત્ર ભ્રાંતિ વડે જ તે વખતે (સમાધિ-કાળમાં) તે જગતો અનંત ચિદાકાશની અંદર,
નિમિત્ત વિના જ ઉત્પન્ન થતાં અને નિમિત્ત વિના જ પાછાં લયને પ્રાપ્ત થઇ જતાં મેં જોયાં.
(૬૦) વસિષ્ઠને સમાધિમાં સ્ત્રી-દર્શન
વસિષ્ઠ કહે છે કે-પછી હું ચોતરફ ભ્રમણ કરતો રહ્યો અને સાંભળેલ શબ્દનું કારણ શોધવામાં ઘણાકાળ સુધી
ચિદાકાશરૂપ થઇ રહ્યો.કોઈ કાળે તે શબ્દ મને વીણાના શબ્દ જેવો જણાવા લાગ્યો,પછી ક્રમે ક્રમે તેનાં પદો મને સમજાવા લાગ્યાં,અને તે "આર્યા" નામના છંદનો એક ભેદ છે એમ મારા સમજવામાં આવ્યું.
ત્યાર બાદ તે શબ્દ જ્યાંથી આવતો હતો તે તરફ મેં મારી યોગ-દૃષ્ટિથી જોયું,તો ત્યાં,
સુવર્ણના રસ જેવી તેજોમય કાંતિ વડે આકાશને ઝગમગાવી રહેલી એક વનિતા (સ્ત્રી) મારી દૃષ્ટિએ પડી.
અતિસુંદર અને મૃદુ હાસ્યવાળી તે વામા (સ્ત્રી) મારી પાસે જાણે મધુર-કોમળ સ્વરથી બોલી-
દુર્જનને લાયક એવા રાગ-દ્વેષ-આદિથી મુક્ત એવા ચિત્તવાળા હે મુનિ,તમે સંસાર-રૂપી-સરિતામાં ડૂબકાં ખાઈ રહેલ જીવોના તરણાધાર-તટવૃક્ષ જેવા છો.હું તમને નમસ્કાર કરું છું.
રમણીય અને સુંદર શબ્દવાળી એ સ્ત્રીને જોઈ મને વિચાર આવ્યો કે-આ તો કોઈ સ્ત્રી છે,તેનું મારે શું પ્રયોજન છે?
અને તેનો કોઈ આદર ના કરતાં,ત્યાંથી હું ચાલ્યો ગયો.